શ્રીનગરમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલો શહેરના ભીડવાળા અમીરા કદલ વિસ્તારમાં થયો છે. હુમલાની જગ્યાથી કોંગ્રેસ ઓફિસ માત્ર 500 મીટરના જ અંતરે આવેલી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હુમલો થયો તેના 2 કલાક પહેલા જ અહીં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. જોકે તે હુમલો થયો તે પહેલા જ બપોરે 12.30 કલાકે ઓફિસથી નીકળી ગયા હતા.
એક અધિકારીએ જણાવ્યું અમીરા કદલ બ્રિજની પાસે ગ્રેનેડ દ્વારા સુરક્ષાદળોને ટાર્ગેટ કરવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે તે રસ્તાની ધાર પર ફાટ્યો હતો. આ હુમલામાં તારિક અહમદ નામનો નાગરિક ઘાયલ થયો છે. CRPFના DIG કિશોર પ્રસાદે કહ્યું બપોરે લગભગ 2.40 વાગ્યે આતંકીઓએ સુરક્ષાદળોના બંકરને ટાર્ગેટ કરીને ગ્રેનેડ ફેંક્યો હતો. હુમલામાં કોઈ પણ સુરક્ષા કર્મચારીને ઈજા પહોંચી નથી.
બે દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે રાહુલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. તેમણે મંગળવારે શ્રીનગરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની સાથે જ અહીં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની માંગ કરી રહી છે.
રાહુલે કહ્યું- કોંગ્રેસ શાંતિ અને પ્રેમ ઈચ્છે છે રાહુલે સરકાર પર આરોપ લગાવ્યો કે વિપક્ષને સંસદમાં ફાર્મ બિલ, જાસૂસી અને બેરોજગરી જેવા અગત્યના મુદ્દા ઉઠાવવાથી રોકવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે BJPએ માત્ર જમ્મુ-કાશ્મીર જ નહિ પરંતુ સમગ્ર દેશમાં કહેર મચાવ્યો છે. રાહુલે કહ્યું કે કોંગ્રેસ અને બીજા પક્ષમાં એ તફાવત છે કે અમે હિંસમાં ભરોસો કરતા નથી. કોંગ્રેસ શાંતિ અને પ્રેમ ઈચ્છે છે.
આ પહેલા રાહુલે ગાંદરબલ જિલ્લાના તુલમુલ્લા ગામમાં સ્થિત ખીર ભવાની મંદિરમાં પુજા કરી હતી. 370 હટાવ્યા પછી રાહુલ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર ગયા છે. મંગળવારે સાંજે તે દિલ્હી પરત ફરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.