તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sachin Vaz Reached The High Court To Protest The Arrest; Shiv Sena's Target On The Center, Said Paid The Previous Account

એન્ટિલિયા કેસ:NIAની કસ્ટડીમાં સચિન વઝેની તબિયત બગડી; છાતીમાં દુખાવાની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ

મુંબઈ5 મહિનો પહેલા
  • પોલીસ અધિકારી સચિન વઝે સસ્પેન્ડ, ક્રાઈમ સીન રિક્રિએટ કરવા NIA સચિન વઝેને PPE કિટમાં મુકેશ અંબાણીના ઘરની સામે લઈ જશે
  • સચિન વઝે ધરપકડના વિરોધમાં હાઇકોર્ટ પહોંચ્યા
  • સામનામાં શિવસેનાએ લખ્યું- કેન્દ્રએ પાછલો હિસાબ ચૂકતે કર્યો

મુંબઈ પોલીસ અધિકારી સચિન વઝેની તબિયત બગડ્યા પછી તેને જેજે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સચિન વઝેએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. બે ડોક્ટરની ટીમ તપાસ કરશે.

પોલીસ અધિકારી સચિન વઝે સસ્પેન્ડ, ક્રાઈમ સીન રિક્રિએટ કરવા NIA સચિન વઝેને PPE કિટમાં મુકેશ અંબાણીના ઘરની સામે લઈ જશે
મુંબઈ પોલીસના અધિકારી સચિન વઝેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શનિવારે રાત્રે NIAએ વઝેની ધરપકડ કરી હતી. હવે NIA સચિન વઝેને PPE કિટ પહેરાવીને ક્રાઇમ સીન રીક્રિએટ કરશે. 25 ફેબ્રુઆરીએ PPE કિટ પહેરેલ એક વ્યક્તિનો CCTV વીડિયો સામે આવ્યો હતો. તેમાં એક વ્યક્તિ સ્કોર્પિયો પાસેથી પસાર થતો જોવા મળી રહ્યો છે. NIAને શંકા છે કે, આ એ જ વ્યક્તિ છે જેણે સ્કોર્પિયોને અંબાણી ઘરની બહાર ઉભી રાખી હતી.

આ દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને NCP ચીફ શરદ પવારની પણ થોડી વાર પહેલા બેઠક મળી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી આ બેઠક દરમિયાન ઘટનાક્રમની સમીક્ષા કરવામાં આવી. માનવામાં આવી રહ્યું છે કે ત્યાર બાદથી જ વઝેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

સચિન વઝેની અન્ય ટીમના સભ્યોની પૂછપરછ શરૂ
મુંબઈ પોલીસના મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝેએ પોતાની ધરપકડ વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં તેમણે તેની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે. સાથે જ કહ્યું છે કે NIAએ ફ્ક્ત શંકાના આધાર પર જ તેમની ધરપકડ કરી છે. તેમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. હાઈકોર્ટે આ અરજી સ્વીકારી છે, પરંતુ આ કેસની સુનાવણી ક્યારે કરવી તે હજુ સ્પષ્ટ નથી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહારથી મળી આવેલા જિલેટીન સ્ટીકોથી ભરેલી સ્કોર્પિયો કેસમાં વઝેની ધરપકડ કરવામાં આવી છે.

કેટલાક અન્ય લોકોની પણ ધરપકડની શક્યતા
NIA સૂત્રો મુજબ ઇનોવા અને સ્કોર્પિયોના ડ્રાઈવરની ઓળખ થઈ ગઈ છે. બંનેની પૂછપરછ ચાલુ છે અને જલ્દી જ તેમની ધરપકડ પણ સામે આવી શકે છે. તપાસમાં સામે આવ્યું છે કે બંને સચિન વઝેના નજીકના હતા.

સચિનની સોસાયટીના CCTV ફૂટેજ જપ્ત
NIAની ટીમ સચિન વઝેના થાણે સ્થિત ઘરે પણ પૂછપરછ માટે પહોંચી હતી અને ત્યાથી 2 માર્ચથી લઈને અત્યાર સુધીના CCTV ફૂટેજ જપ્ત કર્યા હતા. સોસાયટીના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સચિન વઝેનો પરિવાર હાલમાં ઘરે નથી.

કરોડોની સંપત્તિની જાણ થઈ
સૂત્રો મુજબ- NIAની તપાસમાં સામે આવ્યું છે કે વઝે અનેક વર્ષો સુધી નોકરીમાં ન રહેવા છતાં પણ કરોડોની સંપત્તિના માલિક હતો. તેની પત્નીના નામે પણ કરોડોની સંપત્તિ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
NIAની તપાસમાં રડાર પર કેટલાક રાજકીય પાર્ટીના નેતાઓ પણ સામેલ છે.

સચિનના બહાને શિવસેનાનું કેન્દ્ર પર નિશાન
આ દરમિયાન શિવસેનાએ સચિન વઝેની ધરપકડના બહાને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. પક્ષના મુખપત્ર સામનામાં શિવસેનાએ કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા છે અને બદલો લેવાની કાર્યવાહી ગણાવી છે.

