રાજકાજ:પક્ષ માટે એક, બે કે ત્રણ હોદ્દા સંભાળવા પણ તૈયારઃ ગેહલોત

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના સીએમ દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે સ્પષ્ટતા કરી કે જો હું કોંગ્રેસ અધ્યક્ષ બનીશ તોપણ થોડો સમય રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળીશ. પક્ષના લાભ માટે હું એક, બે કે ત્રણ હોદ્દા પણ સંભાળવા તૈયાર છું. મારે કોંગ્રેસની સેવા કરવાની છે, જ્યાં પણ મારો ઉપયોગ થઈ શકે, ત્યાં હું જવા તૈયાર છું. જો પક્ષને લાગે કે મારી મુખ્યમંત્રી તરીકે કે અધ્યક્ષ તરીકે જરૂર છે, તો હું ના નહીં પાડી શકું. મારા માટે હોદ્દા મહત્ત્વના નથી. મારું ચાલે તો હું કોઈ પણ હોદ્દે ના રહું અને રાહુલ ગાંધી સાથે રસ્તા પર ઉતરીને ફાસીવાદી તાકાતો સામે મોરચો ખોલું.

આ પહેલાં ગેહલોત દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા હતા. તેમણે શશી થરુર પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહ્યા છે? તે અંગે કહ્યું કે, મુકાબલો થવો જોઈએ, જેથી લોકોને ખબર પડે કે, પક્ષમાં આંતરિક લોકતંત્ર છે. આ પહેલા ગેહલોતે મંગળવારે રાતે જયપુરમાં ધારાસભ્યો સાથે થયેલી બેઠકમાં કહ્યું હતું કે, ‘હું ક્યાંય નથી જતો, ચિંતા ના કરો.’ સૂત્રોના જણાવ્યાનુસાર, ગેહલોતે કોંગ્રેસ નેતૃત્વને કહ્યું છે કે, તેઓ અધ્યક્ષ બન્યા પછી પણ મુખ્યમંત્રી રહેવા માંગે છે. નેતૃત્વે તેની મંજૂરી પણ આપી દીધી છે.

એવું મનાય છે કે, જો ગેહલોતને મુખ્યમંત્રી પદ છોડવાની નોબત આવશે, તો તેઓ સચિન પાઈલટના બદલે કોઈ વફાદારને હોદ્દો આપવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, સચિન પાઈલટ બુધવારે કેરળમાં રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. આ દરમિયાન ગેહલોતના અધ્યક્ષ પદના ચૂંટણી લડવાના તેમજ મુખ્યમંત્રી પદ છોડવાના સવાલ મુદ્દે પાઈલટે જવાબ આપવાનું ટાળતા કહ્યું કે, ‘પક્ષ સ્પષ્ટતા કરી ચૂક્યો છે કે, અધ્યક્ષ પદની ચૂંટણી કોઈ પણ લડી શકે છે.’

રાહુલને અધ્યક્ષપદ સંભાળવા મનાવીશ
ગેહલોત દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા પછી રાહુલ ગાંધીને મળવા કોચી રવાના થયા હતા. ગેહલોતે કહ્યું કે, હું છેલ્લી વાર રાહુલ ગાંધીને મનાવવાના પ્રયાસ કરીશ અને કહીશ કે તેઓ અધ્યક્ષ પદ સંભાળે. હું તેમની સાથે વાત કરીને જ નક્કી કરીશ કે, આગળ શું કરવાનું છે.

અન્ય સમાચારો પણ છે...