UPમાં 6 વર્ષ બાદ શિવપાલ અને અખિલેશનું ગઠબંધન:બંને સાથે મળીને ચૂંટણી લડશે તો 60-70 વિધાનસભા બેઠકો પર અસર થઈ શકે છે

એક મહિનો પહેલા

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ ગુરુવારે તેમના કાકા શિવપાલ યાદવના ઘરે પહોંચ્યા હતા. બંનેએ સાથે 45 મિનિટ વાતચીત કરી. આ અચાનક થયેલ મુલાકાત પર બધાની નજર હતી. જ્યારે મીટિંગ સમાપ્ત થઈ, ત્યારે અખિલેશે તેમના કાકા સાથે ગઠબંધનની જાહેરાત કરી.

શિવપાલના ઘરેથી નીકળ્યા બાદ અખિલેશે સોશિયલ મીડિયા પર લખ્યું કે તેઓ પ્રસપાના રાષ્ટ્રીય અધ્યક્ષને મળ્યા અને ગઠબંધનની વાત નક્કી થઈ ગઈ. પ્રાદેશિક પક્ષોને સાથે લેવાની નીતિ સપાને સતત મજબૂત કરી રહી છે અને સપા અને અન્ય સહયોગીઓને ઐતિહાસિક જીત તરફ દોરી રહી છે.

કાકા-ભત્રીજા 6 વર્ષ બાદ ઘરમાં મળ્યા
2017ની ચૂંટણી પહેલા સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને શિવપાલ વચ્ચે વિવાદ થયા હતા. જે બાદ બંને વચ્ચે અંતર વધતું જ ગયું. લગભગ 6 વર્ષ બાદ ફરીથી શિવપાલ યાદવ અને અખિલેશ યાદવ વચ્ચે તેમના ઘરે મુલાકાત થઈ.

60થી 70 સીટો પર શિવપાલનો પ્રભાવ
શિવપાલ યાદવ પશ્ચિમ, અવધ અને બુંદેલખંડના લગભગ 10 જિલ્લાઓમાં 60 થી 70 બેઠકો પર પ્રભાવ ઘરાવે છે. તેની પાછળનું કારણ એ છે કે સહકારી મંડળીઓ હજી પણ તેમના કબજામાં છે. સાથે જ તેઓ પોતાની કોર વોટ બેંક યાદવને બચાવીને પણ દોડી રહ્યા છે.

2017માં સપાને 22% વોટ મળ્યા હતા, 2019માં શિવપાલને માત્ર 0.3% વોટ મળ્યા હતા
ચૂંટણીના આંકડાના દૃષ્ટિકોણથી શિવપાલ યાદવ મેદાનમાં ક્યાંય પણ ટકતા નથી. સપાથી અલગ થયા બાદ 2019ની લોકસભા ચૂંટણીમાં પોતાની પાર્ટી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના ચૂંટણી ચિન્હ પર ઉતરેલા શિવપાલ યાદવે યુપીની 47 લોકસભા સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેઓ પોતે ફિરોઝાબાદથી ચૂંટણી લડ્યા હતા.

આ લડાઈમાં રામ ગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવની હાર થઈ અને ભાજપના ઉમેદવારની જીત થઈ. શિવપાલ યાદવની પાર્ટીને લોકસભા ચૂંટણીમાં માત્ર 0.3% વોટ મળ્યા હતા. જોકે, મોટાભાગની જગ્યાએ શિવપાલે સપાને નુકસાન પહોંચાડ્યું. 2017માં જસવંતનગર વિધાનસભા સીટ પરથી જીતેલા શિવપાલ યાદવને 63%થી વધુ વોટ મળ્યા હતા. સપાએ 2017માં 311 સીટો પર ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેમને 22% વોટ મળ્યા.

સીટોની વહેંચણીને લઈને વાતચીત
અખિલેશ યાદવને મળ્યા બાદ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કિરણમય નંદા શિવપાલ યાદવના ઘરે પહોંચ્યા છે. એવું માનવામાં આવે છે કે તેઓ બંને પક્ષો વચ્ચે જોડાણ અને બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપશે.

અન્ય સમાચારો પણ છે...