સામનામાં કહેવામા આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે આ વઝેનું ટ્રાન્સફર કરી અને સમગ્ર કેસનીતપાસ રાજ્યના એન્ટી ટેરરિઝમ સ્કવોડ (ATS)ને સોંપી હતી. આ તપાસ ચાલી રહી હતી ત્યાં કેન્દ્રએ NIAને તપાસ કરવા માટે મોકલી. આટલી જલ્દી તેની જરુર નહોતી. જો મહારાષ્ટ્રના કોઈ પણ કેસમાં દરમિયાનગીરી કરવાની તક મળે તો પછી કેન્દ્રની તપાસ એજન્સીઓ શા માટે પાછળ રહે?

સામનામાં વધુ શું લખવામાં આવ્યું?
એન્ટિલિયા કેસની તપાસ NIAએ પોતાના હાથમાં લઈને તાત્કાલિક વઝેની ધરપકડ કરી અને પોતાની ફરજ નિભાવી છે. વઝેની ધરપકડ બાદ ભાજપને જે આનંદની પ્રાપ્તિ થઈ છે તેનું વર્ણન કરવા માટેનો શબ્દો ઓછા પડી જશે. થોડા મહિના પહેલા વઝેએ રાયગઢ પોલીસની મદદથી ભાજપના 'મહંત' અર્નબ ગોસ્વામીને અન્વય નાઇક આત્મહત્યા કેસમાં ધરપકડ કરી હતી. તે સમયે આ લોકો ગોસ્વામીના નામ પર રડી રહ્યા હતા અને વઝેને શ્રાપ આપી રહ્યા હતા અને કહેતા હતા, 'પ્રતીક્ષા કરો, અમે જોઈ લઈશું, કેન્દ્રમાં અમારી જ સત્તા છે'. તે તક હવે લેવામાં આવી છે.

અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી જેલમાં ધકેલવાથી વઝે ભાજપ અને કેન્દ્રના હિટલિસ્ટમાં હતા. મુંબઈ પોલીસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સેન્ટ્રલ સ્ક્વોડ અટકવા તૈયાર ન હતી. કાશ્મીર ખીણમાં આજે પણ વિસ્ફોટકોનો જથ્થો મળી રહ્યો છે, પરંતુ શું NIAની આ ટીમ ત્યાં ગઈ? પુલવામામાં વિસ્ફોટકોનો જથ્થો ક્યાંથી ઘુસાડવામાં આવ્યો અને તે વિસ્ફોટકોમાં આપણાં 40 સૈનિકો કેવી રીતે માર્યા ગયા? આ આજે પણ રહસ્ય જ છે!

કેન્દ્ર દ્વારા વિપક્ષની સરકારોને અસ્થિર અથવા બદનામ કરવા માટે કોઈપણ સ્તરે જવું, બનાવટી કેસ બનાવવા, રાજ્ય સરકારના અધિકારોનું ઉલ્લંઘન બેરોકટોક રીતે ચાલી રહ્યું છે. સુશાંતના કેસમાં મુંબઈ પોલીસે ઉત્તમ તપાસ હાથ ધરી હતી, છતાં કેન્દ્રએ આ કેસમાં CBIને દાખલ કરી હતી. CBIએ કયા દીવાઓ પ્રગટાવ્યા? તેઓ પણ હાથ ઘસતા જ રહ્યા. કંગના રુનોતે ગેરકાયદેસર કામગીરી કરી, તેમ છતાં કેન્દ્ર સરકાર અને ભાજપ તેના સમર્થનમાં ઉભા હતા.

25 માર્ચ સુધી કસ્ટડીમાં છે સચિન વઝે
પોલીસ અધિકારી સચિન વઝેને વિશેષ અદાલતે 14 માર્ચથી 25 માર્ચ સુધી NIAની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. શનિવારે રાત્રે એન્ટિલિયા નજીક વિસ્ફોટકોથી ભરેલી કાર રાખવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. વઝેએ શુક્રવારે થાણે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. તેના પર કોર્ટે કહ્યું કે શરૂઆતમાં પુરાવા તમારી વિરુદ્ધ છે, તેથી અન્ય પક્ષકારોને પણ સાંભળવા તે જરૂરી છે. કોર્ટે તેમની આ અરજી પર સુનાવણી 19 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી હતી.

સ્કોર્પિયોની પાછળ નજરે પડતી ઇનોવા કાર જપ્ત કરી હોવાનો દાવો
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે NIAની ટીમે તે ઇનોવા કારણે પણ જપ્ત કરી છે જે એન્ટિલિયાની બહાર પાર્ક કરેલી સ્કોર્પિયોની પાછળ બે વાર નજરે પડતી હતી. આ ઇનોવા શનિવારે રાત્રે મળી આવી હતી. સમાચાર એજન્સીએ તપાસ એજન્સીના સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે આ કાર ક્રાઇમ બ્રાંચની છે અને વઝે ક્રાઇમ બ્રાંચમાં રહેતા તેનો ઉપયોગ કરતા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે NIAએ ક્રાઈમ બ્રાંચના બે અધિકારીઓ અને બે ડ્રાઇવરોને પણ સમન્સ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...