છૂટાછેડાના વધતા કેસને લઈને કેરળ HCએ ચિંતા વ્યક્ત કરી:કહ્યું- યુઝ એન્ડ થ્રો કલ્ચરે બરબાદ કર્યું, લગ્નને ખરાબ ગણે છે નવી પેઢી

24 દિવસ પહેલા

કેરળ હાઈકોર્ટે દેશમાં વધતા તલાકને લઈને ચિંતા વ્યક્ત કરી છે. છૂટાછેડાની એક અરજી ફગાવતા કોર્ટે કહ્યું કે નવી પેઢી લગ્નને ખરાબ માને છે, આઝાદી માટે તેઓ તેનાથી દૂર ભાગે છે. આજ કારણ છે કે આજે લિવ ઈન રિલેશનશિપના મામલાઓ વધી રહ્યાં છે. આપણને યૂઝ એન્ડ થ્રો કલ્ચરે બરબાદ કરી દીધા છે. કોર્ટે કહ્યું કે આ સમાજ માટે ચિંતાનો વિષય છે.

જસ્ટિસ એ મુહમ્મદ મુસ્તાક અને સોફી થોમસની બેંચે 24 ઓગસ્ટે તલાકની અરજી પર સુનાવણી કરતા આ ટિપ્પણી કરી હતી. મામલો ગુરુવારે સામે આવ્યો.

નવી પેઢીને લગ્નના બદલે લિવ-ઈન-રિલેશનશિપ પસંદ
હાઈકોર્ટે કહ્યું- નવી પેઢી જવાબદારીમાંથી મુક્ત રહેવા માગે છે. તેઓ WIFE શબ્દને 'Worry Invited For Ever (હંમેશા માટે ચિંતા) ગણે છે. જ્યારે કે પહેલાં આ Wise Investment For Ever (હંમેશા માટે સમજદારીપૂર્વકનું રોકાણ) હતું. તેથી લગ્ન કરવાની બદલે લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનું વધુ પસંદ કરે છે. તેનાથી તેમને કોઈ જવાબદારી નથી ઉઠાવવી પડતી અને જ્યારે ઈચ્છે ત્યારે તેઓ સંબંધોમાંથી મુક્ત થઈ શકે છે.

છૂટાછેડા લેવાથી બાળકો પર ખરાબ અસર પડે છે
હાઈકોર્ટે કહ્યું કે કાયદા અને ધર્મમાં લગ્નને એક સંસ્થા માનવામાં આવે છે. તેથી લગ્ન પછી કાયદાકીય પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ આ સંબંધને એકતરફા નથી છોડી શકતા. સામાન્ય ઝઘડો, તકરારને કારણે સંબંધો તોડવામાં નથી આવતા. લગ્ન તૂટવાથી માત્ર બે લોકો જ નહીં પરંતુ અનેક જીવન બરબાદ થઈ જાય છે. છૂટાછેડા લેતાં લોકોના બાળકો પર ખરાબ અસર પડી શકે છે.

કોર્ટે કહ્યું- કેરળને ભગવાનના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ પારિવારિક બંધન માટે પ્રસિદ્ધ હતું, પરંતુ વર્તમાન ચલણ, સ્વાર્થી કારણોથી અને એક્સ્ટ્રામેરિટલ રિલેશનશિપના કારણે સંબંધો તૂટી રહ્યાં છે. આ સમાજ માટે સારા સંકેત નથી.

2009માં થયા હતા લગ્ન
કોર્ટમાં એક દંપતીએ છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. 2006માં તેમની મુલાકાત દિલ્હીમાં થઈ હતી. જે બાદ 2009માં બંનેએ લગ્ન કરી લીધા, તેમના ત્રણ બાળકો છે. પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે.

પતિને પત્નીના એક્સ્ટ્રામેરિટલ અફેયર હોવાની શંકા
પતિએ પોતાની અરજીમાં કહ્યું કે 2017 પછીથી પત્નીનું વર્તન બદલાવવા લાગ્યું. તેને પત્નીના અન્ય કોઈ સાથે સંબંધ હોવાની શંકા છે. પતિએ પહેલાં અલાપ્પુઝા ફેમિલી કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. જે બાદ પતિએ હાઈકોર્ટમાં અરજી કરી, પરંતુ હાઈકોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...