• Gujarati News
  • National
  • SBI Recovered From The Poor With Jandhan Account; 164 Crore From 12 Crore Accounts In The Name Of Transaction Charge For 3 Years, Not Returned

IIT બોમ્બેનો રિપોર્ટ:જનધન ખાતાવાળા ગરીબો પાસેથી SBIએ વસૂલી કરી; 12 કરોડ ખાતામાંથી 3 વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન ચાર્જના નામે 164 કરોડ વસૂલ્યાં, પાછા ન આપ્યાં

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દેશના સામાન્ય માણસને બેંકિંગ સુવિધા સાથે જોડવાના ઉમદા આશયથી શરૂ કરાયેલી પ્રધાનમંત્રી જન ધન યોજનાના ખાતાધારકો પાસેથી એસબીઆઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)એ 2017 થી 2019 સુધીમાં એક મહિનામાં ચારથી વધુ ડિજિટલ વ્યવહારો માટે દર વખતે 17.70 રૂપિયા વસૂલ્યા હતા. આ દરમિયાન બેન્કે આશરે 164 કરોડ રૂપિયાની કમાણી કરી. આઈઆઈટી બોમ્બેના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. તેનો અહેવાલો સૂચવે છે કે ફી વસૂલતી વખતે બેંકે જન ધન ખાતા સાથે જોડાયેલી શરતનું ઉલ્લંઘન કર્યું છે. એટલું જ નહીં, તેણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ધારાધોરણોને પણ તોડ્યા, જેમાં ખાતા સાથે નવી સેવાઓ ઉમેરવા માટે વસૂલાતા ચાર્જને રિઝનેબલ એટલે કે ન્યાયસંત રાખવાની ભલામણ કરાઈ હતી.

અહેવાલ અનુસાર શરૂઆતમાં જનધન ખાતાધારકોને મહિનામાં 4થી વધુ ટ્રાન્ઝેક્શનની મંજૂરી નહોતી. નિયમોમાં ફેરફાર કરી એસબીઆઈએ બીજી બેન્કોથી વિપરિત 4થી વધુ ડિજિટલ લેવડ-દેવડ(યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડના માધ્યમથી)ની મંજૂરી આપી પણ દરેક ટ્રાન્ઝેક્શન પર 17.70 રૂપિયા વસૂલ્યા. એટલે કે કોઈ જનધન ખાતાધારક યુપીઆઈથી મહિનામાં ચાર ટ્રાન્ઝેક્શન બાદ 15 રૂપિયાની પણ ખરીદી કરે તો તેના ખાતામાંથી 17.70 રૂપિયા કપાઈ રહ્યા હતા. રિપોર્ટમાં અનુમાન છે કે બેન્કે આ રીતે એપ્રિલ 2017થી ડિસેમ્બર 2019 વચ્ચે આશરે 164 કરોડ રૂપિયાની વસૂલી કરી. આ રકમ હજુ પણ એસબીઆઈ પાસે જ છે.

રિપોર્ટમાં સ્ટેટ બેંકની આ દલીલને નકારી કાઢવામાં આવી હતી કે ચાર્જ વ્યાજબી હતો કારણ કે રિઝર્વ બેંકે બેંકના બોર્ડ ઓફ ગવર્નરને “વ્યાજબી’ ચાર્જ વસૂલવાની સત્તા આપી હતી. આરબીઆઈના 2013ના સિદ્ધાંતોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે એસબીઆઈને જન ધન ખાતાધારકો પાસેથી કોઈ પણ પ્રકારના અસાધારણ ચાર્જ વસૂલવાની મંજૂરી નથી. તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જો બેંક ચાર્જ વસૂલીને વધારાની સુવિધાઓ પૂરી પાડે તો તે ખાતાને સામાન્ય બચત ખાતા તરીકે ગણવામાં આવશે, જેમાં વધારાના ટ્રાન્ઝેક્શનની છુટ અપાય છે.

90 કરોડ રૂ. પરત કર્યા પરંતુ વ્યાજ હજુ પણ બાકી
સરકારે યુપીઆઇ પેમેન્ટ્સને ફ્રી કરી દીધું ત્યારે ખબર પડી કે 1 જાન્યુ. 2020થી 6 એપ્રિલ 2020 અને 1 જુલાઇ 2020થી 14 સપ્ટે. 2020 દરમિયાન પણ એસબીઆઇમાં 222 કરોડ યુપીઆઇ ટ્રાન્ઝેક્શન થયા. તેમાંથી 5.1 કરોડ ટ્રાન્ઝેક્શન પર ટ્રાન્ઝેક્શનદીઠ 17.70 રૂ. ચાર્જ લાગ્યો હતો. આ રીતે બેન્કે આ ગાળામાં 90 કરોડથી વધુ રૂપિયા કાપ્યા. બેન્કે આ નાણા ફેબ્રુ.-માર્ચ 2020માં પરત કર્યા પણ આટલી રકમ પર ખાતાધારકને મળનારા અંદાજે 2.1 કરોડ રૂ. વ્યાજનું નુકસાન થયું. બેન્ક 90 કરોડ રૂ.નું રોકાણ કરીને અંદાજે 2.6 કરોડ રૂ. કમાઇ. આ રકમ પર પણ જનધન ખાતાધારકોનો હક બને છે. એવું પણ સત્ય સામે આવી ચૂક્યું છે કે ઝીરો બેલેન્સ સુવિધા હોવા છતાં જનધન ખાતાંમાં માર્ચ, 2020ના અંત સુધી સરેરાશ બેલેન્સ 2,457 રૂ. વધુ રહ્યું.

નાણા મંત્રાલયને ફરિયાદ, CBDTએ આદેશ આપ્યો
આઇઆઇટી બોમ્બેના રિપોર્ટમાં દાવો છે કે એસબીઆઇએ ગરીબ લોકોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાની વડાપ્રધાનની યોજનાના લાભાર્થીઓ સાથે ભેદભાવ કર્યો. તેના આ વલણની ઓગસ્ટ 2020માં નાણા મંત્રાલયને ફરિયાદ કરાઇ હતી. ત્યાર બાદ સીબીડીટીએ 2020ની 30 ઓગસ્ટે બેન્કો માટે દિશાનિર્દેશ જારી કર્યો કે ખાતાધારકો પાસેથી 1 જાન્યુ. 2020થી લીધેલો ચાર્જ પરત કરી દેવામાં આવે અને ભવિષ્યમાં આવો કોઇ ચાર્જ ન વસૂલવો. એસબીઆઇએ 17 ફેબ્રુ. 2020થી નાણા પરત કરવાનું શરૂ કર્યું પણ હજુ ખાતાધારકોને 164 કરોડ રૂ. પરત કરવાના બાકી છે.