દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ બાબતે વિપક્ષના 9 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ નેતાઓમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે મનીષ સિસોદિયાની ધરપકડ દર્શાવે છે કે ભારત એક લોકતાંત્રિક દેશમાંથી સરમુખત્યારશાહી શાસનમાં ફેરવાઈ ગયો છે.
ખરેખરમાં, શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સિસોદિયાને હાજર કરવામાં આવ્યા હતા. અહીં તેમની જામીન અરજી બાબતે સુનાવણી થવાની હતી, પરંતુ કોર્ટે 10 માર્ચ સુધી જામીન પર ચુકાદો સુરક્ષિત રાખ્યો અને CBIને તેમના વધુ 2 દિવસના રિમાન્ડ આપ્યા હતા.
આ 9 નેતાઓએ પત્ર લખ્યો
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, BRS ચીફ ચન્દ્રશેખ રાવ, પંજાબના સીએમ ભગવંત માન, રાજદ નેતા તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફ્રરન્સના નેતા ફારુક અબ્દુલ્લા, રાકાંપા ચીફ શરદ યાદવ, શિવસેના ઠાકરે ગ્રુપના ચીફ ઉદ્દવ ઠાકરે, સપા ચીફ અખિલેશ યાદને પીએમને પત્ર લખ્યો છે.
વાંચો વડાપ્રધાનને લખેલો સંપૂર્ણ પત્ર...
આદરણીય વડાપ્રધાનજી, અમને ભરોસો છે કે તમે હજી પણ અનુભવો છો કે ભારત એક લોકશાહી દેશ છે. વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય એજન્સીઓનો મનસ્વી ઉપયોગ તે દર્શાવે છે કે આપણે લોકશાહીમાંથી સરમુખત્યારશાહીમાં ફેરવાઈ ગયા છીએ. લાંબી તપાસ બાદ મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.ગેરરીતિના કથિત આરોપમાં આ ધરપકડ કરવામાં આવી હતી અને તે પણ કોઈ પુરાવા દર્શાવ્યા વિના.
સિસોદિયાજી પર લાગેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. આ રાજકીય ષડયંત્ર હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી છે. આ ધરપકડથી રાષ્ટ્રની જનતામાં રોષ ફેલાઈ ગયો છે. મનીષ સિસોદિયા દિલ્હીના શાળા શિક્ષણમાં બદલાવ માટે વિશ્વભરમાં જાણીતી છે. બદલાની ભાવના સાથે તેમની ધરપકડને દુનિયાભરમાં રાજકીય કાર્યવાહીને ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે. આ વાત એ બાબતની પણ પુષ્ટિ કરી રહી છે કે આખું વિશ્વ જે અંગે આશંકિત છે કે ભાજપના સરમુખત્યારશાહી શાસન દરમિયાન ભારતના
લોકશાહી મૂલ્યો જોખમમાં છે.
તમારા શાસનમાં 2014થી અત્યાર સુધી ધરપકડ કરાયેલ, દરોડા અથવા પૂછપરછ કરાયેલ મોટાભાગના રાજકારણીઓ વિપક્ષના નેતાઓ છે. રસપ્રદ વાત એ છે કે તે નેતાઓ સામે કેન્દ્રીય એજન્સીઓની તપાસ ધીમી પડી જાય છે જેઓ બાદમાં ભાજપમાં જોડાઈ જાય છે. ઉદાહરણ તરીકે, કોંગ્રેસના પૂર્વ નેતા અને આસામના વર્તમાન સીએમ હેમંત બિસ્વા સરમા. CBI અને EDએ 2014-2015માં શારદા ચિટ ફંડ કૌભાંડમાં તેમની સામે તપાસ શરૂ કરી હતી. જોકે, તેઓ ભાજપમાં જોડાયા ત્યારથી કેસ આગળ વધ્યો નથી.
એ જ રીતે, તૃણમૂલ નેતા શુભેન્દુ અધિકારી અને મુકુલ રોય નારદા સ્ટિંગ ઓપરેશન કેસમાં ED અને CBIના રડાર પર હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા આ લોકો ભાજપમાં જોડાયા અને ત્યારથી આ કેસમાં કોઈ ખાસ તપાસ કરવામાં આવી નથી. મહારાષ્ટ્રના નારાયણ રાણેનો કેસ જુઓ. આવા અનેક ઉદાહરણો છે.
2014થી વિપક્ષી પાર્ટીઓના નેતાઓ પર દરોડા, તેમની સામેના કેસ અને તેમની ધરપકડમાં વધારો થયો છે. રાષ્ટ્રીય જનતા દળના લાલુ પ્રસાદ યાદવ હોય, શિવસેનાના સંજય રાઉત હોય, સમાજવાદી પાર્ટીના આઝમ ખાન હોય, એનસીપીના નવાબ મલિક અને અનિલ દેશમુખ હોય કે પછી તૃણમૂલના કોંગ્રેસના અભિષેક બેનર્જી હોય, આ બધા નેતાઓ સામે તપાસ એજન્સીઓ દ્વારા જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તે સંદેશ આપે છે કે તેઓ કેન્દ્ર સરકારના કહેવાથી આ કાર્યવાહી કરી રહી છે.
વિપક્ષના દિગ્ગજ નેતાઓને જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તે એ આરોપને સમર્થન આપે છે કે તમારી સરકાર તપાસ એજન્સીઓની મદદ લઈને વિપક્ષને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. ED એકમાત્ર એવી નથી જેમાં તમારી સરકાર પર એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ છે.
તે સ્પષ્ટ છે કે આ એજન્સીઓની પ્રાથમિકતાઓ ખોટી છે. ઇન્ટરનેશનલ ફોરેન્સિક ફાઇનાન્સિયલ રિસર્ચ રિપોર્ટ પછી, SBI અને LIC એક કંપનીને કારણે તેમના શેરને માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 78 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે. શા માટે આ એજન્સીઓને આ કંપનીની આર્થિક બાબતોની તપાસ કરવા માટે લગાવવામાં આવી નથી, જ્યારે જનતાના નાણાનું આ કંપનીઓમાં રોકાણ છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.