PM નરેન્દ્ર મોદી કાર્યાલય (PMO)ના ટ્વિટર એકાઉન્ટથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો વિશે દેશના તમામ વિપક્ષી નેતાથી લઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ઘણા સવાલ ઊભા કરી રહ્યા છે. જ્યારે BJP નેતાઓ આ વીડિયોની ફેવર કરતા દેખાય છે. ટ્વિટર પર હવે આ મુદ્દે રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. PMO તરફથી ટ્વીટ કરવામાં આવેલા આ વીડિયોમાં જોવા મળે છે કે વડાપ્રધાન મોદીની જર્મનીની મુલાકાત દરમિયાન બર્લિનમાં તેમના સ્વાગત દરમિયાન ભગવો ઝંડો લહેરાવવામાં આવ્યો છે. હવે એ મુદ્દે વિવાદ શરૂ થયો છે કે તિરંગો ક્યાં છે?
હકીકતમાં વડાપ્રધાન મોદી સોમવારે સવારે જર્મની પહોંચ્યા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સમુદાયના લોકોએ પણ ખૂબ ઉત્સાહથી વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અમુક લોકો ભગવો ઝંડો લઈને ગાતા-નાચતા જોવા મળ્યા હતા. પીએમઓ તરફથી પણ આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયો કેપ્શનમાં લખ્યું હતું કે 'Brandenburg Gate પર ભારતની એક ફ્લેવર, જુઓ'
વિપક્ષી નેતાઓએ કર્યું રિએક્ટ
આ વીડિયો પર હવે તમામ વિપક્ષી નેતાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ રિએક્ટ કરી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે PMOના ટ્વીટને રિટ્વિટ કરતાં પૂછ્યું છે કે આ ઝંડો કોનો છે? જ્યારે નાગાલેન્ડ કોંગ્રેસના મહાસચિવ GK Zhimomiએ કહ્યું છે કે તિરંગો ક્યાં છે?
કેરળ કોંગ્રસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી છે. કેરળ કોંગ્રેસે લખ્યું છે કે શ્રીમાન ભારતના વડાપ્રધાન, તમે વિદેશમાં દેશનું પ્રતિનિધિત્વ કરો છે. તમારે આવા નોનસેન્સ પ્રચાર માટે દેશની માફી માગવી જોઈએ.
યુપી કોંગ્રેસના નેતા સદફ જાફરે કહ્યું છે કે તિરંગો જ સાચા ભારતનું ગૌરવ અને ફ્લેવર છે. આ મુદ્દે પ્રખ્યાત ઈતિહાસકાર ઈરફાન હબીબે કહ્યું છે કે શું આ ભારતીય તિરંગો છે?
કોંગ્રેસનાં વધુ એક રાષ્ટ્રીય પ્રવક્તા રાગિણી નાયકે લખ્યું છે કે આ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તો નથી, મોદીજી. કોંગ્રેસનેતા ઈમરાન પ્રતાપગઢીએ લખ્યું છે કે ભારત દેશનો તિરંગો ઝંડો ક્યાં છે?
જોકે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કલ્ચરે PMOને રિટ્વિટ કરતાં લખ્યું છે કે ઈન્ડિયન ફ્લેવર્સ દુનિયાના દરેક ખૂણે જોવા મળે છે. બીજેપી નેતા અને સાંસદ પરવેશ સાહિબ સિંહે લખ્યું છે કે જર્મનીમાં ભારતીય સમુદાયમાં વડાપ્રધાન મોદીની યાત્રાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઢોલ-નગારાં અને ભારતીય ગીતોની અદ્ભુત રજૂઆત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.