વાવાઝોડું તાઉ-તે બાદ દેશમાં હવે ચક્રવાત 'યાસ' વાવાઝોડુંનો ભય તોળાઈ રહ્યો છે. એ બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારા પર ત્રાટકશે. આ પહેલાં આજથી ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે ભુવનેશ્વર, ઓડિશાના ચાંદીપુર અને બંગાળના દિધામાં વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને લઈને બિહાર અને ઝારખંડમાં પણ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.
'યાસ' સોમવારની રાતથી ખતરનાક થવાનું શરૂ થઈ ગયું છે. આ અસરને કારણે આજે બંગાળમાં મેદિનીપુર, 24 પરગના અને હુગલીમાં પણ વરસાદ પડી શકે છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ પૂર્વ મેદિનીપુર અને દિધાના કેટલાક વિસ્તારો સોમવારે જ ખાલી કરાવી લેવામાં આવ્યા હતા.
165 કિ.મી. કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે
યાસ વાવાઝોડું બુધવારે પારાદીપ અને સાગર આઇલેન્ડ વચ્ચે ત્રાટકશે એવી સંભાવના છે. આ અસરને કારણે પવન 165 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે અને 2 મીટરથી 4.5 મીટર સુધી મોજાં ઊછળી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે દરિયાકાંઠે ત્રાટકતાં પહેલાં યાસ ખૂબ જોખમી હોઈ શકે છે. દરિયાકાંઠાથી પસાર થયા પછી બુધવારે બપોર સુધીમાં એની અસરમાં વધુ વધારો થવાની સંભાવના છે.
ઓડિશાના 6 જિલ્લાએ હાઇ રિસ્ક ઝોન જાહેર
યાસ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રાહત ટીમો તહેનાત કરવામાં આવી છે. એરફોર્સ અને નેવી પણ તેમનાં કેટલાંક હેલિકોપ્ટર અને બોટને રાહતકાર્ય માટે રાખવામાં આવી છે. વાવાઝોડા મુદ્દે ઓડિશાના બાલાસોર, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંઘપુર, મયૂરભંજ અને કેઓનઝાર જિલ્લાઓને હાઇ રિસ્ક જાહેર કરવામાં આવ્યા છે.
બંગાળમાં 10 લાખ લોકો સલામત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે
યાસ વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવડા, હુગલીમાં બુધવારે 70-80 કિમી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર અને દક્ષિણ 24 પરગનાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 90થી 100 કિમી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ ઝડપ 120 કિમી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે યાસની અસર અમ્ફાન વાવાઝોડા કરતાં પણ વધુ હશે.
બિહારના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
યાસ વાવાઝોડાને લઈને બિહાર અને ઝારખંડમાં પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ પટનાએ સોમવારે કહ્યું હતું કે આગામી 2-3 દિવસમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 27 અને 28 મેના રોજ ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આ તરફ ઝારખંડમાં યાસ અંગે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના દક્ષિણ અને કેન્દ્રીય વિસ્તારોમાં બુધવારે અને ગુરુવારે ભારે વરસાદ પડી શકે છે. પૂર્વ સિંઘભૂમ અને રાંચી જિલ્લામાં NDRFની ટીમો પણ તહેનાત કરવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહે કરી સમીક્ષ
ચક્રવાત યાસને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે તૈયારીઓની સમીક્ષા કરી હતી. વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નર સામેલ થયા હતા. ગૃહમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને રાજ્યોની સાથે દરેક શક્ય રીતે સહયોગ કરવામાં આવે એ આદેશ આપ્યો હતો અને વધુ જોખમ ધરાવતા વિસ્તારોથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.