તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Saamna Wrote: RSS And Taliban Should Not Be Compared, Hindus Are Being Oppressed In Our Country

જાવેદ અખ્તરને શિવસેનાનો જવાબ:'સામના'માં લખ્યું- RSS અને તાલિબાનની સરખામણી કરવી યોગ્ય નહીં, આપણા દેશમાં હિન્દુઓને દબાવવામાં આવી રહ્યા છે

13 દિવસ પહેલા
મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકાર છે. જાવેદ અખ્તરના નિવેદનનો શિવસેનાએ વિરોધ કર્યો છે, જ્યારે કોંગ્રેસ અને NCP તેનું સમર્થન કરી રહ્યા છે.
  • જાવેદ અખ્તરે કહ્યું હતું કે RSSનું સમર્થન કરનારા લોકોની માનસિકતા પણ તાલિબાન જેવી છે
  • શિવસેનાએ કહ્યું- 'સંઘ કે શિવસેનાની તાલિબાની વિચારસરણી હોત તો આ દેશમાં ત્રણ તલાક સામે ક્યારેય કાયદો ન બન્યો હોત

ગીતકાર જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની તુલના તાલિબાન સાથે કરી ત્યારે શિવસેના RSSના બચાવમાં આવી ગઈ છે. તેણે સોમવારે પાર્ટીના મુખપત્ર 'સામના'માં લખ્યું છે- બહુમતી ધરાવતા દેશમાં હિંદુઓને સતત દબાવવા જોઈએ નહીં. RSS અને તાલિબાનની તુલના કરવી યોગ્ય નથી. જે લોકો આ વિચારધારાને સમર્થન આપે છે તેમણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

'સામના'માં શિવસેનાએ લખ્યું, 'સંઘ અથવા શિવસેના તાલિબાની વિચારસરણી ધરાવતું હોત તો આ દેશમાં ત્રણ તલાક સામે કાયદો બન્યો ન હોત. લાખો મુસ્લિમ મહિલાઓની આઝાદીનું કિરણ પણ જોવા મળ્યું ન હોત.'

શિવસેનાએ લખ્યું, 'અફઘાનિસ્તાનના તાલિબાન શાસનનો અર્થ સમાજ અને માનવજાત માટે સૌથી મોટો ખતરો છે. પાકિસ્તાન, ચીન જેવા દેશોએ તેને ટેકો આપ્યો છે. ભારતીય માનસિકતા એવી દેખાઈ રહી નથી. અમે દરેક રીતે ખૂબ જ સહિષ્ણુ છીએ. કેટલાક લોકો લોકશાહીના બુરખાની આડમાં સરમુખત્યારશાહી લાવવાના પ્રયાસ કરી રહ્યા છે છતાં તેમની મર્યાદા છે, આથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સરખામણી તાલિબાન સાથે કરવી યોગ્ય નથી.

અખ્તરના અગાઉનાં નિવેદનોનું સમર્થન કર્યું
'સામના'માં આગળ લખ્યું છે કે 'જાવેદ અખ્તર તેમના સ્પષ્ટ શબ્દો માટે જાણીતા છે. દેશમાં જ્યારે-જ્યારે કટ્ટરપંથી, રાષ્ટ્રવિરોધી વિકૃતિઓ ટોચ પર આવી ત્યારે જાવેદ અખ્તરે રાષ્ટ્રવિરોધી તત્ત્વોની ઝાટકણી કાઢી છે. તેમણે કટ્ટરવાદીઓની પરવા કર્યા વગર 'વંદે માતરમ' ગાયું છે છતાં પણ અમે તાલિબાન સાથે સંઘની સરખામણી સ્વીકાર્ય નથી.

જાવેદ અખ્તર દ્વારા શું કહેવામાં આવ્યું હતું
એક ઇન્ટરવ્યુ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું હતું કે RSSનું સમર્થન કરનારા લોકોની માનસિકતા પણ તાલિબાન જેવી છે. જે લોકો RSSનું સમર્થન કરી રહ્યા છે તેમણે તેમના મગજની તપાસ કરાવવી જોઈએ. તમે જે સંગઠનનું સમર્થન કરી રહ્યા છો એનું અને તાલિબાન વચ્ચે કોઈ તફાવત નથી.

