કેપ્ટન કૂલનું રાજીનામું:ધોનીએ CSKની કેપ્ટનશિપ છોડી, જાડેજા હવે ટીમનું નેતૃત્વ કરશે; માહીએ નિવૃત્તિના સંકેત પણ આપ્યા

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

IPL 2022ને શરૂ થવામાં માત્ર 2 દિવસ બાકી રહ્યા છે એવામાં મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી ફેન્સને ચોંકાવી દીધા છે. કેપ્ટન કૂલે ચેન્નઈ સુપર કિંગ્સની કમાન છોડી દીધી છે અને રવીન્દ્ર જાડેજાને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ધોનીએ આ નિર્ણય ભવિષ્યને ધ્યાનમાં રાખીને કર્યો છે. એવામાં હવે ધોની IPLની 15મી સીઝનમાં એક ખેલાડી તરીકે રમતો જોવા મળશે. એટલું જ નહીં, ધોનીના આ નિર્ણયથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેની આ છેલ્લી IPL સીઝન હોઈ શકે છે.

14 વર્ષમાં પહેલીવાર CSKએ ફુલટાઈમ કેપ્ટન બદલ્યો
જાડેજા 2012થી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. વળી, ચેન્નઈ સુપર કિંગ્સે 14 વર્ષમાં પહેલીવાર ફુલટાઈમ કેપ્ટન બદલ્યો છે. માહીની કેપ્ટનશિપમાં ચેન્નઈએ 4 વખત આઈપીએલનો ખિતાબ પણ જીત્યો છે. જ્યારે આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીને રિટેન કર્યા હતા.

જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં રિટેન કરીને જાણે એવો સંકેત પણ આપ્યો હતો કે ધોનીના સ્થાને તે કેપ્ટન હોઈ શકે છે. તો બીજી બાજુ ધોનીને આ સીઝન માટે રૂ. 12 કરોડ મળ્યા હતા. જોકે અગાઉ પણ એવી અટકળો હતી કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યા હતા.

ધોનીએ નિવૃત્તિના સંકેત આપ્યા હોવાની ચર્ચા
મહેન્દ્ર સિંહ ધોની એક શાનદાર ક્રિકેટરની સાથે લીડર પણ છે. તેણે ઈન્ડિયન ટીમની કેપ્ટનશિપ છોડ્યા પછી વિરાટ કોહલીને તૈયાર કરવા માટે ટીમમાં સામાન્ય ખેલાડી તરીકે મેચ રમી હતી. એવામાં હવે IPLની ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરીએ તો જાડેજાને કેપ્ટન તરીકે પસંદ કર્યા પછી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ ધોનીની છેલ્લી IPL સીઝન પણ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે અગાઉની સીઝનમાં પણ એવી અટકળો હતી કે ધોની હવે નિવૃત્તિ જાહેર કરી શકે છે. એવામાં રિટેન થવાથી લઈ અત્યારસુધીના તમામ સંકેતો ધોનીની આ છેલ્લી IPL હોય એવા જણાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...