રાજસ્થાનના અલવર જિલ્લાના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ફોર સીટર ઈલેક્ટ્રિક કાર તૈયાર કરી છે. દેખાવમાં એ ગોલ્ફ કાર જેવી છે. દેશ અને દુનિયામાં ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ ઈલેક્ટ્રિક કાર બનાવી બજારમાં ઉતારી ચૂકી છે. યુવાનોએ બનાવેલી આ કાર અન્ય કારની તુલનામાં ખૂબ જ સસ્તી છે. વધતા પેટ્રોલ-ડીઝલના ભાવો અને પર્યાવરણ પ્રદૂષણના ભયને ધ્યાનમાં લઈને આ વિદ્યાર્થીઓએ આ કાર બનાવી છે.
અલવર સ્થિત લક્ષ્મી દેવી ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી કોલેજના વિદ્યાર્થીઓની ટીમે આ કાર 75 હજારની કિંમતે તૈયાર કરી છે. ખાસ બાબત એ છે કે આ કાર વીજળીથી ચાર્જ થવાની સાથે-સાથે સોલર એનર્જીથી પણ ચાલી શકે છે. કાર એકવારમાં ફુલ ચાર્જમાં તૈયાર થઈ જાય તો 100થી 100KM સુધી ચાલી શકે છે. પ્રોજેક્ટના ટીમ લીડર અંકિત કુમારે જણાવ્યું હતું કે આ કારને 7 વિદ્યાર્થીઓએ મળીને તૈયાર કરી છે. પ્રોજેક્ટ પૂરો કરવા 5 મહિનાનો સમય લાગ્યો હતો.
સ્માર્ટ પાર્કિગનું મોડલ બનાવી રહ્યા હતા, HODએ કહ્યું હતું કે ભવિષ્યને વિચારી કંઈક મોટું કરો
ગ્રુપ લીડર અંકિત કુમાર અલવરિયાએ જણાવ્યું હતું કે પહેલાં તો તેમની ટીમ એક સ્માર્ટ પાર્કિગનું નાનું મોડલ તૈયાર કરવાના હતા જેથી ફટાફટ પ્રોજેક્ટ પૂરો કરી શકે અને કોર્સ પતી જાય, પરંતુ કોલેજના HOD રજનીશ કુમાર મિત્તલે વિદ્યાર્થીઓને કંઈક મોટું અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને કઈંક બનાવવાની સલાહ આપી. તેમણે કહ્યું, આજે દુનિયામાં સૌથી વધુ ચાલતો જે મુદ્દો છે એ મુદ્દાને સોલ્વ કરવા કંઈક બનાવવામાં આવે. મિત્તલ સરની વાત અને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના પડકારને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક કાર બનાવવાનો નિર્ણય કર્યો.
ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલથી હટીને લોકો સોલર એનર્જીનો ઉપયોગ કરશે
વિદ્યાર્થીઓના ગાઈડ પ્રોફેસર સોનુ મનધેરનાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઝડપથી વધી રહી છે. એક સમય એવો આવશે કે જ્યારે નેચરલ ઈંધણ સમાપ્ત થઈ જશે. ત્યારે લોકો ભવિષ્યમાં સોલર એનર્જી અને વીજળીથી ચાલવાવાળી ગાડીઓ વખુ વાપરશે. વર્તમાનમાં આની શરૂઆત પણ થઈ ગઈ છે. ભારત સહિત બીજા દેશોમાં પણ લોકો ઈલેક્ટ્રિક ગાડાઓ ખરીદી રહ્યા છે. જયપુરમાં પણ મોટી સંખ્યામાં લોકો ઈલેક્ટ્રિક ગાડીઓ લેવાની પસંદ કરી રહ્યા છે.
શું હોય છે ગોલ્ફ કાર
4-6 સીટર લાઇટ વેઇટ કાર ગોલ્ફ ફિલ્ડ, ક્રિકેટ ફિલ્ડ અથવા અન્ય રમતમાં મોટા મેદાનમાં આ પ્રકારની કાર હોય છે. આ કારમાં કોઈ ગિયર નથી, ક્લ્ચ નથી, એ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે. આ કારમાં 4-5 લોકો બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. ગોલ્ફ ગેમ્સમાં આ કારનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
કાર બનાવનારી ટીમ
તેમની ટીમમાં ગ્રુપ લીડર અંકિત કુમાર ઉપરાંત મોહિત મીણા, મનોજ વર્મા, નવાન ડબાસ, ગૌરવ કુમાર, મનોજ સાયની અને શ્વેતા સેરવાલનો પણ સમાવેશ થાય છે. તે બધા કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.