બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ ફરી એકવાર ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યો છે. ગુરુવારે જમુઈમાં આંબેડકરજયંતીના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે રામ ભગવાન થોડા હતા, તેઓ તો તુલસીદાસ અને વાલ્મીકિ રામાયણના પાત્ર હતા. રામાયણમાં ઘણી સારી વાતો લખવામાં આવી છે, તેથી અમે માનીએ છીએ, પણ રામને જાણતા નથી.
અનુસૂચિત જાતિના લોકોએ પૂજા ન કરવી જોઈએ
માંઝી આટલે જ અટક્યા ન હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે પૂજા-પાઠ કરવાથી કોઈ મોટું નથી થતું. અનુસૂચિત જાતિના લોકોએ પૂજા કરવાનું બંધ કરી દેવું જોઈએ. જે બ્રાહ્મણ માંસ ખાય છે અને દારૂ પીવે છે, જૂઠું બોલે છે તેમનાથી દૂર રહેવું જોઈએ. તેમની પાસે પૂજા-પાઠ ન કરાવવાં જોઈએ. રામે શબરીના એઠા બોર ખાધા હતા, અમારે ત્યાં કોઈ ખાઈને બતાવે. તેમણે વધુમાં કહ્યું હતું કે સવર્ણ અને ઉચ્ચ જાતિના લોકો ભારતના મૂળ વતની નથી, તેઓ બહારના છે.
ભારતમાં બે જાતિના લોકો જ છે, એક અમીર અને બીજી ગરીબ
લોકમાન્ય તિલક અને પંડિત જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે માત્ર પછાત, આદિવાસી અને દલિત જ ભારતના મૂળ રહેવાસી છે. મોટા અને ઉચ્ચ જાતિના કહેવાતા લોકો બહારના છે, તેઓ આપણા દેશના વતની નથી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આપણા ભારતમાં બે જાતિના લોકો જ છે. એક- અમીર અને બીજી- ગરીબ. અમીરનો દીકરો ખાનગી શાળામાં શિક્ષણ મેળવે છે અને ગરીબનો દીકરો સરકારી શાળામાં ભણે છે.
સમાન શિક્ષણ વ્યવસ્થા પર પણ ભાર મૂક્યો હતો
આજે સરકારી શાળાઓની હાલત એવી છે કે શિક્ષકો 12 વાગે આવે છે અને 2 વાગે જતા રહે છે. તો ગરીબ બાળક કેવી રીતે ભણશે? પૂર્વ સીએમએ ન્યાયતંત્રમાં અનામતની સાથોસાથ સમાન શિક્ષણ વ્યવસ્થા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકો બાબા ભીમરાવ આંબેડકરના શબ્દોને યાદ રાખે છે, પરંતુ એનું યોગ્ય રીતે પાલન કરતા નથી. જે નારો બાબાસાહેબે આપ્યો હતો, એને આત્મસાત્ કરીને આગળ વધવાની જરૂર છે.
માંઝી અવારનવાર રામ પર વિવાદાસ્પદ નિવેદનો આપતા રહ્યા છે
હિન્દુસ્તાન આવામ મોરચા (હમ)ના સુપ્રીમો માંઝીના ભગવાન રામ, હિન્દુ ધર્મ અને બ્રાહ્મણો પરનાં નિવેદનોનો મામલો નવો નથી. આ પહેલાં પણ તેઓ ઘણી વખત આવાં નિવેદનો આપી ચૂક્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ તેમના આવા એક નિવેદન બાદ મોટો હોબાળો થયો હતો. બાદમાં તેમણે પટનામાં બ્રાહ્મણ ભોજનના એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શરત એ હતી કે એ જ બ્રાહ્મણો જમશે જેમણે ક્યારેય કોઈ 'પાપ' કર્યું ન હોય. NDA ગઠબંધનમાં માંઝીના આ નિવેદનને હળવાશથી લેવામાં આવ્યું ન હતું. ભાજપ સહિતના પક્ષોએ તેમને ઈશારામાં જ સલાહ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.