• Gujarati News
  • National
  • Ruby, Bobby And Maya, Who Survived The Taliban, Repeatedly Rescued The Indian Embassy From The Blasts.

વેલકમ ટુ ઇન્ડિયા:તાલિબાનથી બચીને આવ્યા રુબી, બૉબી અને માયા, અનેકવાર ભારતીય દૂતાવાસને વિસ્ફોટોથી બચાવ્યું

3 મહિનો પહેલા
  • 150 ભારતીયો સાથે ત્રણેય સ્નિફર ડોગને કરાયા એરલિફ્ટ
  • ગાઝીયાબાદ એરબેઝ પર લેન્ડ થતાં જ ત્રણેય ગેલમાં આવી ગયા

તાલિબાને અફઘાનિસ્તાનને ચાર દિવસથી કબજામાં લઇ લીધું છે. અફઘાનિસ્તાનમાં રહેતા વિદેશના તમામ નાગરિકો પોતપોતાના દેશ જવા નીકળી રહ્યા છે. ભારત દ્વારા વાયુસેનાના વિમાન મારફત 150 જેટલા ભારતીયોને એરલિફ્ટ કરીને ગાઝિયાબાદ પહોંચાડવામાં આવ્યા. આ ભારતીયોમાં કાબુલ સ્થિત દૂતાવાસના રાજદૂત અને તેના કર્મચારીઓને સ્વદેશ લાવવામાં આવ્યા. આ બધા વચ્ચે અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસની રક્ષા કરી રહેલા ત્રણ સ્નિફર ડોગને પણ ત્યાંથી ભારત લાવવામાં આવ્યા છે. આ ત્રણેય ડોગીના નામ માયા, રુબી અને બૉબી છે. આ ત્રણેય ડોગની તસવીરો પણ જારી કરવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, જયારે મંગળવારે ભારતીય વાયુસેનાનું વિમાન વાયા જામનગર થઈને ગાઝિયાબાદ એરબેઝ પર પહોંચ્યું ત્યારે આ 150 ભારતીયોની સાથે ત્રણ શ્વાનને પણ સાથે લાવવામાં આવ્યા છે. હાલમાં આ ત્રણેય ડોગીને આઇટીબીપીના છાવલા કેમ્પમાં રાખવામાં આવ્યા છે. આઇટીબીપીના કમાન્ડોની ટુકડી સાથે માયા, રુબી અને બૉબીને પણ મંગળવારે ગાઝિયાબાદના હિંડન વાયુસેના એરબેઝ પર ઉતારવામાં આવ્યા હતા.

ભારતના દૂતાવાસને અનેકવાર બચાવ્યું
આ ત્રણેય ડોગી અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસની સુરક્ષા માટે તૈનાત હતા, આ ત્રણેય શ્વાનોએ અનેક વખત સુરક્ષા અધિકારીઓની ખુબ મદદ પણ કરી છે. રિપોર્ટ અનુસાર, આ ત્રણેય સ્નિફર ડોગે ભારતીય દૂતાવાસ નજીક વિસ્ફોટકને સૂંઘીને ઓળખ કરી છે અને ભારતીય દૂતાવાસને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જયારે જયારે ભારતીય દૂતાવાસની આસપાસ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો આ ત્રણેય ડોગ અલર્ટ થઇ જતા. દૂર સુધી ગોઠવેલા વિસ્ફોટકોની ગંધ પારખીને ત્રણેય ડોગ ઇશારાથીઅથવા ક્યારેક ભસીને સુરક્ષા કર્મીઓને સંકેત આપતા. ક્યારે ભસવું, ક્યારે ઇશારાથી સજાવવું, તે તમામ બાબતોની સમજ ડોગને આપવામાં આવી હતી.

જામનગર એરબેઝ ખાતે ડોગીનું પણ સ્વાગત કરાયું
જામનગર એરબેઝ ખાતે ડોગીનું પણ સ્વાગત કરાયું

