સંસદની નવી ઇમારતના ઉદઘાટન કાર્યક્રમમાં વિપક્ષના 19 પક્ષો ભાગ નહીં લે. બુધવારે એક સંયુક્ત નિવેદનમાં તેમણે એના બહિષ્કારની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું, 'જ્યારે લોકશાહીનો આત્મા સંસદમાંથી ચૂસી લેવામાં આવ્યો છે ત્યારે અમને નવી ઇમારતની કોઈ કિંમત દેખાતી નથી.' રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પહેલાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કાર્યક્રમનું ઉદઘાટન કરવાની માગ કરી છે. મોદી 28 મેના રોજ નવા સંસદભવનનું ઉદઘાટન કરશે.
દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રેકોર્ડ સમયમાં આ નવી ઈમારત બનાવવા માટે 60,000 શ્રમયોગીએ યોગદાન આપ્યું છે. આ પ્રસંગે પીએમ તમામ શ્રમયોગીઓનું સન્માન પણ કરશે.
19 પક્ષોનાં નામ આ પ્રમાણે છેઃ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કડગમ (DMK), રાષ્ટ્રીય જનતા દળ (RJD), જનતા દળ-યુનાઈટેડ (JDU), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) , સમાજવાદી પક્ષ, ઉદ્ધવ ઠાકરેનું શિવસેના જૂથ, ભારતીય સામ્યવાદી પક્ષ, ઝારખંડ મુક્તિ મોરચા, કેરલા કોંગ્રેસ (મણિ), વિદુથલાઈ ચિરુથાઈગલ કચ્છી, રાષ્ટ્રીય લોકદળ, માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ, નેશનલ કોન્ફરન્સ અને રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (MDMK) ઓપનિંગ ઇવેન્ટમાં ભાગ નહીં લે.
કોણે, શું કહ્યું, ક્રમશઃ વાંચો...
સંજય રાઉતે કહ્યું- પીએમ માટે બધું થઈ રહ્યું છે, આ પોલિટિકલ ઇવેન્ટ
સંજય રાઉતે બુધવારે કહ્યું- આપણી સંસદ ઐતિહાસિક છે. એ હજુ સો વર્ષ સુધી ચાલી શકે છે. આ બનાવવામાં આરએસએસ અને ભાજપનો કોઈ હાથ નથી. હવે નવી ઈમારતના ઉદઘાટનમાં શિલા મૂકવામાં આવશે અને એમાં લખાશે કે ઉદઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું છે. આ માટે આટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ચાલો... એ તો ઠીક છે, પરંતુ રાષ્ટ્રપતિ જે આ દેશના સર્વોપરિ છે, આદિવાસી મહિલા છે, પાર્લમેન્ટનાં કસ્ટોડિયન છે, તમે તેમને બોલાવતાં નથી. તેમના હાથે નવા સંસદભવનનું ઉદઘાટન કરવાનો પ્રોટોકોલ છે, પણ આ પ્રોટોકોલ પળાતો નથી, કારણ કે તમે વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન કરાવીને રાજકીય કાર્યક્રમ કરી રહ્યા છો. એટલા માટે તમામ વિરોધપક્ષોએ નિર્ણય લીધો છે કે અમે એમાં નહીં જઈએ.
TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયને કહ્યું- આ રાષ્ટ્રપતિનું અપમાન છે
ટીએમસીના સાંસદ ડેરેક ઓ'બ્રાયને પણ નવા સંસદભવનનું ઉદઘાટન ન કરવા બદલ રાષ્ટ્રપતિનો અનાદર ગણાવ્યો હતો. બ્રાયને કહ્યું, આ ભારતના દલિત આદિવાસી અને વંચિત સમાજનું અપમાન છે. તેમણે વધુમાં કહ્યું હતું, સંસદ એ માત્ર નવી ઇમારત નથી, એ વર્ષો જૂની પરંપરાઓ, મૂલ્યો, પૂર્વધારણાઓ, નિયમો અને ભારતીય લોકશાહીનો પાયો છે. પીએમ મોદી માટે બિલ્ડિંગનું ઉદઘાટન માત્ર તેમના માટે છે, અમારા માટે નહીં.
