શીના બોરા હત્યાકાંડ:દીકરીના હત્યા કેસમાં 7 વખત જામીન ફગાવ્યા બાદ SCએ ઈન્દ્રાણી મુખર્જીને જામીન આપ્યા, 6 વર્ષથી જેલમાં હતી

મુંબઈ3 મહિનો પહેલા

પોતાની દીકરી શીના બોરા હત્યાના કેસમાં છેલ્લાં 6 વર્ષથી મુંબઈની ભાયખલા મહિલા જેલમાં બંધ ઈન્દ્રાણી મુખર્જીને અંતે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આ પહેલાં બોમ્બે હાઈકોર્ટ અને નીચલી અદાલતે મુખર્જીની અલગ-અલગ 7 જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં બંધ હતી એ દરમિયાન પોતાના પતિ પીટર મુખર્જી સાથે છૂટાછેડા પણ થઈ ગયા છે. દેશની સર્વોચ્ચ અદાલતે ઈન્દ્રાણીને આ જામીન મેડિકલ ગ્રાઉન્ડ પર ગ્રાંટ કર્યા છે.

ઈન્દ્રાણી દ્વારા દલીલ કરવામાં આવી હતી કે તેનો કેસ 6 વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે. હજુ પણ તેનો ઝડપથી ઉકેલ આવશે એવી શક્યતા દેખાતી નથી, જેને કોર્ટે જામીન આપવા માટે એક મોટો આધાર ગણાવ્યો છે. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, બીઆર ગવઈ અને એએસ બોપન્નાની બેંચે આ ચુકાદો આપ્યો હતો. મુંબઈ પોલીસે 25 ઓગસ્ટ, 2015ના રોજ શીનાની હત્યાના આરોપમાં ઈન્દ્રાણી મુખર્જીની ધરપકડ કરી હતી.

કોર્ટે કહ્યું, 'ઈન્દ્રાણી મુખર્જી 6.5 વર્ષથી જેલમાં બંધ છે. આ મામલે મેરિટ્સ પર કોઈ ટિપ્પણી નથી કરી રહ્યા. ભલે જ પ્રોસિક્યુશન દ્વારા 50 ટકા સાક્ષીઓને છોડી દેવામાં આવ્યા હોય, પરંતુ આ કેસ ઝડપથી ખતમ નહીં થાય, તેથી તેમને જામીન આપવામાં આવ્યા છે.'

ઉચ્ચ અદાલતે કહ્યું હતું કે પીટર મુખર્જી પર લાગુ શરતો ઈન્દ્રાણી પર પણ લાગુ થશે. ઈન્દ્રાણીના પૂર્વ પતિ પીટર મુખર્જી પણ આ કેસમાં આરોપી છે.

ઈન્દ્રાણીએ દીકરી જીવતી હોવાનો કર્યો હતો દાવો
મુંબઈમાં 2012માં થયેલા શીના બોરા હત્યાકાંડમાં આજે પાંચ મહિના પહેલાં એક મોટો ટર્ન ત્યારે આવ્યો, જ્યારે ઈન્દ્રાણી મુખર્જીએ દાવો કર્યો કે તેની દીકરી જીવતી છે. ઈન્દ્રાણીનો દાવો છે કે જેલમાં બંધ એકસાથે મહિલા કેદીએ શીના સાથે કાશ્મીરમાં મુલાકાત કરી છે. ઈન્દ્રાણીએ CBI ડાયરેક્ટરને આ અંગે પત્ર પણ લખ્યો હતો. તેમને અપીલ કરી હતી કે શીના બોરાને કાશ્મીરમાં શોધવામાં આવે. કેસની તપાસ CBI કરી રહી છે. ઈન્દ્રાણી પર પોતાની દીકરીને કારમાં ગળું દબાવીને હત્યા કરવા અને તેના મૃતદેહને જમીનમાં દાટી દેવાનો આરોપ છે.

એક સમયે અત્યંત જાહોજલાલીમાં રહેતી ઈન્દ્રાણીની જેલમાં હવે આવી હાલત થઈ ગઈ છે.
એક સમયે અત્યંત જાહોજલાલીમાં રહેતી ઈન્દ્રાણીની જેલમાં હવે આવી હાલત થઈ ગઈ છે.

