• Gujarati News
  • National
  • Out Of 80 Lok Sabha Seats In UP, Only 3 Seats Will Be Covered; Two And A Half Days Journey

સૌથી મોટા રાજકીય રાજ્યમાં સૌથી નાની ભારત જોડો યાત્રા:UPમાં 80 લોકસભા સીટો, માત્ર 3 સીટો જ કવર થશે; અઢી દિવસ યાત્રા

એક મહિનો પહેલા

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દેશના સૌથી મોટા રાજકીય રાજ્ય ઉત્તરપ્રદેશમાં પહોંચી ચૂકી છે. 80 લોકસભા સીટોવાળા આ રાજ્યમાં રાહુલની યાત્રા માત્ર અઢી દિવસ જ રહેશે. તે 130 કિમી ચાલશે અને 3 લોકસભા સીટ, 11 વિધાનસભા સીટોને કવર કરશે. આ એ સીટો છે, જ્યાં કોંગ્રેસનું છેલ્લી બે વિધાનસભા ચૂંટણી (2017 અને 2022)માં ખાતુ પણ ખુલ્યું નથી.

કોંગ્રેસ આ સીટો પર પોતાની ડિપોઝીટ પણ બચાવી શકી નથી. એવામાં સવાલ એ પેદા થાય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ વિપક્ષનો ચહેરો કઈ રીતે બની શકશે? કોંગ્રેસ સૌથી મોટા રાજ્યમાં પોતાના મૂળ મજબૂત કર્યા વિના ભાજપાને પડકાર કઈ રીતે આપી શકશે?

આવો... યુપીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું સમગ્ર એનાલિસિસ સમજીએ, આખરે રાહુલ અને કોંગ્રેસને આ યાત્રા દ્વારા શું હાંસલ થશે? તેમનું ફોકસ શાના પર છે?

રાહુલની યાત્રા સ્ટ્રેટેજી શું છે?

  1. રાહુલ ગાંધીએ અત્યાર સુધીની પોતાની ભારત જોડો યાત્રામાં સૌથી વધુ સમય એ રાજ્યોમાં આપ્યો છે, જ્યાં કોંગ્રેસે લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં સારૂં પ્રદર્શન કર્યુ છે. કેરળમાં 20 લોકસભા સીટો છે, કોંગ્રેસે 2019 લોકસભા ચૂંટણીમાં અહીં 15 સીટો જીતી હતી. અહીં રાહુલે 18 દિવસનો સમય આપ્યો.
  2. રાહુલે એ રાજ્યો પર ફોકસ કર્યુ છે, જ્યાં ભાજપા નબળી છે કે કોંગ્રેસ ભાજપાને સીધી ટક્કર આપી શકે છે. રાહુલે મધ્યપ્રદેશમાં 16 દિવસ, રાજસ્થાનમાં 18 અને મહારાષ્ટ્રમાં 14 દિવસનો સમય આપ્યો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
  3. જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે, ત્યાં પણ રાહુલે સમય આપ્યો છે. કર્ણાટકમાં આ જ વર્ષે એપ્રિલમાં ચૂંટણી થવાની છે, અહીં રાહુલની બારત જોડો યાત્રા સૌથી વધુ 21 દિવસ રહી. કર્ણાટકમાં પણ ભાજપાએ 2019ની લોકસભા ચૂંટણીમાં 28માંથી 25 સીટો જીતી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ભાજપાની કોંગ્રેસ સાથે સીધી ટક્કર છે.
  4. હરિયાણા, મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ મજબૂત છે, અહીં અગાઉની સરકારો કોંગ્રેસની જ હતી. એવામાં આ બંને રાજ્યોમાં પણ રાહુલે પોતાની યાત્રાથી ધાર આપવાનું કામ કર્યુ છે. હરિયાણામાં બીજા તબક્કાની યાત્રા 6 જાન્યુઆરીએ શરૂ થશે.

રાહુલની યાત્રા ખેડૂતો અને મુસ્લિમોને જોડી રહી છે
યુપીમાં રાહુલની આટલી નાની યાત્રા કેમ? આ સવાલ અંગે વરિષ્ઠ પત્રકાર અરવિંદ સિંહ કહે છે કે યુપી ભારત જોડો યાત્રા રૂટનો માત્ર હિસ્સો લાગે છે. આથી તે યુપીને કવર કરી રહ્યા છે. રાહુલ દિલ્હીથી હરિયાણા સીધા પણ નીકળી શકતા હતા, પરંતુ એવું કર્યુ નહીં. તેમણે યુપીને ટચ કર્યુ છે. ભારત જોડો યાત્રાનો રૂટ કન્યાકુમારીથી શ્રીનગર છે, તેથી વચ્ચેમાં જે રાજ્યો આવી રહ્યા છે, ત્યાં તેઓ જઈ રહ્યા છે.