રાહુલે કહ્યું- રાષ્ટ્રપતિએ નવા સંસદભવનનું ઉદઘાટન કરવું જોઈએ, પીએમએ નહીં
21 મેના રોજ રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદની નવી ઇમારતનું ઉદઘાટન કરવું જોઈએ, વડાપ્રધાને નહીં. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, કોંગ્રેસે કહ્યું- 28 મેના રોજ હિન્દુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતી છે. આ દિવસે નવા સંસદભવનનું ઉદઘાટન કરવું એ રાષ્ટ્ર નિર્માતાઓનું અપમાન છે.
ખડગેએ કહ્યું- રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે, તેમણે ઉદઘાટન કરવું જોઈએ 22 મેના રોજ કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવા સંસદભવનના ઉદઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું- એવું લાગે છે કે મોદી સરકાર માત્ર ચૂંટણી લાભ માટે દલિત અને આદિવાસી સમુદાયમાંથી રાષ્ટ્રપતિની નિમણૂક કરે છે. તેઓ દેશનાં પ્રથમ નાગરિક છે.
AAP અને CPIએ શું કહ્યું?
AAP નેતા સંજય સિંહે કહ્યું, AAP પણ ઉદઘાટનનો બહિષ્કાર કરશે, કારણ કે પીએમએ રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું નથી. સીપીઆઈ નેતા ડી. રાજાએ પણ કહ્યું કે તેમની પાર્ટી ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે નહીં. CPI(M)એ પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
4 માળની ઇમારત, ભૂકંપથી પ્રભાવિત નથી
સંસદની જૂની ઇમારત 47 હજાર 500 ચોરસ મીટરમાં છે, જ્યારે નવી ઇમારત 64 હજાર 500 ચોરસ મીટરમાં બનાવવામાં આવી છે, એટલે કે નવી ઇમારત જૂની ઇમારત કરતાં 17 હજાર ચોરસ મીટર મોટી છે. નવું સંસદભવન 4 માળનું છે. એના 3 દરવાજા છે, એનાં નામ જ્ઞાનદ્વાર, શક્તિદ્વાર અને કર્મદ્વાર છે. સાંસદો અને VIP માટે અલગથી પ્રવેશ છે. એના પર ભૂકંપની અસર નહીં થાય. એની ડિઝાઇન HCP ડિઝાઇન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. એના આર્કિટેક્ટ બિમલ પટેલ છે.
નવી સંસદની વિશેષતા
શા માટે નવી ઇમારત બનાવવામાં આવી હતી
વર્તમાન સંસદભવન 96 વર્ષ પહેલાં 1927માં બનાવવામાં આવ્યું હતું. માર્ચ 2020માં સરકારે સંસદમાં જણાવ્યું હતું કે જૂની ઇમારતનો વધુપડતો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ બગડી રહી હતી. આ સાથે જૂના બિલ્ડિંગમાં સાંસદોને સમાવવા માટે પૂરતી જગ્યા નથી. જે લોકસભા સીટોના નવા સીમાંકન બાદ વધશે. આ કારણોસર નવી ઇમારત બનાવવામાં આવી રહી છે.
જાન્યુઆરી 2021માં બાંધકામ શરૂ થયું
નવી ત્રિકોણાકાર આકારના સંસદભવનનું નિર્માણ 15 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું હતું. આ બિલ્ડિંગ ગયા વર્ષે નવેમ્બરમાં પૂર્ણ થવાની હતી. PM નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદભવનનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે ભારત તેની આઝાદીનાં 75 વર્ષ ઊજવશે ત્યારે સંસદની નવી ઇમારતથી વધુ સુંદર બીજું કંઈ ન હોઈ શકે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.