હરિયાણા સરકારને રાહત:હરિયાણામાં ખાનગી ક્ષેત્રે 75% અનામત પર રોક સુપ્રીમે હટાવી

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટને ફરી સુનાવણી કરી 4 સપ્તાહમાં ચુકાદો આપવા નિર્દેશ

પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓમાં સ્થાનિક લોકોને 75 ટકા અનામત આપવાના મામલામાં હરિયાણા સરકારને સુપ્રીમકોર્ટથી મોટી રાહત મળી છે. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હાની બેન્ચે અનામત પર રોક લગાવવાના પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો આદેશ રદ કરી દીધો.

સુપ્રીમકોર્ટે કહ્યું, કાયદા પર વચગાળાની રોક લગાવવાના ચુકાદામાં હાઈકોર્ટે યોગ્ય કારણ નથી જણાવ્યું. એવામાં તેને યોગ્ય ન કહી શકાય. સુપ્રીમે એવું પણ કહ્યું કે હરિયાણાના કાયદા હેઠળ સ્થાનિક લોકોને કોટા ન આપનારી કંપનીઓ પર કોઈ કાર્યવાહી નહીં થાય. હાઈકોર્ટ આ મામલા પર ફરી સુનાવણી કરી ચાર સપ્તાહમાં ચુકાદો આપે.

હરિયાણા સરકારે રાજ્યના યુવાઓને રાજ્યની તમામ પ્રાઇવેટ કંપનીઓમાં 75 ટકા અનામત આપવાનો કાયદો 15 જાન્યુઆરીથી લાગુ કર્યો હતો. તેને પડકારતાં કેટલાક લોકોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે તેની પર રોક લગાવી દીધી હતી. આ આદેશને હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

હરિયાણા સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, ચાર અન્ય રાજ્યોએ પણ આવો કાયદો બનાવ્યો છે. તેની પર જસ્ટિસ રાવે પૂછ્યું, શું તમે ઈચ્છો છો કે અમે દેશના અન્ય રાજ્યોમાં પેન્ડિંગ મામલાઓને અહીં ટ્રાન્સફર કરીએ? કે સ્ટે પર નિર્ણય લેવો જોઈએ અને કેસ ફરી હાઈકોર્ટ મોકલવો જોઈએ?

મહેતાએ કહ્યું, સુપ્રીમ કોર્ટ કાયદા પર રોક લગાવવાનો આદેશ રદ કરે. અન્ય રાજ્યોમાં પેન્ડિંગ આવા મામલાઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા જોઈએ. આ કાયદો એક રીતે પ્રવાસીઓને બીજા રાજ્યોમાં વસવાથી નિયંત્રિત કરવાનું એક સાધન છે.

ફરીદાબાદ ઇન્ડસ્ટ્રીઝ એસો. તરફથી વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ તેની પર આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું, આવા અનામત આપવાથી કાયદો ઘડનારી ધારાસભા પાસે બંધારણીય શક્તિ નથી. આ બંધારણ દ્વારા આપવામાં આવેલા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. તેનાથી રોજગાર આપનારનું અસ્તિત્વ પ્રભાવિત થાય છે.

જો કોઈ કંપનીને તાત્કાલિક ફિટરની જરૂર છે તો તેને ત્યાં સુધી રાહ જોવી પડશે ત્યાં સુધી હરિયાણાનો રહેવાસી ફિટર ન મળી જાય. કંપનીને જે કરોડોનું નુકસાન થશે તેનો અંદાજો ન લગાવી શકાય. અનામત આપતા પહેલા કોઈ વિશેષ વર્ગના પછાતપણા પર રિસર્ચ થવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...