મને લાગે છે કે તેઓ સંદેશ આપવા માટે પણ યુપીને કવર કરી રહ્યા છે, જેથી એવું પણ ન બને કે આટલું મોટું રાજ્ય તેમણે કેમ છોડી દીધું. રાહુલની આ યાત્રા એ વિસ્તારમાંથી પસાર થઈ રહી છે, જ્યાં કોંગ્રેસ પોતાનો જૂનો ગુમાવેલો આધાર પ્રાપ્ત કરી શકે છે, કેમકે આ બેલ્ટ ખેતી અને ખેડૂતોની છે, મુસ્લિમ બહુમતીવાળી છે. પૂર્વમાં રમખાણોથી પ્રભાવિત પણ રહી ચૂક્યો છે. યાત્રામાં સમગ્ર પ્રદેશથી કોંગ્રેસ કાર્યકર્તા આવ્યા છે. તેની સાથે જ આટલા મોટા રાજ્ય માટે કોંગ્રેસની ભવિષ્યમાં જરૂર કોઈ યોજના છે એવું પણ લાગે છે.

રાહુલનું ધ્યાન પશ્ચિમ યુપીમાં 120 બેઠકો ઉમેરવા પર
રાહુલ યુપીના જે ત્રણ જિલ્લામાંથી પસાર થઈ રહ્યા છે, એ મુસ્લિમ અને જાટ બહુમતીવાળો વિસ્તાર છે. બંને બિરાદરીના લોકો વેસ્ટ યુપીની 120 વિધાનસભા અને 15 લોકસભા સીટો પર જીત અપાવવમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિસ્તારોમાં જ કોંગ્રેસે 2022 યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન સૌથી વધુ તાકાત પણ લગાવી હતી. આ વિસ્તાર ખેડૂતોની બહુમતી ધરાવે છે.

ખેડૂત આંદોલન દરમિયાન ભાજપાને સૌથી મોટા વિરોધનો સામનો અહીં પર કરવો પડ્યો હતો. વેસ્ટ યુપીમાં સપાનું સમીકરણ મુસ્લિમ, યાદવ અને જાટ છે, રાલોદનું મુસ્લિમ જાટ, બસપાનું મુસ્લિમ, જાટ અને દલિત છે. એવું મનાય છે કે યુપીમાં ભલે રાહુલની યાત્રા નાની છે, પરંતુ તેની રાજકીય અસર ઈસ્ટ યુપી સુધી રહેશે.

યુપીમાં અત્યાર સુધીની સૌથી નબળી કોંગ્રેસ
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે જે પ્રદેશમાં સૌથી વધુ 80 સીટો છે અને કોંગ્રેસ જ્યાં સૌથી નબળી છે, ત્યાં રાહુલ માત્ર 130 કિમી ચાલી રહ્યા છે. જો તેમને 2024માં વિકલ્પ બનવું છે તો ઉત્તરપ્રદેશ પર સૌથી વધુ ફોકસ કરવું પડશે, કેમકે દિલ્હીની સત્તાનો માર્ગ યુપીથી જ નીકળે છે.

હાલ યુપીમાં કોંગ્રેસ ઈતિહાસમાં સૌથી વધુ નબળી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસે ચૂંટણી લડી પરંતુ ઈતિહાસનું સૌથી નબળું પ્રદર્શન કર્યુ. કોંગ્રેસ 403માંથી માત્ર 2 સીટો જીતી શકી. વોટ શેર પણ 2.33 ટકા રહ્યો. એટલે સુધી કે કોંગ્રેસનો યુપીની 100 સભ્યોની ઉચ્ચ સદન વિધાન પરિષદમાં પણ એક સભ્ય બચ્યો નથી. આવું પ્રથમવાર બન્યું છે.

જો કે રાહુલ ગાંધીએ પોતાનો રાજકીય આધાર વધારવાની કવાયત જરૂર કરી. તેમણે પોતાના જૂના સહયોગીઓને પણ યાત્રામાં આવવાનું આમંત્રણ આપ્યું. તેમાં અખિલેશ યાદવ, જયંત ચૌધરી જેવા નેતાઓ સામેલ છે. જો કે આ નેતાઓએ શુભકામનાઓ તો આપી પણ યાત્રામાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો.

75 જિલ્લાવાળા યુપીના માત્ર 3 જિલ્લામાં જ યાત્રા કેમ?
ભારત જોડો યાત્રા માત્ર 3 જિલ્લા અને 11 વિધાનસભા ક્ષેત્રોમાંથી જ કેમ પસાર થઈ રહી છે? આ સવાલ અમે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બૃજલાલ ખાબરીને પૂછ્યો તો તેમણે કહ્યું, “આ યાત્રાનો જે રૂટ ચાર્ટ પ્રથમ દિવસે નક્કી કરવામાં આવ્યો હતો, તેમાં યુપીમાં યાત્રાના પ્રવેશનો પ્લાન નહોતો. યાત્રા 150 દિવસોમાં 3570 કિલોમીટરનું અંતર કાપીને કન્યાકુમારીથી શ્રીનગરમાં સમાપ્ત થવાની હતી પરંતુ દિલ્હીમાં રોકાણના કારણે 3 દિવસની યાત્રા ઉત્તરપ્રદેશમાં રાખવામાં આવી.”