ત્રણેય ડૉગીએ આમ પાર પાડ્યા ઓપરેશન
એકવાર એવું થયું કે, કાબુલમાં ભારતીય દૂતાવાસથી થોડે દૂર વેજીટેબલ બાસ્કેટમાં વિસ્ફોટકો છુપાવીને મુકવામાં આવ્યા હતા. દૂતાવાસમાં બેઠેલી લેબ્રાડોર રુબીને તરત અણસાર આવી ગયો કે, કાંઈક ગરબડ છે. રુબીએ તેના હેન્ડલરને ઈશારો કર્યો અને દોડતી દોડતી વેજીટેબલ બાસ્કેટ પાસે જઈને ભસવા લાગી. બૉમ્બ સ્કોવડને જાણ કરવામાં આવી અને બૉમ્બ ડીફયુઝ કરાયો. આ રીતે અનેક નાગરિકોના જીવ બચી ગયા. જર્મન શેફર્ડ માયા જેટલી દિવસે એક્ટિવ રહેતી એનાથી વધારે રાતના સમયે વધારે એક્ટિવ રહેતી. દૂતાવાસના ગાર્ડનમાં તે રાતના આંટાફેરા કર્યા કરતી હોય. એક રાતે કોઈ વ્યક્તિ દૂતાવાસની બહાર શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતો હતો. માયા જમીનને શરીર અડાડીને બેસી ગઈ અને પાછળના પગ સહેજ ઊંચા રાખ્યા. જાણે કોઈનો શિકાર કરવાની તૈયારીમાં હોય. પણ આ તેનો કોડ હતો કે બહાર કોઈ છે. સુરક્ષા કર્મીઓ એલર્ટ થઇ ગયા અને દૂતાવાસ બહારથી બંદૂકધારી તાલિબાની સમર્થકને ઝડપી લીધો.

બોબી ડોબરમેન શ્વાન છે. દોડવામાં અને સૂંઘવામાં બંનેમાં તે ચપળ છે. કાબુલની બજારમાં જયારે કોઈ આફત આવે, હુમલાની તૈયારી હોય અને ભારતના સુરક્ષા કર્મીઓ બોબીને લઈને નીકળ્યા હોય ત્યારે બોબી હુમલાનો સંકેત આપે છે અને ચિતાની ઝડપે દોડીને અફઘાની સૈનિકોને પણ એલર્ટ કરે છે. સૈનિકો હુમલા માટે તૈયાર થઇ જાય છે અને નાગરિકોના જીવ બચી જાય છે. આ ત્રણેય ડોગે માત્ર ભારતીય કમાન્ડોને જ નહીં, અફઘાનિસ્તાનના સૈનિકોને પણ એલર્ટ કર્યા છે.

પંચકૂલામાં અપાઈ હતી ટ્રેનિંગ
આ ત્રણેય ડોગને હરિયાણાના પંચકૂલા સ્થિત નેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ડોગ્સમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્રણ વર્ષથી, એટલે કે 2019થી ત્રણેય અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસમાં સક્રિય હતા. આઇટીબીપીના જવાનોએ કહ્યું કે, જયારે આ ત્રણેય શ્વાન ભારતની જમીન પર ઉતર્યા ત્યારે અત્યંત ખુશ જણાતા હતા. આ ત્રણેયને આઇટીબીપીના જવાનોની સાથે તેના કેમ્પમાં જ રાખવામાં આવ્યા છે. કિસન કુમાર, બિજેન્દર સિંઘ અને અતુલ કુમાર આ ત્રણેય ડોગીના હેન્ડલર છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની બહાર નીકળવામાં દૂતાવાસના અધિકારીઓ અને કર્મચારીઓ પર તાલિબાની મોતનું જોખમ ઝળુંબતું હતું. પણ તાલિબાનોએ સત્તા હસ્તગત કરી લીધા બાદ બંદૂકધારી તાલિબાનો ભારતીયોને છેક કાબુલ એરપોર્ટ સુધી મૂકી ગયા હતા.

તાલિબાનોએ ત્રણેય ડોગીને રમાડ્યા
કાબુલમાં ભારતીય દૂતાવાસની બહાર મશીનગન અને રોકેટ લોન્ચર સાથે તાલિબાન આતંકી ઉભા હતા. દૂતાવાસની અંદર રાજદૂત સહિત 150 જેટલા અધિકારીઓ પરિવારજનો સાથે હતા. આ તમામ દૂતાવાસની બહાર નીકળતા ડરતા હતા, કારણ કે બહાર તાલિબાનો હતા. દૂતાવાસમાં 150 વ્યક્તિઓની સાથે માયા, રુબી અને બૉબી ત્રણ શ્વાન પણ હતા. જો કે તાલિબાનોએ ભારતીયોને કે આ ત્રણ શ્વાનોને નુકસાન પહોચાડ્યું નહોતું. ઉલટું, તાલિબાનો આ ત્રણેય ડોગીને જોઈને હસતા હતા અને હાથ ફેરવી રમાડતા હતા. કદાચ આ ત્રણેય ડોગીને તાલિબાન મારી નાખશે તેવી દહેશત સુરક્ષાકર્મીઓને હતી પણ એવું થયું નહીં. 150 ભારતોની સાથે આ ત્રણ સ્નિફર ડોગ પણ તાલિબાનથી બચીને ભારત આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...