• Gujarati News
  • National
  • Robbers Broke Into A Bank With A Gun In Broad Daylight, Robbed Millions In 45 Seconds

રાજસ્થાન:ધોળે દિવસે બંદૂક સાથે SBIની બ્રાંચમાં ઘૂસ્યા લૂંટારા, 45 સેકન્ડમાં જ 5 લાખથી વધુની રકમ લૂંટી; આ રીતે આપ્યો લૂંટને અંજામ

10 દિવસ પહેલા
  • રાજસ્થાનના બાડમેરના એક ગામમાં સોમવારે બપોરે 3 લૂંટારા ત્રાટક્યા હતા

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા સમદડીના ખંડપ ગામમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની બ્રાન્ચમાં સોમવારે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી હતી. ત્રણ બુકાનીધારી લૂંટારાઓએ પિસ્તોલની અણીએ 8 લોકોને બંધક બનાવીને 5 લાખ 23 હજાર રૂપિયા લૂંટીને રફૂચક્કર થઈ ગયા હતા.

બેંકમાં ગ્રાહકોની ભીડ હોવા છતાં પણ લૂંટારાઓએ બિન્દાસ્ત રીતે લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ છે. મળતી વિગતો અનુસાર ત્રણેય બુકાનીધારીઓ બપોરે ત્રણેક વાગે બાઈક લઈને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની બ્રાન્ચમાં લૂંટના ઈરાદે ઘૂસ્યા હતા.

બાઈક બહાર પાર્ક કરીને ત્રણેય જણાએ અંદર પ્રવેશીને તેમનો પ્લાન અમલમાં મૂક્યો હતો. જેમાં બે બંદૂકધારીઓએ ત્યાં હાજર આઠ લોકોને લાઈનમાં ઉભા રાખીને સરન્ડર કરાવ્યું હતું. તો એક લૂંટારૂં સીધો જ કેશિયરની કેબિનમાં કૂદીને અંદર રહેલી રોકડ રકમ બેગમાં ભરવા લાગ્યો હતો. માત્ર 45 સેકન્ડમાં તો શાતિર બદમાશો 5 લાખ 23 હજાર રૂપિયાની લૂંટ ચલાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ​​​​​​ધોળે દિવસે થયેલી લૂંટની ઘટનાના કારણે પંથકમાં હાહાકાર મચી ગયો છે. લૂંટની ઘટના બાદ બેંકના અધિકારીઓએ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને દબોચી લેવા માટે પોલીસે પણ હવે અન્ય વિસ્તારના સીસીટીવી કબજે કરીને તપાસ તેજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...