• Gujarati News
  • National
  • Russian National Nabbed At Delhi Airport In JEE 2021 Paper Leak Case, 12 15 Lakhs Taken From Each Student

પરીક્ષા સમયે સોફ્ટવેર હેક કરીને ફોડતા હતા પેપર:JEE 2021 પેપર લીક કેસમાં રશિયન નાગરિકને દિલ્હી એરપોર્ટથી દબોચી લેવાયો, દરેક વિદ્યાર્થી પાસેથી 12થી 15 લાખ લીધા

2 મહિનો પહેલા

JEE Mains 2021 પરીક્ષા પેપર લીક કેસમાં CBIએ એક રશિયન નાગરિકની અટકાયત કરી છે. આરોપ છે કે તેણે પરીક્ષા દરમિયાન સોફ્ટવેરનું કથિત હેકિંગ કર્યું હતું. રશિયન નાગરિકને દિલ્હી એરપોર્ટથી પકડી પાડવામાં આવ્યો, જે કઝાકિસ્તાનથી ભારત આવી રહ્યો હતો. બાદમાં તેને CBIને સોંપવામાં આવ્યો હતો. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધરપકડ કરાયેલા રશિયન નાગરિકની ઓળખ મિખાઇલ શેરગીન તરીકે થઈ છે. તે JEE મેન્સ પરીક્ષા 2021 કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે. એજન્સીએ જણાવ્યું કે, મિખાઇલે પરીક્ષા દરમિયાન iLeon સોફ્ટવેર સાથે છેડછાડ કરી હતી. આ સોફ્ટવેર ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. પરીક્ષા માટે આ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે મિખાઇલે પરીક્ષા દરમિયાન શંકાસ્પદ ઉમેદવારોની કોમ્પ્યુટર સિસ્ટમ હેક કરવામાં અન્ય આરોપીઓને પણ મદદ કરી હતી.

શું છે સમગ્ર મામલો ?
CBIએ ગત વર્ષે JEE મેઈન્સ પેપર લીક કેસમાં એફિનિટી એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ અને તેના ત્રણ ડિરેક્ટર્સ - સિદ્ધાર્થ કૃષ્ણ, વિશ્વંભર મણિ ત્રિપાઠી અને ગોવિંદ વાશ્નેય સહિત કેટલાક લોકો વિરૂદ્ધ કેસ નોંધાયો હતો. એવો આરોપ કરાયો હતો કે આ ડિરેક્ટર્સ દલાલો અને સહયોગીઓ સાથે મળીને હરિયાણાના સોનીપતના એક પરીક્ષા કેન્દ્રમાં પૈસાના બદલામાં NIT જેવી મોટી સંસ્થાઓમાં પ્રવેશ અપાવવા માટે ઑનલાઇન પરીક્ષામાં છેડછાડ કરતા હતા. આ લોકો રિમોટ એક્સેસ દ્વારા વિદ્યાર્થીઓના પેપર સોલ્વ કરાવતા હતા.

ત્યારબાદ CBI દ્વારા 19 શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કૌભાંડમાં ઉપયોગમાં લેવાતા લેપટોપ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે કેટલાક વિદેશી નાગરિકો JEE મેઈન્સ સહિતની અનેક ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ માટે અન્ય આરોપીઓને મળ્યા હતા. જેમાં એક રશિયન નાગરિકની ભૂમિકાનો પણ ખુલાસો થયો હતો. ત્યારબાદથી મિખાઈલ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જાહેર કરાયું હતું.

વિદ્યાર્થીઓ પાસેથી 12થી 15 લાખ રૂપિયા લીધા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક વિદ્યાર્થી પાસેથી 12થી 15 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. 20 જેટલા વિદ્યાર્થીઓને આ રીતે પેપર આપ્યું હતું. મામલો સામે આવ્યા બાદ આ વિદ્યાર્થીઓ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં CBIએ કુલ 7 લોકોની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...