કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ચીનનાં વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ચીનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જુઓ, રેલવે હોય, એરપોર્ટ હોય, બધું પ્રકૃતિ સાથે જોડાયેલું છે. ચીન પ્રકૃતિ સાથે મજબૂત રીતે જોડાયેલું છે. બીજી તરફ, અમેરિકાની વાત કરીએ તો તે પોતાની જાતને કુદરત કરતાં પણ મોટો માને છે, આથી કહી શકાય કે ચીનને શાંતિ પસંદ છે. ત્યાં સરકાર કોર્પોરેશનની જેમ કામ કરે છે, સાથે જ તેમણે કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલાની વાત પણ કરી. તેમણે કહ્યું હતું કે કાશ્મીર ઈમર્જન્સી પ્રોન સ્ટેટ છે અને એક હિંસક જગ્યા પણ છે. રાહુલે એમ પણ કહ્યું કે 9/11ના હુમલા પછી અમેરિકા બહારના લોકોની ભરતીમાં ઘટાડો કરી રહ્યું હતું, તો ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ સદ્ભાવ વધારવાનું કામ કર્યું. ભાજપે રાહુલના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું- રાહુલ વિદેશની ધરતી પર ભારતને બદનામ કરી રહ્યા છે.
કાશ્મીરને હિંસક સ્થળ કહ્યું
રાહુલે ભારતમાં વિરોધપક્ષો, નેતાઓ અને લોકતાંત્રિક સંસ્થાઓની સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો. રાહુલે કહ્યું, "મારા ફોનની જાસૂસી કરવામાં આવે છે. વિપક્ષો સામે કેસ દાખલ કરવામાં આવે છે. ભારતમાં વિપક્ષના નેતા તરીકે આ એક દબાણ છે, જેનો સતત સામનો કરવો પડે છે."
તેમણે કહ્યું હતું કે જ્યારે હું ભારત જોડો યાત્રા લઈને કાશ્મીર ગયો તો સુરક્ષાકર્મીઓએ કહ્યું- તમે કાશ્મીરમાં પદયાત્રા નહીં કરી શકો. તમારા પર હેન્ડગ્રેનેડથી હુમલો થઈ શકે છે. આમ છતાં મેં કાશ્મીરના જુદા જુદા જિલ્લાઓમાં મારી યાત્રા ચાલુ રાખી. જમ્મુ-કાશ્મીર હિંસક સ્થળ કહેવાય છે. મેં કાશ્મીરના પુલવામામાં એ સ્થળની પણ મુલાકાત લીધી, જ્યાં સેનાના 40 જવાનો શહીદ થયા હતા.
રાહુલના કેમ્બ્રિજમાં ચાર મોટાં નિવેદન
1. મારી વાત રેકોર્ડ કરવામાં આવે છે
મોટા પાયે રાજકીય નેતાઓના ફોનમાં પેગાસસ છે. મારા ફોનમાં પેગાસસ પણ હતું. મને ઇન્ટેલિજન્સ અધિકારીઓએ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તમે ફોન પર જે પણ કહો છો એના વિશે ખૂબ સાવધાન રહો, કારણ કે અમે એને રેકોર્ડ કરી રહ્યા છીએ. આ એક એવું દબાણ છે, જે અમે અનુભવીએ છીએ.
2. ભારતમાં મીડિયા અને લોકશાહી માળખા પર હુમલો
વિપક્ષ સામે કેસ દાખલ કરવામાં આવે છે. મારી સામે ઘણા ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ આ કેસ એવી બાબતો માટે દાખલ કરવામાં આવ્યા હતા જે ગુનાહિત ન હતી. દેશમાં મીડિયા અને લોકશાહી માળખા પર આવો હુમલો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષ તરીકે તમારા માટે લોકો સાથે વાત કરવી મુશ્કેલ બની જાય છે.
3. વિપક્ષના નેતા મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા, તેમને જેલમાં ધકેલી દીધા
લોકશાહી માટે જરૂરી માળખું- સંસદ, સ્વતંત્ર પ્રેસ, ન્યાયતંત્ર બધું જ મર્યાદિત બની રહ્યું છે, તેથી જ આપણે ભારતીય લોકશાહીના મૂળભૂત માળખા પર હુમલાનો સામનો કરી રહ્યા છીએ. ભારતીય બંધારણમાં ભારતને રાજ્યોના સંઘ તરીકે વર્ણવવામાં આવ્યું છે. તે સંઘને વાતચીતની જરૂર છે. તમે સંસદ ભવન સામેની તસવીર જોઈ શકો છો. વિપક્ષના નેતા કેટલાક મુદ્દાઓ પર વાત કરતા હતા અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આવું 3-4 વાર બન્યું છે, જે હિંસક હતું."
4. આતંકવાદી મને મળ્યા હતા, પરંતુ તેમણે મને કંઈ ન કર્યું
રાહુલે કહ્યું, "ભારત જોડો યાત્રા દરમિયાન એક અજાણી વ્યક્તિ મારી પાસે આવી. તેમણે કહ્યું, મારે તમારી સાથે વાત કરવી છે. તેમણે મને પૂછ્યું કે શું હું ખરેખર લોકોની સમસ્યા સાંભળવા આવ્યો છું. તેણે પોતાની આસપાસ ઊભેલા કેટલાક લોકો તરફ ઈશારો કર્યો અને કહ્યું કે આ બધા આતંકવાદી છે. મને લાગ્યું કે હું મુશ્કેલીમાં છું, કારણ કે આતંકવાદી મને મારી નાખશે, પરંતુ તેમણે કંઈ કર્યું નહીં કારણ કે આ સાંભળવાની તાકાત છે."
મે 2022માં પણ તેમણે કેમ્બ્રિજમાં ભાષણ આપ્યું હતું, મોદી અંગે નિવેદન આપવાથી તેમની આલોચના થઈ હતી રાહુલ ગાંધી આ પહેલાં મે 2022માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગયા હતા. અહીં તેમણે 'આઇડિયાઝ ફોર ઇન્ડિયા' વિષય પર ચર્ચા કરવાની હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મોદી સરકાર દેશની સંવૈધાનિક સંસ્થાઓ, જેમ કે સંસદ અને ચૂંટણી આયોગને તેમનું કામ કરવા દેતી નથી. ભાજપે તેમના આ નિવેદનની આલોચના કરી હતી. સવાલ પૂછ્યો હતો કે દેશના વડાપ્રધાન અંગે વિદેશમાં આવું નિવેદન શા માટે આપ્યું?
લર્નિંગ ટુ લિસન એટલે સાંભળવાની કળા અંગે રાહુલ ગાંધીએ કહ્યું...
રાહુલના 7 દિવસના બ્રિટનના પ્રવાસની શરૂઆત મંગળવારે થઈ. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું હતું કે અમે એક એવી દુનિયાને બનતા જોઈ શકતા નથી, જે લોકતાંત્રિક મૂલ્યો સાથે જોડાયેલી ન હોય, એટલે આ અંગે આપણને એક નવા વિચારની જરૂર છે, સાંભળવાની કળા ખૂબ જ પાવરફુલ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.