મુંબઈને અડીને આવેલા થાણેમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. જ્વેલરીની દુકાનમાં ચોરીના ઈરાદાથી એક વ્યક્તિએ બાજુની દુકાન ભાડે લીધી અને ફર્નિચરની આડમાં પોતાની દુકાનથી જ્વેલરીની દુકાન સુધી સુરંગ બનાવી. ચોર સુરંગની મદદથી જ્વેલરીની દુકાનમાં ઘૂસે છે, પરંતુ અચાનક કોઈ કામથી દુકાનદાર દુકાન ખોલી અંદર આવે છે, ત્યારે ચોરને જુએ છે. ત્યાર પછી તેને માર મારી પોલીસના હવાલે કરવામાં આવે છે.
ચોરીનો પ્રયત્ન અને આરોપીને પકડવાની ઘટના દુકાનમાં લાગેલા CCTVમાં કેદ થઈ જાય છે. મળતી માહિતી અનુસાર, મુંબઈને અડીને આવેલા થાણેમાં ભવાની જ્વેલર્સ નામની દુકાન છે. આ દુકાનની બાજુની એક દુકાનને એક વ્યક્તિએ 3 દિવસ પહેલાં ભાડે લીધી અને ફર્નિચરનું કામ શરૂ કર્યું.
ફર્નિચરની દુકાનની આડમાં એક સુરંગ ખોદવામાં આવી અને 9 જાન્યુઆરીના રોજ જ્યારે વિસ્તારમાં મોટા ભાગની દુકાન બંધ હતી એ દિવસે આરોપીઓએ જ્વેલરીની દુકાનમાં ચોરીને અંજામ આપવાની યોજના બનાવી.
યોજના મુજબ, સુરંગના રસ્તે આરોપી જ્વેલરીની દુકાનમાં ઘૂસ્યા અને ચોરીને અંજામ આપવા શરૂ કર્યું, ત્યારે જ દુકાનમાલિક અચાનક આવે છે. આ મામલે થાણે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.