તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rambhadracharya Suggested 7 Issues To The Sangh, Conversion And Population Becomes Law, He Said Modi Will Also Consider This

સત્તા માટેના 7 મંત્ર:મોદીને ત્રીજી વખત PM બનવાના આશીર્વાદ આપનાર જગદગુરુ રામભદ્રાચાર્યએ સંઘને આપ્યો રોડમેપ, ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મોટો મુદ્દો

ચિત્રકૂટ14 દિવસ પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • જગદગુરુએ ગુરુમંત્ર તરીકે સંઘ-પ્રમુખને 7 મુદ્દા આપ્યા
  • આ મુદ્દાઓમાં ધર્મપરિવર્તન પર પ્રતિબંધ અને જનસંખ્યા નિયંત્રણ પર કાયદાનો સમાવેશ

ચિત્રકૂટમા મંથનનો આજે છેલ્લો દિવસ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તે માસ્ટર પ્લાનની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે, જેના આધાર પર આગળ ભાજપ અને કેન્દ્ર સરકારે ચાલવાનું છે. આ મંથન બાદ સરકાર કેટલાક મોટા નિર્ણય પણ લઈ શકે છે. જગદગુરુ રામભદ્રાચાર્યનાં સૂચનો પણ આ નિર્ણયોને અસર કરી શકે છે.

ખરેખર 9થી 13 જુલાઇ સુધી ચાલનારા આ મંથનમાં બે દિવસ પહેલાં 7 જુલાઈએ સંઘ-પ્રમુખ મોહન ભાગવત રામભદ્રાચાર્યના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. જગદગુરુએ ગુરુમંત્ર તરીકે સંઘ-પ્રમુખને 7 મુદ્દા આપ્યા હતા. એમાં ધર્મપરિવર્તન પર પ્રતિબંધ અને જનસંખ્યા નિયંત્રણ પર કાયદાનો સમાવેશ છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે સંઘ ભલે આ મુદ્દાઓને માને કે ન માને, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો જરૂર માનશે જ. જાણો, રામભદ્રાચાર્યએ ગુરુમંત્રમાં સંઘ-પ્રમુખને કયા 7 મુદ્દા પર વિચાર કરવા કહ્યું...

1. જમ્મુ કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યમાં ચૂંટણીઓ યોજવા માટે બેઠકો ચાલી રહી છે. જગદગુરુએ કહ્યું હતું કે આખા ભારતના નકશામાં અડધું-અધૂરું કાશ્મીર નહીં, પરંતુ સમગ્ર કાશ્મીરને સમાવિષ્ટ કરવું જોઈએ,

2. ધર્મપરિવર્તન
ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તનની કાર્યવાહી ચાલી રહી છે. આ મુદ્દે રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે કેન્દ્રએ કડક કાયદા બનાવવા જોઈએ અને આ કામ વહેલી તકે થવું જોઈએ.

3. જનસંખ્યા નિયંત્રણ
જગદગુરુએ કહ્યું હતું કે દેશમાં મુસ્લિમોની વસતિ ખૂબ ઝડપથી વધી રહી છે અને હિંદુઓની સંખ્યા તે પ્રમાણમાં ઘટી રહી છે. આને ધ્યાનમાં રાખીને વસતિ નિયંત્રણની બાબતે જલદીમાં જલદી કાયદો બનાવવો જોઈએ.

4. ગૌરક્ષા
રામભદ્રાચાર્ય હિન્દુઓની વચ્ચે ધાર્મિક મહત્ત્વ ધરાવતી ગાયની રક્ષા બાબતે ચિંતિત છે. તેમણે ગૌહત્યા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાનો મુદ્દો પણ ભાગવતને સૂચવ્યો હતો.

5. સમાન નાગરિક કોડ
તેમણે કહ્યું હતું કે દેશની અંદર એક કાયદો હોવો જોઈએ, પછી ભલે નાગરિક કોઈપણ ધર્મનો ભલે ને હોય. સમાન નાગરિક કોડનો તાત્કાલિક અમલ કરવાની જરૂર છે.

6. હિન્દી રાષ્ટ્રભાષા હોય
રામભદ્રાચાર્યએ મોહન ભાગવતને કહ્યું હતું કે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવી જોઈએ. આ મુદ્દા પર મંથન દરમિયાન ચર્ચા કરવી જોઈએ.

7. રામાયણ
જગદગુરુએ કહ્યું હતું કે રામાયણને રાષ્ટ્રીય ગ્રંથ બનાવવો જોઈએ. વિચારમંથન દરમિયાન એકત્ર થયેલા સંઘના અધિકારીઓએ આ અંગે વલણ અપનાવવું જોઇએ અને સરકારે એના પર તાત્કાલિક પગલાં ભરવાં જોઈએ.