CBI શીના બોરા કેસ ક્લોઝ કરવા માગે છે
CBIએ શીના બોરા મર્ડર કેસમાં તપાસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક દિવસમાં CBIએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં કહ્યું હતું કે 2012માં થયેલા આ મર્ડરને લઈને તેમની તપાસ પૂરી થઈ ગઈ છે. CBIએ આ મામલે ત્રણ ચાર્જશીટ અને બે સપ્લિમેન્ટરી ચાર્જશીટ ફાઈલ કરી છે, જેમાં ઈન્દ્રાણી મુખર્જી, તેમનો ડ્રાઈવર શ્યામવર રાય, પૂર્વ પતિ સંજીવ ખન્ના તેમજ પીટર મુખર્જીને આરોપી બનાવવામાં આવ્યા છે.

શું છે શીના બોરા હત્યાકાંડ

 • શીના બોરા હત્યાકાંડનો ખુલાસો ત્યારે થયો, જ્યારે પોલીસે ઈન્દ્રાણી મુખર્જીના ડ્રાઈવર શ્યામવર રાયની બંદૂક સાથે ધરપકડ કરી. રાયે જણાવ્યું હતું કે શીનાની હત્યા વર્ષ 2012માં ઈન્દ્રાણી મુખર્જીએ કરી હતી, તેણે એક કારમાં ગળું દબાવીને તેની હત્યા કરી હતી.
 • ઈન્દ્રાણીની ધરપકડ બાદ તેમના પૂર્વ પતિ સંજીવ ખન્નાને પણ પુત્રીની હત્યામાં મદદ કરવા અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં પકડવામાં આવ્યો હતો.
 • પોતાના બીજા પતિ પીટર મુખર્જીને ઈન્દ્રાણીએ જણાવ્યું હતું કે શીના તેમની બહેન છે. શીના બોરા અને પીટર મુખર્જીના પુત્ર રાહુલ મુખર્જી વચ્ચે નિકટતા હતી.
 • શીના એકાએક વર્ષ 2012માં ગાયબ થઈ ગયા બાદ રાહુલે તેને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. જ્યારે મામલો સામે આવ્યો ત્યારે તપાસમાં ખબર પડી કે ઈન્દ્રાણીએ મુંબઈના બાંદ્રામાં શીનાની ગળું દબાવીને હત્યા કરી દીધી અને તેમનો મૃતદેહ રાયગઢ જિલ્લામાં દફનાવી દીધો.
 • તપાસ એજન્સીનો દાવો હતો કે શીના બોરાના અવશેષ પણ મળ્યા હતા. દાવાને ઈન્દ્રાણીએ ફગાવી દીધો હતો.
 • ઈન્દ્રાણી પછી CBIએ તેમના બીજા પતિ પીટર મુખર્જીની ધરપકડ કરવામાં આવી હતી, જેમને 2020માં જામીન મળી ગયા હતા. ટ્રાયલ દરમિયાન ઈન્દ્રાણી અને પીટરે 17 વર્ષ ચાલેલા પોતાના લગ્ન પછી 2019માં છૂટાછેડા લીધા હતા.
ઈન્દ્રાણીને તેમની દીકરીની હત્યાના આરોપમાં વર્ષ 2015માં પકડવામાં આવી હતી.
ઈન્દ્રાણીને તેમની દીકરીની હત્યાના આરોપમાં વર્ષ 2015માં પકડવામાં આવી હતી.

6 તારીખે ખૂલ્યું શીનાની હત્યાનું રહસ્ય

 • 24 એપ્રિલ 2012ના રોજ શીના બોરાની રાયગઢમાં હત્યા થઈ. શીનાનું ગળું દબાવી દેવાયું, એ બાદ પેટ્રોલ નાખીને સળગાવી દેવાઈ. લાશ એક સૂટકેસમાં નાખીને ખોપોલી રોડ પર ફેંકી દીધી હતી.
 • 23 મે, 2012ના રોજ પોલીસને એક સડી ગયેલી લાશના અવશેષ મળ્યા હતા.
 • 21 ઓગસ્ટ 2015ના રોજ શ્યામવર રાયને ગેરકાયદે હથિયારો સાથે પકડ્યો હતો.
 • 22 ઓગસ્ટ 2015ના દિવસે રાયે ખુલાસો કર્યો કે ઈન્દ્રાણીએ શીનાની હત્યા કરી.
 • 25 ઓગસ્ટ 2015ના રોજ ખાર પોલીસે ઈન્દ્રાણીની ધરપકડ કરી.
 • 26 ઓગસ્ટ 2015ના રોજ પોલીસે ઈન્દ્રાણીના પૂર્વ પતિ અને શીના બોરા મર્ડર કેસમાં સહ આરોપી સંજીવ ખન્નાની ધરપકડ કરી.
અન્ય સમાચારો પણ છે...