રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ મસ્જિદો પરથી લાઉડસ્પીકર ઉતારવા માટે હવે પોલીસને ધમકી આપી છે. પાર્ટીએ સુપ્રીમ કોર્ટના આદેશની વાત કરીને પુણે પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો છે. તેમાં કહ્યું છે કે, મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારીને તેને જમીન પર મુકો. મૌલાનાઓ પાસે સહમતી પત્ર લો. નહીં તો મનસે પોલીસ સ્ટેશનની સામે હનુમાન ચાલીસા વાંચીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે.
પત્રમાં મનસેએ આવું કહ્યું
પુણે મનસે તરફથી જાહેર કરવામાં આવેલા એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે, લાઉડસ્પીકર એક સામાજિક મુદ્દો છે અને અમે ધાર્મિક તિરાડ ઉભી કરવા નથી માંગતા. અમે અમારા નિર્ણય પર અડગ છીએ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આ પત્રના માધ્યમથી માંગણી કરે છે કે, આખા શહેરમાં લગભગ 400થી 500 મસ્જિદો છે. લગભગ દરેક મસ્જિદો પર લાઉડસ્પીકર લગાવવામાં આવેલા છે, જે ગરેકાયદે છે. લાઉડસ્પીકર હટાવી દેવા જોઈએ અથવા તેને હંમેશા માટે બંધ કરી દેવા જોઈએ. જેથી આસપાસ રહેતા નાગરિકોને તેમાંથી આવતા મોટા અવાજથી પરેશાન ના થવું પડે.
મનસેએ પત્રમાં આગળ કહ્યું છે કે, અમે અઝાનના વિરોધી નથી. પરંતુ અમે માત્ર એટલું કહેવા માંગીએ છીએ કે લાઉડસ્પીકરમાં અઝાન ના વગાડવી જોઈએ. આ દરેક મસ્જિદોના મૌલવી સાથે વાત કરીને પોલીસે એક લેખીત રિપોર્ટ અમને આપવો જોઈએ. પોલીસે એ પણ જોવું જોઈએ કે તેનાથી કાયદો-વ્યવસ્થા બગડવી ના જોઈએ. રિપોર્ટમાં એ મેસેજ આપવો જોઈએ કે મસ્જિદોમાં લાઉડસ્પીકર પર અઝાન ના વગાડવી જોઈએ.
રાજ ઠાકરે પણ કરી હતી આ માંગણી
મનસે ચીફ રાજ ઠાકરેએ એક પત્રના માધ્યમથી કહ્યું હતું કે, જો મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવી દેવામાં આવશે તો ધાર્મિક કે સામાજિક તિરાડનો કોઈ સવાલ ઉભો નહીં થાય અને મૌલવી અમારી સાથે કાયદાનું પાલન કરશે.
વાતાવરણ ખરાબ કરનાર સફળ ના થયા: રાઉત
શિવસેના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં શાંતિ છે. અમુક લોકો રાજ્યનું વાતાવરણ ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ લોકોએ તેમને જડબા તોડ જવાબ આપ્યો છે. આ વિશે એક નિયમ બનાવવો જોઈએ. રાઉતે આગળ કહ્યું કે, મોંઘવારી દેશમાં સૌથી મોટો મુદ્દો છે. આ વિશે ના તો PM અને ના નાણામંત્રી કે બીજેપીના કોઈ નેતા બોલી રહ્યા છે. તેમને બસ એ વાતની ચિંતા છે કે, મહારાષ્ટ્ર અને પંજાબની પોલીસ શું કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.