શિવસેનાએ કહ્યું- હિન્દુ રાષ્ટ્ર નિર્માણનો વિચાર સૌમ્ય છે
શિવસેનાએ જાવેદના નિવેદન બાબતે વધુમાં સામનામાં લખ્યું છે કે 'તમારી વિચારધારા બિનસાંપ્રદાયિક છે, તેથી જે લોકો હિન્દુ રાષ્ટ્રની કલ્પનાનું સમર્થન કરે છે તેઓ તાલિબાની માનસિકતા ધરાવનારા છે. આવું કેવી રીતે કહી શકાય? નિર્દય તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાનમાં નિર્દોષોની હત્યાઓ અને હિંસા કરવામાં આવી છે. જે માનવજાતિનું પતન કરી રહ્યા છે, એ હૃદયને હચમચાવી નાખે એવું છે.

તાલિબાનના ડરથી લાખો લોકોએ દેશ છોડી દીધો છે. મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. અફઘાનિસ્તાન નરક બની ગયું છે. તાલિબાનોએ ત્યાં માત્ર શરિયા સત્તા લાવવાની છે, આપણા દેશમાં હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પ્રયાસ કરનારા એ તમામ લોકો અથવા સંગઠન છે, તેમનું હિન્દુ રાષ્ટ્ર નિર્માણનો વિચાર સૌમ્ય છે.'

શું વિશ્વ મંચ પર એકપણ હિન્દુ રાષ્ટ્ર છે?
શિવસેનાએ 'સામના'માં આગળ લખ્યું છે, 'ભારતમાં હિન્દુ ધર્મ ખૂબ પ્રાચીન છે. કારણ એ છે કે રામાયણ, મહાભારત હિન્દુત્વનો આધાર છે. બાહ્ય હુમલાખોરોએ તલવારથી હિન્દુ સંસ્કૃતિ પર હુમલો કર્યો. બ્રિટિશ શાસન હેઠળ ધર્માંતરણ થયું હતું. હિન્દુ સમાજે આ બધાની સામે લડત આપી, પણ તે ક્યારેય તાલિબાની બન્યું નથી. વિશ્વનું દરેક રાષ્ટ્ર આજે પણ ધર્મના પાયા પર ઊભું છે.

ચીન, શ્રીલંકા જેવા દેશોનો સત્તાવાર ધર્મ બૌદ્ધ ધર્મ છે, અમેરિકા-યુરોપિયન દેશો ખ્રિસ્તી અને અન્ય તમામ રાષ્ટ્રો 'ઇસ્લામિક રિપબ્લિક' તરીકે તેમના ધર્મની બડાઈ મારે છે, પરંતુ વિશ્વ મંચ પર શું એકપણ હિન્દુ રાષ્ટ્ર છે? ભારતમાં બહુમતીમાં હિન્દુઓ હોવા છતાં આ રાષ્ટ્ર હજુ પણ બિનસાંપ્રદાયિકતાનો ધ્વજ લહેરાવીને ઊભું છે. બહુમતી ધરાવતા દેશમાં હિન્દુઓને સતત દબાવવા જોઈએ નહીં, આ તેમની એક વાજબી અપેક્ષા છે. જાવેદ અખ્તર, અમે જે કહી રહ્યા છીએ એ સાચું છે, ને?

ભાજપે શિવસેના પર સાધ્યું નિશાન
'સામના'માં સંપાદકીયમાં જાવેદ અખ્તરના અગાઉનાં નિવેદનોનું સમર્થન કરવા બાબતે ભાજપે શિવસેના પર નિશાન સાધ્યું છે. ભાજપ ધારાસભ્ય રામ કદમે ટ્વીટ કરીને કહ્યું, 'જલેબીની જેમ ગોળ-ગોળ ભાષા? શિવસેના સ્વીકાર કરી રહી છે કે જાવેદ અખ્તરનું નિવેદન ખોટું છે. અમે ફરિયાદ કર્યાના 24 કલાક થઈ ગયા છતાં પણ તેમની ધરપકડ કેમ કરવામાં આવી નથી? તમને કાર્યવાહી કરવાથી કોને અટકાવ્યા? તેમને ઘરની બહાર ક્યારે કાઢી મૂકશો?' રામ કદમે રવિવારે જાવેદ અખ્તર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...