અમદાવાદ-મુંબઈ હાઈવે ડેન્જર:જ્યાં સાયરસ મિસ્ત્રીનું મોત થયું હતું તે રોડ જોખમી- ગડકરીએ કબૂલ્યું; આ હાઈવે પરથી પસાર થાય છે રોજ 1.25 લાખ વાહનો

નવી દિલ્હીએક મહિનો પહેલા

અમદાવાદ-મુંબઈ હાઈવે કે જેના પર ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની કારને અકસ્માત થયો હતો તેને સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ જોખમી માને છે. સાયરસની કાર ઓવરટેક કરતી વખતે સૂર્યા નદીના પુલ પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ગડકરીએ સોમવારે કહ્યું કે અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રાફિકનું પ્રમાણ 1 લાખ 25 હજાર પેસેન્જર કાર યુનિટ (PCU) છે, તેથી અહીં ડ્રાઇવિંગ દરમિયાન અકસ્માતની શક્યતા ઘણી વધારે છે.

IAA વર્લ્ડ સમિટમાં ગડકરીએ કહ્યું કે 20 હજાર કે તેથી વધુ PCUના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે છ લેન રોડ જરૂરી છે. ગડકરીએ માર્ગ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના મૃત્યુ પર દુ;ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કાર ચલાવતી વખતે કારમાં સીટબેલ્ટ ન બાંધવો તે ખોટું જણાવ્યું છે. સાથે જ એ પણ કહ્યું કે કારમાં પાછળ બેઠેલા લોકો માટે સીટબેલ્ટ બાંધવો એટલો જ જરૂરી છે, જેટલું આગળની સીટ પર જે બેસે છે તેમના માટે. કાર અકસ્માતમાં મોતને ભેટેલા મિસ્ત્રીએ સીટબેલ્ટ બાંધ્યો ન હતો.

ગડકરીએ કહ્યું- 4 સીએમની કારમાં સીટબેલ્ટની જગ્યાએ ક્લિપ્સ હતી
ગડકરીએ સમિટ દરમિયાન કારમાં સીટબેલ્ટ વિશે ચાર મુખ્યમંત્રીઓની ઘટના સંભળાવી. તેમણે કહ્યું- થોડા સમય પહેલાં હું ચાર મુખ્યમંત્રીઓની કારમાં બેઠો હતો. આ તમામનાં વાહનોની આગળની સીટ પર સીટબેલ્ટના સોકેટ પર ક્લિપ લાગેલી હતી. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું જેથી ચેતવણી એલાર્મ વાગે નહીં. મેં ડ્રાઈવરને ઠપકો આપ્યો અને ક્લિપ કઢાવી નાખી હતી.

ગડકરીએ કહ્યું- યુવાનીમાં નિયમોનું પાલન કરતો નહોતો
ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાની યુવાનીનો કિસ્સો સંભળાવ્યો. ગડકરીએ કહ્યું કે યુવાનીમાં તેઓ પોતે નિયમોનું પાલન કરતા નહોતા. ત્યારે તેઓને ખ્યાલ ન હતો આ કેટલું જોખમી છે. ગડકરીએ કહ્યું- ચૂંટણી સમયે ચાર લોકો સ્કૂટર પર બેસીને ફરતા હતા અને નંબર પ્લેટ હાથ વડે છુપાવી દેતા હતા જેથી મેમો મળી શકે નહીં. આ તે સમયની વાતો હતી, પરંતુ હવે લોકોએ તેમની માનસિકતા બદલવી પડશે, નિયમોનું પાલન કરવું પડશે.

વર્ષ 2020માં સીટબેલ્ટ ન લગાવવાને કારણે 15,146 લોકોએ જીવ ગુમાવ્યા
સરકારે કાર કંપનીઓ માટે 1 જુલાઈ, 2019 થી સીટબેલ્ટ રિમાઇન્ડર્સ (એલાર્મ) ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે, પરંતુ આ ફક્ત આગળની બેઠકો માટે છે, જ્યારે તે પાછળની સીટના સીટબેલ્ટ માટે પણ હોવું જોઈએ. દેશમાં વર્ષ 2020માં માર્ગ અકસ્માતો સીટબેલ્ટ ન લગાવવાને કારણે 15,146 લોકોએ જીવ ગુમાવ્યા. એટલે કે રોજનાં 41 મોત. એક વર્ષમાં માર્ગ અકસ્માતોમાં 1.5 લાખથી વધુ મૃત્યુ થાય છે.

2024 સુધી માર્ગ અકસ્માતમાં 50%નો ઘટાડો કરવાનું લક્ષ્યાંક
ઈન્ટરવ્યૂ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 2024 સુધીમાં સરકાર માર્ગ અકસ્માતમાં 50 ટકા સુધી ઘટાડો કરવા માંગે છે. આ માટે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માપદંડોનું પાલન કરવામાં આવશે. ભારતમાં છ એરબેગને બદલે ચાર એરબેગ રાખવા પર ગડકરીએ કાર કંપનીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે કાર કંપનીઓ અન્ય દેશોમાં વાહનોની નિકાસ કરે છે ત્યારે તેઓ છ એરબેગ લગાવે છે, ભારતમાં ચાર લગાવીને વેચે છે. શું ભારતીય લોકોના જીવનની કિંમત નથી?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે છ એરબેગ લગાવવાથી કારની કિંમત 50-60 હજાર રૂપિયાથી વધુ થઈ શકે છે. આ અંગે ગડકરી કહ્યું તે ખોટું છે. જો મોટી સંખ્યામાં ઉત્પાદન હોય, તો એક એરબેગની કિંમત માત્ર 900 રૂપિયાની આસપાસ હશે. ગડકરીએ જણાવ્યું હતું કે ભારતમાં પણ છ એરબેગ વાહનો બજારમાં ઉતારવાનું કામ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...