બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના રાજ્યસભા સભ્ય સુશીલ મોદીએ 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. સોમવારે રાજ્યસભામાં મોદીએ કહ્યું હતું કે મોટી સંખ્યાની નોટોમાં બ્લેકમની હોવાની શક્યતા વધારે છે. તેથી 2000ની નોટ પર પ્રતિબંધ મૂકવો જોઈએ
વિકસિત અર્થવ્યવસ્થાઓમાં 100થી ઉપરની કરન્સી નથી
રાજ્યસભામાં સાર્વજનિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન મોદીએ કહ્યું હતું કે 2 હજાર રૂપિયાની નોટનો ઉપયોગ બ્લેકમની, ટેરર ફંડિંગ, ડ્રગ્સની દાણચોરી અને સંગ્રહખોરી માટે કરવામાં આવી રહ્યો છે. જો કાળા નાણાને રોકવું હોય તો 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવો પડશે. હવે 2000 રૂપિયાની નોટના સર્કુલેશનની કોઈ આવશ્યકતા નથી.
મોદીએ કહ્યું કે, જો આપણે અમેરિકા, ચીન, જર્મની, જાપાન જેવી મોટી વિકસિત અર્થવ્યવસ્થાઓને જોઈએ તો તેમની પાસે 100થી ઉપર કોઈ કરન્સી નથી. તેથી કેન્દ્ર સરકારે આ અંગે વિચાર કરવો જોઈએ અને ધીમે-ધીમે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી કરીને લોકોને બદલવા માટે 2000 રૂપિયાની નોટ મળી શકે.
રિઝર્વ બેન્કે છાપવાનું બંધ કર્યું
રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. ધીમે-ધીમે 2000ની નોટો પણ બજારમાં આવવાનું બંધ થઈ ગયું છે. સુશીલ મોદીએ આ મુદ્દાને ઉઠાવીને સંકેત આપ્યો છે કે, આગામી સમયમાં કેન્દ્ર સરકાર 2000ના નોટ પર પ્રતિબંધ લગાવી શકે છે.
સુશીલ મોદીએ થોડા સમય પહેલા સંસદમાં સાંસદોના કેન્દ્રીય વિદ્યાલય ક્વોટાને નાબૂદ કરવાની માગ ઉઠાવી હતી અને પછી કેન્દ્ર સરકારે લોકસભામાં તમામ રાજ્યસભા સભ્યોના કેન્દ્રીય વિદ્યાલય ક્વોટાને નાબૂદ કરી દીધો હતો.
2016માં નોટબંધી કરાઈ હતી
8 નવેમ્બર 2016માં મોદી સરકારે નોટબંધી કરી હતી, જેમાં 500 અને 1000ના ચલણી નોટો પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેના પછી 500 અને 2000ની નોટ સર્કયુલેશનમાં આવી, પરંતુ ધીમે-ધીમે 2000 રૂપિયાની નોટ બજારમાં આવવાનું બંધ થઈ ગયું.
JDU કહ્યું - સુશીલ મોદીનું નિવેદન સરકાર વિરુદ્ધ
JDUના પ્રવક્તા અભિષેક કુમાર ઝાએ સુશીલ મોદીના નોટબંધીના નિવેદન પર કહ્યું કે સુશીલ મોદીનું આ નિવેદન તેમની જ સરકાર વિરુદ્ધ નિવેદન છે. પ્રથમવાર તેમની કેન્દ્ર સરકારે નોટબંધી કરી. 1000ની નોટ પર પ્રતિબંધ મૂક્યો અને 2000ની નોટ રજૂ કરી. હવે તેઓ પોતાની જ કેન્દ્ર સરકારને સવાલ કરી રહ્યા છે કે આનાથી કાળા નાણા બ્લેકમની અને સંગ્રહખોરીને પ્રોત્સાહન મળશે. જે રીતે સુશીલ મોદી રાજ્યસભામાં બોલી રહ્યા હતા, એવી જ રીતે પાર્ટીમાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અસિતનાથ તિવારીએ કહ્યું કે આ એક અદ્ભુત વાત છે. સુશીલ મોદીના આ નિવેદનને આવકારવું જોઈએ. પરંતુ અગાઉ પણ જનતા નોટબંધીનો વિરોધ કરી રહી હતી. તિવારીએ કહ્યું કે જ્યારે સિનિયર મોદી 2000ની નોટ લાવ્યા ત્યારે જુનિયર મોદીએ કહ્યું હતું કે તેમણે આતંકવાદની કમર તોડી નાખી છે. હવે તેનો વિરોધ કરે છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે પાર્ટીમાં રહીને પાર્ટીના નિર્ણયોનો વિરોધ થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.