જગદગુરુએ કહ્યું - ભાગવતનું DNAવાળું નિવેદન યોગ્ય ન હતું

રામભદ્રાચાર્ય સાથે ભાગવતની મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે સંઘ-પ્રમુખનું DNAવાળું નિવેદન યોગ્ય નથી. ભાગવતે જે કહ્યું એ તેમની નજરમાં યોગ્ય હશે, મેં જે કહ્યું એ મારી નજરમાં યોગ્ય છે. હું મારા નિવેદન પર કાયમ છું.

ખેરખરમાં ગયા દિવસોમાં ગાઝિયાબાદમાં મુસ્લિમ મંચની બેઠકમાં ભાગવતે કહ્યું હતું, 'જો કોઈ હિન્દુ કહે કે કોઈ મુસ્લિમ અહીં રહી શકતો નથી, તો તે હિન્દુ નથી. ગાય એક પવિત્ર પશુ છે, પરંતુ જે લોકો તેના નામે અન્યની હત્યા કરી રહ્યા છે તે હિન્દુત્વની વિરુદ્ધ છે. આવા કિસ્સાઓમાં કાયદાએ પોતાનું કામ કરવું જોઈએ. બધા ભારતીયોનું DNA એક છે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય.'

જગદગુરુને વિશ્વાસ છે કે મોદી આ મુદ્દાઓનો સ્વીકાર કરશે
સંઘની બેઠકમાં રામભદ્રાચાર્યના મુદ્દા ચર્ચાના કેન્દ્રમાં હશે? આ સવાલ પર જગદગુરુએ કહ્યું, 'સંઘના વડાએ ચિંતન કરવાની વાત કરી છે. હવે એ બાબતે ચર્ચા થાય છે કે નહીં, પરંતુ એક વાત ચોક્કસપણે છે કે જો હું મોદીને કંઈપણ કહીશ તો તેઓ પણ મારી વાત ટાળશે નહીં. જ્યારે તેમણે આ કહ્યું, ત્યારે તેમના ચહેરા પર એક અડગ આત્મવિશ્વાસ હતો.

જગદગુરુના આત્મવિશ્વાસનાં 3 કારણો

1. 2019માં વડાપ્રધાનના શપથ સમારોહની એક તસવીર ટીવી પર સતત બતાવવામાં આવી રહી હતી. આ તસવીરમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ એક ધર્મગુરુનો હાથ પકડીને તેમને બેસાડવા માટે લઈ જતા હતા. તે ચિત્રકૂટના સંત રામભદ્રાચાર્ય જ હતા જેમણે એપ્રિલ 2018માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની આગાહી કરી હતી.

2. 2020માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિત્રકૂટ આવ્યા હતા ત્યારે વ્યસ્ત સમયપત્રક હોવા છતાં તેમણે જગદગુરુ રામભદ્રાચાર્યને મળવાનો સમય કાઢ્યો હતો. તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પણ વડાપ્રધાન બનવાના આશીર્વાદ પણ ત્યારે પણ આપ્યા હતા. જગદગુરુ ચિત્રકૂટમાં સ્થિત ધાર્મિક અને સામાજિક સંસ્થા તુલસીપીઠના સ્થાપક અને વડા છે. સ્વામી રામભદ્રાચાર્ય વિશ્વ હિન્દુ પરિષદના નેતા પણ છે.

3. રામભદ્રાચાર્ય દેશના મહત્ત્વકાંક્ષી કાર્યક્રમ સ્વચ્છતા અભિયાનમાં કેમ્પેનર તરીકે વડાપ્રધાનના 9 રત્નોમાં તેઓ પણ સામેલ હતા.

દુનિયાભરમાં રામચરિત માણસ પર બોલવાનો અધિકાર પ્રાપ્ત છે
રામભદ્રાચાર્ય જ્યારે બે મહિનાના હતા ત્યારે તેમની આંખોની દૃષ્ટિ ચાલી ગઈ હતી. રામભદ્રાચાર્યે રામચરિત માનસનો ઊંડો અભ્યાસ કર્યો છે. તેમને 2015માં પદ્મ વિભૂષણ અવોર્ડ પણ મળ્યો હતો. રામાનંદ સંપ્રદાયના વર્તમાનમાં 4 જગદગુરુ રામાનંદચાર્યમાંથી એક રામભદ્રાચાર્ય છે. તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસ વિશે બોલવા માટે ફક્ત ભારત જ નહીં, પણ તેમને સમગ્ર વિશ્વમાં અધિકાર પ્રાપ્ત છે. રામભદ્રાચાર્ય અલાહાબાદ હાઈકોર્ટમાં પણ ચાલેલા જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ કેસના નિષ્ણાત તરીકે સામેલ હતા.

અન્ય સમાચારો પણ છે...