હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી મસ્જિદ મામલા પર વારાણસીની કોર્ટના આદેશને ગેરકાયદે ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે મને આશા છે કે સુપ્રીમ કોર્ટ ન્યાય કરશે અને આ બાબતે સંપૂર્ણ પ્રતિબંધ લગાવશે. વારાણસીની કોર્ટે પરિસરની અંદર સર્વેક્ષણ સ્થળને સીલ કરવાનો આદેશ આપ્યો છે. આ 1991ના એક્ટનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું હતું કે કોર્ટનો ઓર્ડર મુસલમાનોના ઈસ્ટિટ્યૂશન પર હુમલા સમાન છે.
હિન્દુ પક્ષ સરવે દરમિયાન વજુના સ્થાનેથી શિવલિંગ મળવાનો દાવો કરી રહ્યો છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો અહીંથી શિવલિંગ મળ્યું છે તો એને સુરક્ષિત રાખવામાં આવે, જોકે નમાજને રોકવી યોગ્ય નથી.
SCનો વારાણસી કોર્ટની કાર્યવાહી રોકવાથી ઈનકાર
સુપ્રીમ કોર્ટે મંગળવારે જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં મુસ્લિમ પક્ષની અરજીને સાંભળતાં વારાણસી કોર્ટની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાથી ઈનકાર કર્યો છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની પીઠે એ વાતની સ્પષ્ટતા કરી છે કે મુસ્લિમ સમુદાયને મસ્જિદમાં નમાઝ અદા કરવાથી રોકવામાં ન આવે. કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર નોટિસ ઈસ્યુ કરીને હિન્દુ પક્ષ પાસે જવાબ માગ્યો છે. આગામી સુનાવણી 19 મેના રોજ હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટમાં પ્રથમ દિવસની સુનાવણીમાં શું થયું હતું
સુપ્રીમ કોર્ટમાં મામલાની સુનાવણી શરૂ થઈ. મુસ્લિમ પક્ષે દાવો કર્યો કે વજુ વગર નમાઝ શક્ય નથી. આ અંગે યુપી સરકારે જવાબ આપ્યો હતો કે વજુ કોઈપણ જગ્યાએ કરી શકાય છે. આ મામલે કોર્ટે નોટિસ ઈસ્યુ કરીને વધુ સુનાવણી 19 મેના રોજ નિયત કરી છે.
વારાણસી કોર્ટમાં સુનાવણી દરમિયાન શું થયું હતું
વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ સરવે મામલામાં વારાણસી સિવિલ કોર્ટે ચીફ એડવોકેટ કમિશનર અજય મિશ્રાને હટાવી દીધા છે. હવે વિશેષ કમિશનર વિશાલ સિંહ અને અજય પ્રતાપ સિંહને બે દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. આ દરમિયાન હિન્દુ પક્ષે શિવલિંગની ચારેતરફની દીવાલોને હટાવવા અને એ જગ્યાઓનો સરવે કરવાની માગ કરી છે, જ્યાં ટીમ પહોંચી નથી. ટોઇલેટ અને પાણીની પાઈપ વગેરે બાબતે હિન્દુ પક્ષે વાંધો વ્યક્ત કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.