દેશના 75માં સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશને સંબોધિત કરી રહ્યા છે. સૌ પ્રથમ તેમણે દેશ-વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોને સ્વતંત્રતા દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે આ દિવસ આપણા સૌને માટે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસનો દિવસ છે. આ વર્ષના સ્વાધિનતા દિવસનું ખાસ મહત્વ છે. કારણ કે આ વર્ષે આપણે સૌ સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠને ધ્યાનમાં રાખી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ.
અનેક પેઢીઓના ત્યાગ અને બલિદાનને લીધે સ્વતંત્રતાનું સ્વપ્ન સાકાર થયું છે. હું એવા તમામ અમર સેનાનીઓની પાવન સ્મૃતિને નમન કરું છું. તાજેતરમાં જ ટોક્યો ઓલિમ્પિકમાં આપણા ખેલાડીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી દેશનું ગૌરવ વધાર્યું છે. હું દરેક માતા-પિતાને વિનંતી કરું છું કે તેઓ આ બહાદૂર દીકરીઓના પરિવાર પાસેથી પ્રેરણા લે અને દીકરીઓને આગળ વધવા માટે તક આપે.
દેશવાસીઓ જલ્દીથી વેક્સિનેશન કરાવી લે
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મહામારીને લીધે વ્યાપક પ્રમાણમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનું આયોજન થશે નહીં. જોકે મહામારીની તીવ્રતા ઓછી થઈ છે, તેમ છતાં કોરોના વાઈરસની અસર એટલી ઓછી થઈ નથી. તમામ પ્રકારના જોખમ વચ્ચે ડોક્ટરો,નર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને અન્ય કોરોના વોરિયર્સના પ્રયાસોથી કોરોનાની બીજી લહેર પર કાબૂ મેળવી શકાયો છે. વર્તમાન સમયમાં વેક્સિન આપણને સૌને વિજ્ઞાન તરફથી આપવામાં આવેલ સુરક્ષા કવચ છે.હું તમામ દેશવાસીઓને આગ્રહ કરું છું કે તેઓ પ્રોટોકોલ પ્રમાણે શક્ય એટલા ઝડપથી વેક્સિનેશન કરાવી લે અને અન્યોને પણ આ માટે પ્રેરણા આપે.
રાષ્ટ્રપતિ સંબાધનની ખાસ વાતો.......
ઓલિમ્પિક મેડલ વિજેતાઓને કહ્યું- તમારી સિદ્ધિથી દેશને ગર્વ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં ટોક્યો ઓલિમ્પિક-2020ની ભારતીય ટીમ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ટોક્યોમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ હું તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવું છું. તમારી ટીમે ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી વધારે મેડલ મેળવ્યા છે. સમગ્ર દેશ આ ઉપલબ્ધિ અંગે ગર્વ અનુભવી રહ્યા છીએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.