• Gujarati News
  • National
  • Rahul Gandhi Said, "Corona Vaccine Is The Priority Of The People. The Answer To The Relevant Question Is Not The Paracetamol Pill Found On This Counter."

વેક્સિન મુદ્દે વિવાદ:રાહુલ ગાંધીએ કહ્યું- જનતાની પ્રાથમિકતા કોરોના વેક્સિન છે, સંબિત પાત્રાનો જવાબ- આ કાઉન્ટર ઉપર મળતી પેરાસિટામોલની ગોળી નથી

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાહુલા ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી સતત સરકારની વેક્સિનેશન પોલિસી પર સવાલ ઉઠાવી રહ્યા છે.- ફાઇલ - Divya Bhaskar
રાહુલા ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી સતત સરકારની વેક્સિનેશન પોલિસી પર સવાલ ઉઠાવી રહ્યા છે.- ફાઇલ
  • માત્ર વેક્સિન સર્ટિફિકેટ પર PM મોદીનો ફોટો છે, બાકીની બધી જવાબદારી રાજ્યો પર ઢોળી દેવામાં આવી
  • દેશની માત્ર 11% વસ્તીને જ વેક્સિનનો પ્રથમ ડોઝ અને 3% વસ્તીને વેક્સિનનો બીજો ડોઝ મળ્યો

વેક્સિનેશનના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ વધી રહ્યું છે. ગુરુવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, 'કેન્દ્ર સરકારની પ્રાથમિકતા સોશિયલ મીડિયા અને તેના પર પોતાની ખોટી ઇમેજ બનાવવી છે. જ્યારે જનતાને આ સાથે કંઈ લેવાદેવા નથી. જનતાની પ્રાથમિકતા રેકોર્ડ તોડ મોંઘવારીથી મુક્તિ મેળવવાની અને કોરોનાની વેક્સિન લેવાની છે. તેમણે સરકારને પૂછ્યું કે આ કેવા અચ્છે દિન છે?

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા રાહુલના નિવેદનની પ્રતિક્રિયા આપવામાં આવી છે. પાત્રાએ કહ્યું, 'અરવિંદ કેજરીવાલ અને કેટલાક નેતાઓ દરરોજ પ્રશ્નો પૂછી રહ્યા છે, પણ યાદ રાખો કે આ વેક્સિન છે. કાઉન્ટર ઉપર મળતી કોઈ સાધારણ પેરાસિટામોલની ગોળી નથી કે તમે ગયા, ઉપાડી અને લઈને ચાલ્યા જાઓ. કેન્દ્ર સરકારે ભારતમાં વેક્સિન આવે તે માટે એપ્રિલમાં જ કાયદાઓને સરળ બનાવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત બાયોટેકનો માત્ર એક પ્લાન્ટ હતો, પરંતુ આજે 4 પ્લાન્ટ છે કારણ કે ભારત સરકારે વેક્સિનના ઉત્પાદનમાં વધારો કરવા માટે કામ કર્યું છે. ઉત્પાદનમાં વધારો કરવા માટે PSUsને પરવાનગી આપવામાં આવી છે અને તેઓ કોવેક્સિનના ઉત્પાદનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. દિલ્હીને 45 લાખ 46 હજાર 70 વેક્સિન કેન્દ્ર સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે કંપનીઓ પાસેથી 8 લાખ 17 હજાર 690 ડોઝની વ્યવસ્થા કરી છે. ફક્ત દિલ્હીની ખાનગી હોસ્પિટલોએ અત્યાર સુધીમાં 9 લાખ 4 હજાર 720 ડોઝની વ્યવસ્થા જાતે કરી છે. દિલ્હી સરકાર કરતાં તો વધુ વ્યવસ્થા ખાનગી હોસ્પિટલોએ કરી છે.

પ્રિયંકાએ પૂછ્યું હતું- જવાબદાર કોણ?
એક દિવસ અગાઉ બુધવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું 'જવાબદાર કોણ?' નામ દ્વારા અભિયાન ચલાવીને તેમણે કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સરકાર પર એક મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશને વેક્સિનની અછતની ખીણમાં ધકેલી દીધો હતો. સરકારની વેક્સિન નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. સરકારે આ બધાની જવાબદારી લેવી પડશે.

કેન્દ્ર સરકારને પૂછવામાં આવ્યા હતા 3 સવાલ

PM મોદીના નિવેદન મુજબ, તેમની સરકાર ગયા વર્ષે જ વેક્સિનેશનની આખી યોજના સાથે તૈયાર હતી. ત્યારે જાન્યુઆરી 2021 માં માત્ર એક કરોડ 60 લાખ વેક્સિનનો ઓર્ડર કેમ અપાયો? મોદી સરકારે ભારતના લોકોને ઓછી વેક્સિન આપીને, વિદેશમાં વધુ વેક્સિન કેમ મોકલી દીધી? વિશ્વનો સૌથી મોટો વેક્સિન ઉત્પાદક ભારત આજે અન્ય દેશો પાસેથી વેક્સિન માંગવાની સ્થિતિમાં કેમ આવી ગયો છે? સરકાર કેમ તેને એક સિદ્ધિ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે?

સર્ટિફિકેટ પર ફોટો મોદીનો, પરંતુ જવાબદારી રાજયોની
પ્રિયંકાએ કહ્યું હતું કે મોદી સરકારની વેક્સિન પોલિસી દિશાવિનાની હોવાના કારણે આજે દેશની 130 કરોડ જનતામાંથી માત્ર 11% વસ્તીને જ વેક્સિનનો પ્રથમ ડોઝ અને 3% વસ્તીને વેક્સિનનો બીજો ડોઝ મળ્યો છે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી તરફથી વેક્સિન ઉત્સવ જાહેર કર્યા બાદના એક મહીનામાં વેક્સિનેશનમાં 83%નો ઘટાડો થયો છે. આજે કોરોનાના મુશ્કેલીના સમયમાં માત્ર વેક્સિન સર્ટિફિકેટ પર PM મોદીનો ફોટો છે, બાકીની તમામ જવાબદારીઓ રાજ્યો પર ઢોળી દેવામાં આવી છે.