• Gujarati News
  • National
  • Railway Said You Are Role Model Of Millions Of People, Wrong Message Will Go To Them... Don't Do This

સોનુ સૂદે ટ્રેનના દરવાજા પાસે બેસીને મુસાફરી કરી:રેલવેએ કહ્યું- તમે લાખો લોકોના આદર્શ છો, તેમને ખોટો મેસેજ જશે... આવું ન કરો

એક મહિનો પહેલા

એક્ટર સોનુ સૂદને ઉત્તર રેલવેએ ટ્રેનના દરવાજા પાસે બેસીને મુસાફરી કરવા બદલ ઠપકો આપ્યો છે. રેલવેએ કહ્યું હતું કે એ ખતરનાક બની શકે છે. મહેરબાની કરીને આવું ન કરો, કારણ કે એનાથી લોકોને ખોટો મેસેજ જશે.

સોનુ સૂદે 13 ડિસેમ્બરે ટ્વિટર અને ફેસબુક પર એક વીડિયો શેર કર્યો હતો. બોલિવૂડનું પ્રખ્યાત ગીત 'મુસાફીર હૂં યારોં...' બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું હતું અને સૂદ ટ્રેનના ફૂટરેસ્ટ પર બેઠેલો જોવા મળ્યો હતો.

રેલવેએ સૂદને રોલમોડલ ગણાવ્યો
ઉત્તર રેલવેએ 3 જાન્યુઆરીએ સૂદના ટ્વીટને રી-ટ્વીટ કરીને કહ્યું હતું કે પ્રિય સોનુ સૂદ, તમે દેશ અને દુનિયાના કરોડો લોકો માટે રોલમોડલ છો. ટ્રેનનાં પગથિયાં પાસે બેસીને મુસાફરી કરવી ખતરનાક છે, આ પ્રકારનો વીડિયો તમારા ચાહકોને ખોટો સંદેશ મોકલી શકે છે. મહેરબાની કરીને આ ન કરો. સરળ અને સલામત મુસાફરીનો આનંદ માણો.

લાખો લોકોએ આ વીડિયો જોયો
સોનુનો વીડિયો ટ્વિટર પર 6 લાખથી વધુ લોકોએ જોયો છે. સેંકડો લોકોએ રી-ટ્વીટ કર્યું છે. ફેસબુકમાં આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ જોયો છે અને 4 હજારથી વધુ લોકોએ કોમેન્ટ કરી છે. કેટલાક લોકોએ તેને ટિપ્પણીઓમાં સાવચેત રહેવા પણ કહ્યું છે.

કોરોનામાં દેવદૂત બન્યો હતો સોનુ સૂદ

કોરોનાકાળ દરમિયાન લાખો લોકોને સોનુ સૂદે મદદ કરી હતી અને હજી પણ અનેક રીતે જરૂરિયાતમંદોને તે મદદ કરે છે. સોનુ સૂદે થોડા સમય પહેલા જ મુંબઈના કામ કરતા શ્રમિકોને કર્ણાટક તેમના ઘરે જવાની વ્યવસ્થા કરી આપી હતી. હવે, તેણે શ્રમિકોને ઉત્તરપ્રદેશ, બિહાર તથા ઝારખંડ જવાની વ્યવસ્થા કરી આપી હતી.

તે માસ્ક તથા ગ્લવ્ઝ સાથે શ્રમિકોને મળવા આવ્યો હતો. તેણે તમામ રાજ્યોમાંથી યોગ્ય પરવાનગી લીધી હતી અને ત્યાર બાદ જ શ્રમિકોને બસમાં રવાના કર્યા હતા. મુંબઈના વડાલા વિસ્તારથી યુપીના લખનઉ, હરદોઈ, પ્રતાપગઢ તથા સિદ્ધાર્થનગર સહિત રાજ્યનાં વિવિધ શહેરો તથા બિહાર અને ઝારખંડ માટે બસ રવાના કરી હતી. આ કામમાં સોનુની ખાસ મિત્ર નીતિ ગોયલે તેને સાથ આપ્યો હતો.

કોરોનાકાળમાં સોનુ સૂદે અનેકને મદદ કરી હતી
કોરોનાકાળમાં સોનુ સૂદે અનેકને મદદ કરી હતી

લોન લઈને મદદ કરી
એક અહેવાલ પ્રમાણે, સોનુ સૂદે જુહુસ્થિત કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બે દુકાન તથા શિવ સાગર કો-ઓપરેટિવ હાઉસિંગમાં આવેલા છ ફ્લેટ ગીરવી મૂક્યા હતા. આ બિલ્ડિંગ જુહુના ઈસ્કોન મંદિર નજીક એબી નાયર રોડ પર આવેલું છે. સોનુ સૂદે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાંથી 10 કરોડ રૂપિયાની લોન લીધી હતી. 15 સપ્ટેમ્બરના રોજ એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવ્યો હતો અને 24 નવેમ્બરના રોજ રજિસ્ટ્રેશન થયું હતું. ડોક્યુમેન્ટ્સ પ્રમાણે, સોનુ સૂદે 10 કરોડની લોનની રજિસ્ટ્રેશન ફી માટે પાંચ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ સંપત્તિ સોનુ સૂદ તથા તેની પત્ની સોનાલીના નામે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે રિયલ એસ્ટેટ એક્સપર્ટના મતે, હોમ લોન કરતાં પ્રોપર્ટી લોનનો વાર્ષિક દર 12-15 ટકા હોય છે. સામાન્ય રીતે આ લોન 10-15 વર્ષની હોય છે.

સ્પાઈસજેટ દ્વારા સોનુ સૂદને અનોખી સલામી અપાઈ હતી

એરલાઇન્સ કંપનીએ સોનુની સેવા બિરદાવવા આ રીતે તેને સન્માન આપ્યું હતું
એરલાઇન્સ કંપનીએ સોનુની સેવા બિરદાવવા આ રીતે તેને સન્માન આપ્યું હતું

કોરોનાકાળમાં લાખો પ્રવાસી મજૂરો અને જરૂરિયાતવાળાને બસ, ટ્રેન અને પ્લેનથી પોતાના ઘર સુધી મફતમાં પહોંચાડવામાં મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ અનેક લોકો માટે મસીહા સાબિત થયો હતો. લોકડાઉન દરમિયાન તેણે પ્રવાસી મજૂરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં ન માત્ર મદદ કરી, પરંતુ લોકો માટે રહેવા-ખાવાની પણ સગવડ કરી હતી. સોશિયલ મીડિયા પર લોકોના એક ટ્વીટ પર તે મદદ માટે દોડી જતો હતો. સોનુ સુદના સારા કામને બદલે વિશ્વભરના લોકોએ તેની પ્રશંસા પણ કરી હતી. એક એરલાઇન્સ કંપનીએ સ્પેશિયલ રીતે સોનુ સુદનો આભાર માન્યો હતો.

સ્થાનિક એરલાઇન્સ કંપની સ્પાઈસ જેટે સોનુ સૂદને સેલ્યૂટ કરતા પોતાની કંપનીના બોઈંગ 737 પર તેની એક મોટી તસવીર લગાવી છે. આ તસવીરની સાથે સોનુ માટે અંગ્રેજીમાં એક ખાસ પંક્તિ પણ લખી છે- 'અ સેલ્યૂટ ટૂ ધ સેવિઅસ સોનુ સૂદ' એટલે કે 'મસીહા સોનુ સૂદને સલામ.'

અન્ય સમાચારો પણ છે...