છેતરપિંડી કેસ:રિશી અગ્રવાલની 22,800 કરોડના બેન્ક કૌભાંડમાં CBI દ્વારા ધરપકડ

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એબીજી શિપયાર્ડના સ્થાપક સામે ફેબ્રુઆરીમાં નોંધાયેલા કેસમાં કાર્યવાહી
  • ICICI હેઠળના 28 બેન્કના કોન્સોર્ટિયમ સાથે છેતરપિંડી

બેન્ક કોન્સોર્ટિયમ સાથે રૂ. 22,842 કરોડની છેતરપિંડીના કેસમાં સીબીઆઈએ બુધવારે એબીજી શિપયાર્ડ લિમિટેડના માલિક રિશી અગ્રવાલની ધરપકડ કરી હતી. આ મામલે સીબીઆઈએ સાતમી ફેબ્રુઆરીના રોજ એબીજી શિપયાર્ડના પૂર્વ ચેરમેન અગ્રવાલ સહિત તત્કાલીન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી તેમજ અન્ય ડિરેક્ટરો અશ્વિનીકુમાર, સુશીલકુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા સામે કેસ નોંધ્યો હતો.

સીબીઆઈના જણાવ્યાનુસાર, અગ્રવાલને બુધવારે પૂછપરછ માટે સીબીઆઈ બોલાવાયા હતા, પરંતુ તેઓ તપાસમાં સાથ આપતા ન હતા. તેઓ અનેક સવાલના જવાબ આપવાનું ટાળતા હતા, જેથી તેમની ધરપકડ કરાઈ હતી.

આ મામલે સીબીઆઈએ એસબીઆઈની ફરિયાદના આધારે તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ તમામ આરોપીઓ સામે ગુનાઇત કાવતરું કરીને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધી છે. સીબીઆઈ અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં આઈસીઆઈસીઆઈ બેન્કની આગેવાની ધરાવતા 28 બેન્ક અને નાણાકીય સંસ્થાઓના કોન્સોર્ટિયમ સાથે છેતરપિંડી થઈ છે, જેમાં એસબીઆઈની રૂ. 2,468 કરોડની રકમ પણ સામેલ છે.

એબીજી સુરત અને દહેજમાંથી શિપયાર્ડનું સંચાલન કરે છેઃ એબીજી શિપયાર્ડ ભારતીય શિપ બિલ્ડિંગ ઈન્ડસ્ટ્રીની અગ્રણી કંપની છે. આ કંપની સુરત અને દહેજમાંથી શિપયાર્ડનું સંચાલન કરે છે. તેમાં સુરત શિપયાર્ડની જહાજ બનાવવાની ક્ષમતા 18 હજાર ડેડ વેઇટ ટનેજ (ડીડબ્લ્યુટી) સુધીની છે, જ્યારે દહેજ શિપયાર્ડની ક્ષમતા 1,20,000 ડીડબ્લ્યુટી સુધીની છે. એબીજીએ 16 વર્ષમાં 165 જહાજોનું નિર્માણ કર્યું છે.

જોકે, શિપિંગ ઈન્ડસ્ટ્રીમાં વૈશ્વિક સ્તરે મંદી આવતા એબીજીના રિપેમેન્ટ શિડ્યુલ ખોરવાઈ ગયાં હતાં. આ અંગે એસબીઆઈએ તેની ફરિયાદમાં કહ્યું છે કે કેટલાંક જહાજ નિર્માણના કરાર રદ થતાં ઈન્વેન્ટરીનો ભરાવો થઈ ગયો હતો. પરિણામે પ્રવાહી મૂડીની અછત સર્જાઈ, ઓપરેટિંગ સાઇકલ ખોરવાઈ ગઈ અને છેવટે નાણાકીય સમસ્યાઓ સર્જાઈ. ફરિયાદમાં એમ પણ કહેવાયું છે કે આ ઉદ્યોગમાં 2015થી મંદી આવી, જેથી કોમર્શિયલ શિપની બિલકુલ માંગ ન હતી. આ દરમિયાન સંરક્ષણ ક્ષેત્રમાંથી પણ કોઈ ઓર્ડર ના આવ્યા, જેથી કંપની માટે રિપેમેન્ટ શિડ્યુલ જાળવી રાખવું અઘરું થઈ ગયું હતું.

લોન ખાતાં NPA જાહેર થયા પછી ઓડિટ કરાવતા ભાંડો ફૂટ્યો
​​​​​​​જુલાઈ 2016માં એબીજીનાં લોન ખાતાં નોન-પરફોર્મિંગ એસેટ્સ જાહેર કરાયાં હતાં, જેથી લોન આપનારી બેન્કોએ ફોરેન્સિક ઓડિટનો આદેશ કર્યો હતો. અર્ન્સ્ટ એન્ડ યંગના ઓડિટ પ્રમાણે, 2012થી 2017 વચ્ચે આરોપીઓએ સાથે મળીને ગેરકાયદે પ્રવૃત્તિ કરી હતી, જેમાં લોન થકી મેળવેલા ડાયવર્ઝન, દુરુપયોગ અને ગુનાઇત વિશ્વાસઘાત પણ સામેલ છે. આ ભંડોળ બેન્કો દ્વારા જે હેતુથી એબીજીને અપાયું હતું, તે સિવાયના હેતુ માટે એબીજીએ તેનો ઉપયોગ કર્યો હતો. અગાઉ 8 નવેમ્બર, 2019ના રોજ એબીજી સામે સૌથી પહેલી ફરિયાદ થઈ હતી, જે અંગે સીબીઆઈએ 12 માર્ચ, 2020ના રોજ અમુક સ્પષ્ટતા માંગી હતી. બાદમાં તે જ વર્ષે ઓગસ્ટમાં નવી ફરિયાદ દાખલ થઈ. છેવટે દોઢ વર્ષની તપાસ પછી આ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...