લોકડાઉન દરમિયાન ATM ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. એને પગલે હવે દેશની સૌથી મોટી બેન્ક- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP આધારિત ATM કેશ વિડ્રોઅલની સુવિધા 24x7 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ સુવિધા સમગ્ર દેશના SBI ATM પર 18 સપ્ટેમ્બરથી લાગુ થશે.
દિવસે પણ પૈસા વિડ્રો કરવા માટે OTPની જરૂર પડશે
હવે SBIના ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધુ રકમ વિડ્રો કરવા માટે દિવસે પણ OTPની જરૂર પડશે. અત્યારસુધી રાતના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી 10 હજાર કે એનાથી વધુ રકમ વિડ્રો કરવા પર જ OTPની જરૂર પડતી હતી. બેન્કે 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ કર્યો હતો. આ અંતર્ગત 10 હજાર રૂપિયા કે એનાથી વધુ રકમ વિડ્રો કરવા પર OTP બેઝ્ડ કેશ વિડ્રોઅલને રાતે 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી લાગુ કરવામાં આવશે.
પૈસા હવે કઈ રીતે વિડ્રો કરી શકાશે ?
હવે 18 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારથી જો તમે 10 હજાર કે એનાથી વધુ પૈસા વિડ્રો કરવા ATMમાં જાઓ છો તો તમને કાર્ડ અને અમાઉન્ટ એન્ટર કર્યા પછી બેન્ક તરફથી રજિસ્ટર્ડ મોબાઈલ પર એક OTP મોકલવામાં આવશે. આ OTPને ડેબિટ કાર્ડના પિન સાથે એન્ટર કરવાનો રહેશે, ત્યારે તમે ATMમાંથી પૈસા વિડ્રો કરી શકશો.
ATM ફ્રોડ રોકવામાં મળશે મદદ
SBIના એમડી (રિટેલ અને ડિજિટલ બેન્કિંગ) સીએસ સેટ્ટીએ કહ્યું હતું કે ટેક્નિકલ સુધારા અને સેફ્ટીના કિસ્સામાં SBI પહેલેથી આગળ રહી છે. મને આશા છે કે 24x7 OTP બેઝ્ડ કેશ વિડ્રોઅલની સુવિધાથી સુરક્ષા સ્તર વધુ મજબૂત બનશે. સમગ્ર દિવસ દરમિયાન આ સુવિધા લાગુ કરાવવાથી SBIના ડેબિટ કાર્ડહોલ્ડર દગાખોરોથી, કાર્ડ સ્કિમિંગ, કાર્ડ ક્લોનિંગ જેવાં જોખમોથી બચી શકશે.
સમગ્ર દેશમાં 22,000થી વધુ બ્રાન્ચ
દેશની સૌથી મોટી બેન્ક SBIની સમગ્ર દેશમાં 22 હજારથી વધુ બ્રાન્ચ છે. SBI 30થી વધુ દેશોમાં પણ છે. SBIના 6.6 કરોડથી વધુ ગ્રાહક મોબાઈલ બેન્કિંગ અને ATMની સુવિધાનો ઉપયોગ કરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.