કોંગ્રેસનેતા દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જમ્મુમાં કહ્યું હતું કે સરકારે હજી સુધી સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા આપ્યા નથી. કેન્દ્ર સર્જિકલ સ્ટ્રાઈક વિશે વાતો તો મોટી મોટી કરે છે કે અમે આટલાને માર્યા... પણ પુરાવા કોઈ નથી. 2019માં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી.
ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્વિજયનું નિવેદન, જાણો 3 પોઇન્ટમાં શું કહ્યું
1. કેન્દ્ર સરકાર માત્ર જુઠ્ઠાણાં ફેલાવે છે
જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્વિજય સિંહ બોલ્યા, કેન્દ્રએ અત્યાર સુધી સંસદમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019માં થયેલા પુલવામા હુમલાનો રિપોર્ટ આપ્યો નથી. ભાજપની સરકાર માત્ર જુઠ્ઠાણાં ફેલાવે છે. આપણા 40 જવાન પુલવામામાં શહીદ થઈ ગયા. CRPFના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે આ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે પણ વડાપ્રધાન આ વાતથી સહમત ન થયા. સાવ આવું કેવી રીતે થઈ શકે?
2. 370 હટવાથી ફાયદો શું થયો? આતંકવાદ રાજૌરી સુધી ફેલાયો
કોંગ્રેસનેતાએ કહ્યું હતું કે કલમ 370 નાબૂદ થવાથી કોને ફાયદો થયો? સરકાર એવું કહેતી હતી કે આનાથી આતંકવાદ ખતમ થઈ જશે, હિંદુઓનું વર્ચસ્વ રહેશે, પરંતુ જ્યારથી કલમ 370 હટાવી દેવામાં આવી છે, આતંકવાદ વધ્યો છે. રોજેરોજ કંઈક યા બીજી ઘટના બની રહી છે. પહેલાં આ આતંકવાદ ખીણ પૂરતો સીમિત હતો, પરંતુ હવે એ રાજૌરી, ડોડા સુધી પહોંચી ગયો છે.
3. કેન્દ્ર સરકાર સમસ્યા યથાવત્ રાખવા માગે છે
તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર અહીંની સમસ્યાનો ઉકેલ લાવવા માગતી નથી. સરકાર અહીંનો નિર્ણય કરવા માગતી નથી. તે આ સમસ્યાને કાયમ રાખવા માગે છે, જેથી કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહે અને હિંદુ-મુસ્લિમ વચ્ચે નફરત ફેલાતી રહે. શું તમે ક્યારેય કોઈ વડાપ્રધાનને કોઈ ફિલ્મનો પ્રચાર કરતા જોયા છે?
રાહુલે કહ્યું- ભારતમાં બેરોજગારી વધી રહી છે
આ પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સત્ય એ છે કે માત્ર નાના વેપારીઓ અને નાના- મધ્યમ ઉદ્યોગો જ દેશને રોજગાર આપી શકે છે, દેશના 2-3 મોટા ઉદ્યોગપતિ નહીં, તેથી ભારતમાં બેરોજગારી વધી રહી છે. ભારતની તમામ સંપત્તિ 2-3 ઉદ્યોગપતિઓના ખિસ્સામાં જઈ રહી છે.
તેમણે આગળ કહ્યું હતું કે જ્યારે કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિ મંડળ લેફ્ટનન્ટ ગવર્નરને મળવા ગયું ત્યારે એલજીએ તેમને કહ્યું હતું કે 'તમારે ભીખ ન માગવી જોઈએ'. હું લેફ્ટનન્ટ ગવર્નરને કહેવા માગું છું કે તેઓ ભીખ નથી માગતા, તેઓ તેમના અધિકારો માગી રહ્યા છે. તમારે કાશ્મીરી પંડિતોની માફી માગવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.