• Gujarati News
 • National
 • Rafale Fighter Jets Delivery India; Indian Airforce (IAF) Update | Rafale Fighter Jets To Land In India Today

એરફોર્સની તાકાતમાં વધારો:વધુ 3 રાફેલ ફાઈટર જેટનું આજે ભારતમાં આગમન થશે, UAEની મદદથી એર-ટુ-એર રીફ્યુલિંગ કરાશે

7 મહિનો પહેલા
 • બુધવારના રોજ ભારતીય વાયુસેનામાં 3 રાફેલનો સમાવેશ કરાશે, જેને કારણે દેશ પાસે કુલ 14 રાફેલ જેટ થશે
 • એપ્રિલના બીજા સપ્તાહમાં વધુ 7 રાફેલ દેશમાં આવી શકે છે

ભારતીય વાયુસેના (IAF)ની તાકાતમાં વુદ્ધિ થવા જઈ રહી છે. આજે બુધવારની સાંજે ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાનો ભારત આવી રહ્યાં છે. આ ફાઈટર જેટ ગુજરાતમાં લેન્ડ થશે. ફ્રાન્સથી વિદાય થયાં બાદ એમાં UAEની સહાયતાથી એર-ટુ-એર રીફ્યુલિંગ પણ કરાશે.

ભારતમાં રાફેલની સંખ્યા હવે વધીને 14 થઈ જશે. અત્યારસુધી ફ્રાન્સથી 11 રાફેલ આવ્યાં છે. સમાચાર એજન્સીનાં સૂત્રોના આધારે જાણવા મળ્યું હતું કે એપ્રિલના બીજા સપ્તાહમાં વધુ 7 રાફેલ દેશમાં આવી શકે છે. આ ઉપરાંત રાફેલનું ટ્રેનર વર્ઝન પણ ભારત આવશે.

ત્રણેય રાફેલને અંબાલા ખાતે તહેનાત કરાશે
ત્રણેય નવાં રાફેલને અંબાલામાં તહેનાત કરવામાં આવશે. અહીં રાફેલને પશ્ચિમી સરહદ પર પાકિસ્તાન વિરુદ્ધ ઝડપી કાર્યવાહી હાથ ધરવા માટે તહેનાત કરાશે. રસપ્રદ વાત એ છે કે અંબાલા એરબેઝ ચીનની સરહદથી 200 કિમી દૂર છે. અંબાલામાં 17મી સ્ક્વોડ્રોન ગોલ્ડન એરોઝ રાફેલનો પહેલો સ્ક્વોડ્રોન હશે.

