ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે તવાંગ અથડામણનાં 43 દિવસ બાદ શનિવારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમણે અહીં LAC પર ભારતીય ચોકીઓની મુલાકાત કરી હતી. જનરલ પાંડેએ સેનાની તૈયારીઓ અને સુરક્ષા બાબતની પણ સમીક્ષા કરી હતી. આ જગ્યા તવાંગથી નજીક છે, જ્યાં ગયા વર્ષે ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઈ હતી.
COASએ જવાનોની સતર્કતા, ફરજ અને દેખરેખની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું- મને આશા છે કે તમે એ જ તત્પરતા અને ખંતથી તમારું કામ આગળ પણ ચાલુ જ રાખશો.
ગયા વર્ષે 9 ડિસેમ્બરે ચીનના સૈનિકોએ તવાંગમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કર્યા હતા. કેટલાક રિપોર્ટમાં દાવા કરવામાં આવ્યા હતા કે ચીનની સેના અહીં પોતાની ઓપરેશન ચોકી બનાવવા માંગતી હતી. પણ ભારતીય જવાનોએ ચીનની સેનાને પાછા જવા માટે મજબુર કરી દીધી હતી.
સૈનિકોની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી
સેનાએ ટ્વીટ કરીને જણાવ્યું કે જનરલ મનોજ પાંડેએ મુલાકાત કરી હતી અને ઓપરેશનલ તૈયારીઓ અને હાલની સુરક્ષા બાબતની જાણકારી મળી હતી. COASએ અધિકારીઓ અને જવાનોની સાથે વાતચીત પણ કરી હતી અને સૈનિકોની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી
તવાંગમાં ભારતીય જવાનોએ 600 ચીનના સૈનિકોને ખદેડ્યા હતા
અરુણાચલ પ્રદેશના તવાંગમાં યાંગત્સેમાં 6 ડિસેમ્બરે 600 જેટલા ચીનના સૈનિકોએ ભારતીય ચોકીને હટાવવા માટે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યા હતા. જ્યારે ભારતીય જવાનોએ તેમને ખદેડ્યા તો બંને સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતીય સેનાના 6 ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે ગુવાહાટી લઈ જવાયા હતા. જ્યારે ચીનના સૈનિકોને સૌથી વધું નુકશાન થયું હતું. તવાંગનું યંગસ્ટે 17 હજાર ફુટની ઉંચાઈ પર આવેલું છે.
જનરલ પાંડેએ કહ્યું હતુ, LAC પર સ્થિતિ સ્થિર, પણ ગમે ત્યારે સ્થિતિ બદલાઈ શકે છે
ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ 12 જાન્યુઆરીએ કહ્યું હતુ કે દેશની ચીન સરહદ પર સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. પણ અહીંયાં ગમે ત્યારે સ્થિતિ બદલાઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે અમને સાત મહત્વના ગંભીર મુદ્દાઓમાંથી 5 મુદ્દાઓને ઉકેલવામાં સફળતા મળી છે. સૈન્ય અને રાજકીય બંન્ને સ્તરે વાતચીત ચાલું છે.
જો કે, આર્મી ચીફે પોતાની વાતચીતમાં ચીનનું નામ લીધું નહોતું. તેમણે કહ્યું કે LACની હાલની સ્થિતિને બદલવા માટે કરવામાં આવી રહેલા તમામ પ્રયાસોને નિષ્ફળ કરવા માટે અમે સક્ષમ છીએ. આ માટે અમારી પાસે મજબુત સેના અને હથિયારો પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.