કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે આ સંબંધમાં શુક્રવારે એક પત્ર જાહેર કર્યો છે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે ગુરુવારે તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. તેઓ વાયનાડથી લોકસભાના સભ્ય હતા. રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકની સભામાં મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, તમામ ચોરોની સરનેમ મોદી કેમ હોય છે.
આ કેસમાં સુરત કોર્ટે તેમને સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે 2013માં ચુકાદો આપ્યો હતો કે જો કોઈ જનપ્રતિનિધિ, જેમ કે ધારાસભ્ય અથવા સાંસદને બે વર્ષ કે તેથી વધુની સજા થશે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પ્રતિનિધિ ઉચ્ચ અદાલતમાં સજા વિરુદ્ધ અપીલ કરશે તો આ નિયમ લાગુ નહીં થાય.
લોકસભા સચિવાલયે પત્ર જાહેર કર્યો હતો...
હવે આગળ શું, 3 મહત્ત્વના પોઈન્ટ
1. લીગલ એક્સપર્ટ અનુસાર, લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદીય સીટ વાયનાડને ખાલી જાહેર કરી છે. ઈલેક્શન કમિશન હવે આ સીટ પર ચૂંટણીની જાહેરાત આપી શકે છે. દિલ્હીમાં રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા પણ કહેવામાં પણ આવી શકે છે.
2. જો રાહુલ ગાંધીની સજાનો ચુકાદો ઉપરી અદાલત યથાવત્ રાખે છે તો તેઓ આવવારાં 8 વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડી શકે. 2 વર્ષની સજા ભોગવ્યા પછી તેઓ છ વર્ષ માટે અયોગ્ય રહેશે.
3. રાહુલ ગાંધી હવે સુરત કોર્ટના ચુકાદાને પડકારી શકે છે. કોંગ્રેસે એ કાર્યવાહીની કાયદેસરતા પર પણ સવાલ ઉઠાવ્યા છે કે ચૂંટણીપંચ સાથે પરામર્શ કરીને માત્ર રાષ્ટ્રપતિ જ સાંસદને ગેરલાયક ઠેરવી શકે છે.
સુરત કોર્ટ વિરુદ્ધ અપીલ માટે 30 દિવસનો સમય મળ્યો હતો
સુરત કોર્ટના ચુકાદા વિરુદ્ધ રાહુલ ગાંધીને અપીલ દાખલ કરવા માટે 30 દિવસનો સમય મળ્યો હતો. રાહુલ ગાંધીના વકીલે પણ કહ્યું હતું કે અમે આ ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટ જઈશું. હાલ રાહુલ તરફથી હાઇકોર્ટમાં કોઈ અપીલ કરવામાં આવી નથી.
હવે જાણીએ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા કેમ રદ થઈ
2019 લોકસભાની ચૂંટણી પહેલાં કર્ણાટકના કોલારમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું, 'ચોરોની સરનેમ મોદી છે. તમામ ચોરોની સરનેમ મોદી કેમ હોય છે, ભલે તે લલિત મોદી હોય કે નીરવ મોદી.'
આ પછી સુરત પશ્ચિમના ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. તેમનું કહેવું હતું કે ગાંધીએ અમારા આખા સમાજને ચોર કહ્યા છે અને આ અમારા સમાજની માનહાનિ છે. આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી ત્રણ વખત કોર્ટમાં હાજર થયા હતા. છેલ્લી વખતે ઓક્ટોબર 2021માં કોર્ટમાં હાજર થયા હતા એ દરમિયાન તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.
તેમના વકીલ અનુસાર, 'રાહુલે કહ્યું હતું કે મારો ઈરાદો ખોટો નહોતો. મેં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉપાડ્યો હતો.'
રાહુલ ગાંધીના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા છે. તેમણે જામીન પણ આપ્યા અને હાઈકોર્ટમાં અપીલ કરવાની તક આપવા માટે 30 દિવસ માટે સજાને સ્થગિત કરી.
રાહુલની સદસ્યતા રદ થવા પર મંત્રીઓનાં નિવેદન...
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર: નેશનલ હેરાલ્ડ ભ્રષ્ટાચારના કેસમાં જામીન પર છૂટેલા રાહુલ ગાંધીને સંસદમાં સત્યથી ભાગવાની આદત છે. મને લાગે છે કે રાહુલ પોતાને સંસદ, કાયદા અને દેશથી પર માને છે. તેમને લાગે છે કે ગાંધી પરિવાર કંઈપણ કરી શકે છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ: અમે આ લડાઈને કાયદાકીય અને રાજકીય બંને રીતે લડીશું. અમે ડરીને કે ચૂપ નહીં બેસીએ. પીએમને સંડોવતા અદાણી મહામેગા કૌભાંડમાં JPCને બદલે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. ભારતીય લોકશાહીને ઓમ શાંતિ.
કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે: ભાજપે રાહુલને ગેરલાયક ઠેરવવા માટે તમામ પદ્ધતિઓ અજમાવી. જેઓ સાચું બોલે છે તેને તેઓ પસંદ નથી કરતા, પરંતુ અમે સાચું બોલતા રહીશું. રાહુલનું નિવેદન કોઈ સમાજ સાથે સંબંધિત નથી, જે લોકો પૈસા લઈને ભાગ્યા, લલિત મોદી, નીરવ મોદી અને વિજય માલ્યા, શું તેઓ પછાત સમાજના હતા?
રાહુલ ગાંધી પર માનહાનિના 4 અન્ય કેસ ચાલી રહ્યા છે, જેના પર ચુકાદો બાકી
1. 2014માં રાહુલ ગાંધીએ સંઘ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો હતો. એક સંઘ કાર્યકર્તાએ રાહુલ પર IPCની કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ કેસ મહારાષ્ટ્રના ભિવંડી કોર્ટમાં ચાલી રહ્યો છે.
2. 2016માં રાહુલ ગાંધી વિરુદ્ધ આસામના ગુવાહાટીમાં કલમ 499 અને 500 હેઠળ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદકર્તા અનુસાર, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 16મી સદીના આસામના વૈષ્ણવ મઠ બરપેટા સતરામાં સંઘ સભ્યોએ તેમને પ્રવેશ આપવા દીધો નહોતો. આનાથી સંઘની છાપ બગડી હતી. આ કેસ પણ કોર્ટમાં પેન્ડિંગ છે.
3. 2018માં રાહુલ ગાંધી વિરુદ્ધ ઝારખંડની રાજધાની રાંચીમાં એક નવો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ રાંચીની સબ-ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે. રાહુલ વિરુદ્ધ IPC ધારા 499 અને 500 હેઠળ 20 કરોડ રૂપિયાની માનહાનિ કેસ દાખલ છે. આમાં રાહુલના એ નિવેદન પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જેમાં તેમણે 'મોદી ચોર છે' કહ્યું હતું.
4. 2018માં જ રાહુલ ગાંધી પર મહારાષ્ટ્રમાં એક માનહાનિનો કેસ દાખલ થયો હતો. આ કેસ મઝગાંવ સ્થિત શિવરી કોર્ટમાં દાખલ છે. રાહુલ પર આરોપ છે તે તેમણે ગૌરી લંકેશની હત્યાને BJP અને સંઘની વિચારધારા સાથે જોડી.
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી
રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન અને અદાણી મુદ્દે JPC તપાસની માગને લઈને સંસદનાં બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સ્થગિત કરવી પડી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ કરતાં જ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. આ પછી સ્પીકરે કહ્યું હતું કે ગૃહમાં કાર્યવાહી ચાલે એ માટેના મારા પ્રયાસ છે, પણ ભારે હોબાળાને કારણે તેમણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
આ તરફ રાજ્યસભામાં પણ હોબાળાને કારણે કાર્યવાહી બપોરે 2.30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. શુક્રવારે સવારે વિપક્ષની પાર્ટીએ રાહુલ મામલે બેઠક કરી હતી. તેમની માગ છે કે અદાણી મામલે જેપીસી તપાસ કરાવવામાં આવે. આ તરફ કોંગ્રેસે રાષ્ટ્રપતિ પાસે મુલાકાત કરવા માટેનો સમય માગ્યો છે. કોંગ્રેસ શુક્રવારે વિજયચોક સુધી પદયાત્રા કરી છે. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંજે 5 વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે, જેમાં તમામ રાજ્યોના અધ્યક્ષ અને દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.
રાહુલ ગાંધીની સજા મામલે 2 નિવેદન...
1. ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાઃ રાહુલ ગાંધીનો અહંકાર ઘણો મોટો છે અને સમજણ ખૂબ ઓછી છે. પોતાના રાજકીય લાભ માટે તેમણે સમગ્ર OBC સમાજનું અપમાન કર્યું છે. તેમને ચોર કહ્યા. સમગ્ર OBC સમાજ લોકતાંત્રિક રીતે રાહુલના આ અપમાનનો બદલો લેશે.
2. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેઃ ભાજપ લોકોને મુદ્દા પરથી હટાવવા માટે આવી વાતો કરી રહ્યો છે. આ દેશના રૂપિયા લઈને કોણ ભાગી ગયું? SBI અને LIC પાસેથી રૂપિયા લઈને કોણ ધનવાન બન્યું ? આનો જવાબ આપો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.