રાફેલ પરમાણુ હુમલો કરવામાં પણ સક્ષમ

 • રાફેલ ડીએચ (ટૂ-સીટર) અને રાફેલ ઇએચ (સિંગલ સીટર) આ બન્ને ટ્વિન એન્જિન, ડેલ્ટા-વિંગ, સેમી સ્ટિલ્થ ક્ષમતાની સાથે ચોથી જનરેશનનાં લડાકુ વિમાનો છે.
 • આ લડાકુ વિમાન માત્ર ઝડપી જ નહીં, પરંતુ પરમાણુ હુમલો કરવા માટે પણ સક્ષમ છે.
 • આ ફાઇટર જેટને રડાર ક્રોસ-સેક્શન અને ઇન્ફ્ર્રા-રેડ સિગ્નેચરની સાથે ડિઝાઈન કરાયું છે. એમાં ગ્લાસ કૉકપિટ પણ છે.
 • એમાં એક કમ્પ્યુટર સિસ્ટમ પણ છે, જે પાયલોટને આદેશ અને નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
 • રાફેલમાં શક્તિશાળી M-88 એન્જિન લગાવાયું છે. રાફેલમાં એડવાન્સ્ડ એવિઓનિક્સ સૂટ પણ છે.
 • વિમાનમાં ઉપલબ્ધ રડાર, ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન સિસ્ટમ અને સેલ્ફ પ્રોટેક્શન ઉપકરણોની કિંમત સમગ્ર વિમાનના કુલ કિંમતના 30%ની છે.
 • આ જેટમાં RBE-2-AA એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે (AESA)રડારથી સજ્જ છે, જે લૉ- ઓબ્ઝર્વેશન ટાર્ગેટને ઓળખવામાં મદદ કરે છે.
 • રાફેલમાં સિન્થેટિક એપરચર રડાર (SAR) પણ છે, જે સરળતાથી જામ થઈ શકતું નથી. જ્યારે એમાં ઉપલબ્ધ સ્પેક્ટ્રા દૂરના ટાર્ગેટને પણ લૉક કરીને લક્ષ્યની શોધને સરળ બનાવે છે.
 • કોઈપણ પ્રકારની ગંભીર પરિસ્થિતિમાં વિમાનનું રડાર વોર્નિંગ રિસીવર, લેઝર વોર્નિંગ અને મિસાઈલ અપ્રોચ વોર્નિંગ સતર્ક થઈ જાય છે અને રડારને જામ થતું અટકાવે છે.
 • રાફેલનું રડાર સિસ્ટમ 100 કિમીના વિસ્તારમાં આવેલાં તમામ લક્ષ્યોને શોધી કાઢવા માટે સક્ષમ છે.
 • રાફેલ પાસે આધુનિક શસ્ત્રો પણ છે, જેમ કે આમાં 125 રાઉન્ડ સાથે 30MMની કેનન છે. તે એક સમયે સાડા 9 હજાર કિલોગ્રામ સુધીનો માલ-સામાન લઈ જઈ શકે છે.

મીટિયર અને સ્કાલ્પ જેવી મિસાઇલોથી સજ્જ
રાફેલ લડાકુ વિમાન જેટ્સ મીટિયર અને સ્કાલ્પ જેવી મિસાઈલોથી પણ સજ્જ છે. મીટિયર એવી અત્યાધુનિક મિસાઈલ છે, જે પોતાના ટાર્ગેટને વિઝ્યુઅલ રેન્જની બહાર પણ હુમલો કરીને ઠાર મારી શકે છે. તેની આ જ ખાસિયતને કારણે મીટિયર આખી દુનિયામાં પ્રખ્યાત છે. મીટિયરની રેન્જ 150 કિમી છે. સ્કાલ્પ ડીપ રેન્જમાં ટાર્ગેટને મારવાની ક્ષમતા ધરાવે છે. સ્કાલ્પ લગભગ 300 કિલોમીટર સુધી એના ટાર્ગેટ પર સટીક નિશાનો સાધીને નાશ કરી શકે છે.

ત્રીજી બેચ જાન્યુઆરીમાં આવી હતી
ભારતે 29 જુલાઈએ 5 રાફેલ લડાકુ વિમાનની પ્રથમ બેચ મેળવી હતી. ત્યાર પછી બીજી બેચમાં 3 રાફેલ લડાકુ વિમાનો 4 નવેમ્બર 2020ના રોજ ભારત આવ્યાં હતાં. ત્રીજા બેચ હેઠળ 27 જાન્યુઆરીના રોજ 3 રાફેલ વિમાનો ભારત આવ્યાં હતાં. આ તમામ વિમાનો સાથે હવાઈદળમાં અત્યારસુધી 11 રાફેલ વિમાનોનો સમાવેશ કરાયો છે. વર્ષ 2016માં 36 રાફેલ જેટ માટે ભારતે ફ્રાન્સ સાથે 58 હજાર કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં 30 લડાકુ વિમાન અને 6 ટ્રેનિંગ એરક્રાફ્ટ વિમાનોનો સમાવેશ કરાયો હતો. ટ્રેનર જેટ ટૂ સીટર હશે અને એમાં ફાઈટર જેટની તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે.