હૈદરાબાદમાં એક સગીર છોકરી સાથે ગેંગરેપની ઘટના બની છે. 5 સગીરોએ મર્સિડીઝમાં છોકરી સાથે ગેંગરેપ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપીઓમાં એક ધારાસભ્યનો છોકરો પણ છે, જોકે પોલીસે ધારાસભ્યોનો છોકરો ગેંગરેપમાં સામેલ હોવાનો કોઈ ખુલાસો કર્યો નથી. પોલીસે જણાવ્યું છે કે આરોપી 11માં-12માં ધોરણના વિદ્યાર્થીઓ છે અને તેઓ દરેક સુખી-સમૃદ્ધ પરિવારના છે.
ઘટના 28 મેની છે. છોકરીના પિતાએ બુધવારે 1 જૂને આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે IPC કલમ 354 અને પોક્સ એક્ટ અંતર્ગત જુબલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
પબમાં હાઈપ્રોફાઈલ પાર્ટી હતી
FIRમાં જણાવવામાં આવ્યું છે કે 28 મેના રોજ 17 વર્ષની દીકરી હાઈપ્રોફાઈલ પાર્ટીમાં ગઈ હતી. આ પાર્ટી તેના મિત્ર સૂરજ અને હાદીએ એમ્નેશિયા એન્ડ ઈનસોમ્નિયા પબમાં આપી હતી. સાંજે 5.30 વાગે તે ઘરેથી નીકળી હતી. પબમાં મળેલા આરોપીઓએ તેને ઘરે મૂકવા આવવાનું કહ્યું હતું, તેથી તે તેમની કારમાં બેઠી હતી, જેમાં પહેલેથી જ 3-4 છોકરાઓ બેઠેલા હતા.
પિતાએ જણાવ્યું હતું કે તેની દીકરીના શરીર પર ઈજાનાં નિશાન પણ છે. ઘટના પછીથી પીડિતા આઘાતમાં છે, તેથી તે સમગ્ર ઘટનાનો ખુલાસો ના કરી શકી. પીડિતાના પિતાએ કહ્યું હતું કે આ ઘટનાની તપાસ કરીને આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
બીજી બાજુ, ઘટનાની તપાસ કરતાં અધિકારીઓએ કહ્યું- જ્યારે કાર અંધારામાં સૂમસામ જગ્યાએ રોકાઈ ત્યારે છોકરાઓએ એક પછી એક છોકરી સાથે મારઝૂડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ છોકરી સાથે દુષ્કર્મ કરતાં પહેલાં તેઓ એક પેસ્ટ્રીની દુકાને પણ ગયા હતા.
પીડિતા માત્ર એક આરોપીને ઓળખી શકી
પોલીસના જણાવ્યા પ્રમાણે, પાર્ટીમાં ધારાસભ્યના છોકરાની સાથે અલ્પસંખ્યક બોર્ડના અધ્યક્ષનો પુત્ર પણ હતો. હાલ પીડિતા માત્ર એક આરોપીની ઓળખ કરી શકી છે અને તેનું નામ જણાવી શકે છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દરેક આરોપી સગીર છે.
છોકરીના નિવેદન પછી પોલીસે કલમ બદલીને રેપની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરોપીઓની ઓળખ કરવા માટે પબમાં પાર્ટીમાં સામેલ લોકો અને ત્યાં કામ કરતા લોકોની પૂછપરછ કરવામાં આવી છે.
પબ મેનેજમેન્ટનું કહેવું છે કે આ નોન આલ્કોહોલિક પાર્ટી હતી. અહીં આવેલા લોકોને દારૂ સર્વ નથી કરાતો. પોલીસ આજુબાજુના સીસીટીવી ફૂટેજથી આરોપીઓની ઓળખ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.