પાલતું જાનવરોને વિકૃતિથી મારવા અને મારી નાખવાના કેસ વધી રહ્યા છે. આવો જ એક કેસ રાજસ્થાનના ભરતપુરમાં જોવા મળ્યો છે. અહીં એક વ્યક્તિએ ખૂબ નાની વાતે પાળેલા કૂતરાને મારી નાખ્યો છે. આ ઘટનાનો હચમચાવી દે એવો વીડિયો સામે આવ્યો છે. ઘટના કોતવાલી પોલીસ સ્ટેશનની છે. કૂતરાના માલિકે આરોપી સામે ફરિયાદ દાખલ કરાવી છે.
દોરડું બાંધીને જોરથી પછાડ્યો
ઘટના ભરતપુર શહેરના કોડિયાનની છે. અહીં રહેતા બાબુલાલની દીકરી સિદ્ધિ તેમના પાળેલા કૂતરાને રાતે 10 વાગે ઘરના ગેટ પાસે ખાવાનું ખવડાવતી હતી. સિદ્ધિ કૂતરાને ખવડાવ્યા પછી એનાં વાસણો અંદર મૂકવા ગઈ હતી. એટલી જ વારમાં સોસાયટીમાં રહેતો શખસ અજય ત્યાં આવ્યો. અજય પોતાની પાસે એક દોરડું પણ લઈને આવ્યો હતો. તેણે કૂતરાના ગળામાં દોરડું બાંધ્યું અને તેને જમીન પર પછાડવાનું શરૂ કરી દીધું. અજયે કૂતરાને અંદાજે 4 વાર જમીન પર પછાડ્યું અને એનું ત્યાં જ મોત થઈ ગયું હતું.
જ્યારે આજુબાજુના લોકોએ અજયને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેણે પડોશીઓને ગંદી ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. કૂતરાના મોત પછી તેનો માલિક બાબુલાલ રાતે કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આજે સવારે તેમની ફરિયાદ નોંધી લેવામાં આવી છે. જોકે હવે આરોપી અજય ક્યાંક ભાગી ગયો છે. પોલીસ તેને શોધી રહી છે.
કૂતરાને માર્યા પછી કહ્યું- મને જોઈને ભસતો હતો
જ્યારે પડોશીઓએ અજયને કૂતરાને મારવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે જ્યારે સોસાયટીમાં એન્ટ્રી લેતો ત્યારે કૂતરો તેને જોઈને ભસતો હતો. એ મને જોઈને ભસે છે, એટલે હું એને મારી જ નાખીશ. પડોશીઓએ અજયને રોકવાનો પ્રયત્ન કર્યો તો તે તેમની સાથે પણ લડવા માટે તૈયાર થઈ ગયો હતો. પડોશીઓ રોકતા હતા ત્યારે તેણે કહ્યું, હજી આ નથી મર્યો, હું એને મારીને જ રહીશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.