પંજાબ પોલીસે શનિવારે રાજ્યભરમાં ખાલિસ્તાન તરફી સંગઠન 'વારિસ પંજાબ દે' સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું. અત્યાર સુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાત્રે પ્રેસનોટ જાહેર કરીને કહ્યું કે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી નથી, તેની શોધ ચાલી રહી છે. જો કે, બપોરે સૂત્રોના અનુસાર સમાચાર આવ્યા હતા કે લગભગ દોઢ કલાક સુધી પીછો કર્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે.
આ સ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેતા પંજાબના અનેક વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાજ્યના ફાઝિલ્કા અને મુક્તસર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
હાલમાં અમૃતપાલ સિંહ વિરુદ્ધ 3 કેસ નોંધાયેલા છે. જેમાંથી બે અજનાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. પોલીસ ઘણા સમયથી તેની ધરપકડ કરવાની તૈયારી કરી રહી હતી. એવી માહિતી છે કે આજે અમૃતપાલ સિંહ તરફથી જલંધરના શાહકોટ માલસિયામાંથી ખાલસા વહિરને બહાર કાઢવાના હતા. ગુરુદ્વારા સાહિબ ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થઈ રહ્યા હતા. પરંતુ સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તેમના કાફલાનો પીછો કરી રહી હતી. જ્યારે કાફલો શાહકોટ પહોંચ્યો ત્યારે પોલીસ ફોર્સે તેને ઘેરી લીધો હતો.
અમૃતપાલ સિંહની બે ગાડીઓમાં સવાર 6 લોકોએ પકડી લીધા હતા, જ્યારે અમૃતપાલ તેની મર્સિડીઝમાં ભાગી રહ્યો હતો, ત્યારે પોલીસે પીછો કરીને તેને પણ ઝડપી લીધો હતો. પોલીસે તમામ 6 પકડાયેલા આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે.
જલંધર અને મોગા પોલીસની જોઈન્ટ કાર્યવાહી
અત્યારે જાલંધર અને મોગા પોલીસની જોઈન્ટ કાર્યવાહી ચાલી રહી છે. અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે લગભગ 100 ડેટલી ગાડીઓ તેનો પીછો કરી રહી હતી.
સ્થિતિ વધુ બગડવાની આશંકાથી પંજાબમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી. રાજ્યમાં શનિવારે બપોરે 12 વાગ્યાથી રવિવારે બપોરે 12 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ અને બલ્ક SMS સેવાઓ બંધ કરવામાં આવી છે. બીજી તરફ મોહાલીમાં અમૃતપાલની ધરપકડનો વિરોધ શરૂ થઈ ગયો છે. અહીં ચંદીગઢ-મોહાલી બોર્ડર પર ઈન્સાફ મોરચામાં હાજર લગભગ 150 નિહંગ હાથમાં તલવારો અને ડંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા.
અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો
ઉલ્લેખનીય છે કે ગયા મહિને 23 ફેબ્રુઆરીએ ખાલિસ્તાન સમર્થક સંગઠન 'વારિસ પંજાબ દે' સાથે જોડાયેલા હજારો લોકોએ અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. તેઓના હાથમાં બંદૂક અને તલવારો હતી. આ લોકો સંગઠનના વડા અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત સિંહ તુફાનની ધરપકડનો વિરોધ કરી રહ્યા હતા. તેમના હુમલા પછી દબાણમાં આવી ગયેલી પંજાબ પોલીસે આરોપીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.
કોણ છે અમૃતપાલ સિંહ
અમૃતપાલ સિંહ અમૃતસર જિલ્લાના જલ્લુપુર ખેડા ગામનો રહેવાસી છે. તે કામ માટે 2012માં દુબઈ ગયો હતો. સપ્ટેમ્બર 2022માં ત્યાંથી ભારત પરત ફર્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં જ તેમને ખાલિસ્તાની સમર્થક દીપ સિદ્ધુના સંગઠન 'વારિસ પંજાબ દે'નો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.