મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરી છે. આ સાથે જ પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે.આ ઘટાડો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી રહી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટમાં લિટર દીઠ રૂપિયા 8 અને ડીઝલમાં રૂપિયા 6નો ઘટાડો કરી રહ્યા છીએ. તેને લીધે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ થઈ જશે.આ અગાઉ કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2021ના રોજ પેટ્રોલ પર લિટર દીઠ રૂપિયા 10 અને ડિઝલ પર રૂપિયા 5 એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો જાહેર કર્યો હતો.
ઉજ્જવલા સ્કીમ હેઠળના ગેસ સિલિન્ડર પર રૂપિયા 200 સબિસિડી ફરી શરૂ
આ સાથે સરકારે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200નો ઘટાડો જાહેર કર્યો છે, એટલે કે સરકાર હવે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200 સબસિડી આપશે. નાણાં મંત્રીએ PM ઉજ્જવલા યોજના હેઠળના સિલેન્ડર પર આ વર્ષે રૂપિયા 200ની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સાથે એક પરિવારે વર્ષમાં 12 સિલેન્ડર મળશે. તેનાથી દેશમાં 9 કરોડ પરિવારને લાભ મળશે.
ગુજરાતના અગ્રણી શહેરોમાં પેટ્રોલના નવા ભાવ (રૂપિયામાં)
શહેરો | જૂનો ભાવ (લિટર દીઠ) | નવો ભાવ (લિટર દીઠ) |
અમદાવાદ | 105.07 | 95.57 |
રાજકોટ | 104.84 | 95.24 |
વડોદરા | 105.11 | 95.61 |
સુરત | 105.09 | 95.59 |
ગુજરાતના અગ્રણી શહેરોમાં ડીઝલના નવા ભાવ (રૂપિયામાં)
શહેરો | જૂનો ભાવ (લિટર દીઠ) | નવો ભાવ (લિટર દીઠ) |
અમદાવાદ | 100.13 | 93.13 |
રાજકોટ | 99.21 | 91.98 |
વડોદરા | 99.46 | 92.46 |
સુરત | 99.46 | 92.46 |
PM મોદીએ ભાવ ઘટાડાના પગલાને આવકાર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- અમારા માટે પ્રજા સૌથી પહેલા હોય છે. આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નાગરિકોને રાહત આપશે અને જીવનને વધારે સુગમ બનાવશે. ઉજ્જવલા યોજના હેઠળ મળતા સિલેન્ડર પર સબસિડીની જાહેરાતની પણ PM મોદીએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજનાએ કરોડો ભારતીયો ખાસ કરીને મહિલાઓની મદદ કરી છે. ઉજ્જવલા સબસિડી અંગે આજના નિર્ણયથી પરિવારના બજેટમાં ઘણી સરળતા રહેશે.
પેટ્રોલ-ડીઝલ ઉપર ટેક્સની ગણતરી
પેટ્રોલ/લિટર (રૂપિયામાં) | ડીઝલ/લિટર (રૂપિયામાં) | |
બેઝ પ્રાઈઝ | 56.35 | 57.94 |
ભાડુ | 0.20 | 0.22 |
એક્સાઈઝ ડ્યુટી | 27.90 | 21.80 |
ડીલર કમિશન | 3.85 | 2.69 |
VAT | 17.13 | 14.12 |
કુલ કિંમત | 105.41 | 96.67 |
સીમેન્ટની કિંમતોમાં ઘટાડો કરવા કામ ચાલી રહ્યું છે-નાણાં મંત્રી
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સીમેન્ટની ઉપલબ્ધતાની સ્થિતિ સુધારવા અને સીમેન્ટના પડતર ખર્ચમાં ઘટાડો કરવા માટે વધારે સારા લોજિસ્ટીકની મદદ લેવામાં આવી રહી છે તેમ જ આ ભાવ ઘટે તે માટેની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.
પ્લાસ્ટિક અને સ્ટીલ પ્રોડક્ટ્સ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે જ્યાં આપણી આયાત નિર્ભરતા વધારે છે ત્યા અમે પ્લાસ્ટિક પ્રોડક્ટ્ માટે રોમટેરિયલ તથા ઈન્ટરમીડિયેટ્સ પર એક્સાઈસ ડ્યુટી પણ ઓછી કરી રહ્યા છીએ. આ ઉપરાંત સ્ટીલના કેટલાક રોમટેરિયલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સરકાર પ્રજાને મૂર્ખ બનાવી રહી છે- કોંગ્રેસનો આરોપ
સરકાર દ્વારા ઈંધણના ભાવમાં કરવામાં આવેલા ઘટાડા અંગે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સરકારે છેલ્લા 60 દિવસમાં પેટ્રોલની કિંમતમાં રૂપિયા 10નો વધારો કર્યો છે અને હવે તે રૂપિયા 9.50નો ઘટાડો કરી રહી છે. જ્યારે ડીઝલમાં પણ 60 દિવસમાં રૂપિયા 10નો વધારો કર્યો અને હવે રૂપિયા 7નો ઘટાડો કરી રહી છે. સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણની 5 મોટી જાહેરાત
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.