કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉદયપુરમાં કોંગ્રેસના ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોનિયા ગાંધીએ કહ્યું- ભાજપ-કેન્દ્ર સરકાર દેશમાં ભય અને અસલામતીનું વાતાવરણ ઉભું કરી રહી છે. લઘુમતીઓને ડરાવવામાં આવી રહ્યા છે. ધર્મના નામે ધ્રુવીકરણ થઈ રહ્યું છે. લઘુમતીઓ આપણા દેશનાં સમાન નાગરિકો છે. વિવિધતામાં એકતામાં આપણી ઓળખ રહી છે. સોનિયાએ કહ્યું- પાર્ટી અમને ઘણું આપ્યું, હવે ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે.
સોનિયાએ કહ્યું- આજે રાજકીય વિરોધીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઇતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે જેમાં પંડિત નેહરુના દેશ માટે યોગદાન અને બલિદાનને વ્યવસ્થિત રીતે ક્ષીણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ લોકો મહાત્મા ગાંધીના હત્યારાના ગુણગાન ગાઈ રહ્યા છે અને ગાંધીના આદર્શોને નાશ કરી રહ્યા છે.
અસાધારણ પરિસ્થિતિઓનો મુકાબલો અસાધારણ રીતે જ કરો
સોનિયાએ કહ્યું- આજે પાર્ટીની સામે અસાધારણ સંજોગો છે. અસાધારણ પરિસ્થિતિઓનો સામનો ફક્ત અસાધારણ રીતે કરી શકાય છે. દરેક સંગઠને ટકી રહેવા અને આગળ વધવા માટે, તમારે તમારી જાતને પણ અપડેટ કરવી પડશે. આપણે સુધારા કરવાની સખત જરૂર છે.
અમારી નબળાઈ છે કે અમે કામ કરીએ છીએ, માર્કેટીંગ નહીં
રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું- દેશ 70 વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. કોંગ્રેસના સિદ્ધાંતો, નીતિઓ દેશના ડીએનએ જેવા છે. તેઓ કહે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? અમારી નબળાઈ એ છે કે અમે કામ કરીએ છીએ, પરંતુ માર્કેટિંગ કરતા નથી. આ ખોટા ફ્રોડ લોકો છે, કામ ઓછું કરે છે, માર્કેટિંગ વધારે કરે છે. ક્યારેક ગુજરાત મોડલની વાત કરે છે.
રાજસ્થાનના ઉદયપુરમાં શુક્રવારથી કોંગ્રેસનું ત્રણ દિવસીય નવ સંકલ્પ ચિંતન શિબિર શરૂ થઈ છે. કોંગ્રેસનું ચિંતન શિબિર 13 થી 15 મે સુધી ચાલશે. ચૂંટણીમાં સતત હારનો સામનો કરી રહેલી પાર્ટી તેના પુનર્ગઠન અને ધ્રુવીકરણની રાજનીતિનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડાશે. આ શિબિરમાં કોંગ્રેસના 400થી વધુ દિગ્ગજો ભાગ લીધો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ ઉદયપુર પહોંચી ગયા હતા. તેમણે આ મુસાફરી ટ્રેનમાં કરી હતી.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે નવ સંકલ્પ ચિંતન શિબિરમાં અર્થવ્યવસ્થાનું સતત પતન, વધતી જતી આર્થિક અસમાનતા, મોંઘવારી અને કૃષિ ક્ષેત્ર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે ભારતીય ક્ષેત્રમાં ચીનનો પ્રવેશ, અનુસૂચિત જાતિ/જનજાતિ અને લઘુમતીઓના અધિકારો પર હુમલા બાબતની પણ ચર્ચા કરવામાં આવશે.
રાહુલ ગાંધી ટ્રેન દ્વારા ઉદયપુર પહોંચ્યા હતા
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લગભગ 74 નેતાઓ સાથે ઉદયપુર પહોંચવા માટે ગુરુવારે રાત્રે આઠ વાગ્યે દિલ્હીના સરાય રોહિલા રેલવે સ્ટેશનથી ટ્રેન દ્વારા રવાના થયા હતા અને તેઓ શુક્રવારે સવારે ઉદયપુર પહોંચ્યા હતા. મેવાડ એક્સપ્રેસમાં રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓ માટે બે કોચ અગાઉથી તૈયાર કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીની તાજ અરાવલી હોટેલમાં રોકાશે. આ હોટલમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે. જ્યારે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત અન્ય મોટા નેતાઓના રહેવાની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.
કેવો હશે શિબિરનો કાર્યક્રમ?
શુક્રવારે બપોરે લગભગ 2 વાગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંબોધન સાથે ચિંતન શિબિરની શરૂઆત થઈ છે. આ પછી, નેતાઓ વચ્ચે સંવાદ થશે. આ સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે. સમૂહ સંવાદ બીજા દિવસે એટલે કે શનિવારે સવારે 10.30 વાગ્યાથી શરૂ થશે અને લગભગ 2:30 સુધી ચાલશે. આ પછી રાત્રે છ સમિતિઓની બેઠક મળશે. અંતિમ દિવસે 15મીએ સવારે 11 વાગ્યાથી ચિંતન શિબિરના કાર્યક્રમો શરૂ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.