• Gujarati News
  • National
  • Punjab Congress Leader Rana Says CM Should Convene Cabinet Meeting, BJP Asks Governor DGP To Be Sacked

PMની સુરક્ષામાં ચૂક મુદ્દે પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ:પંજાબ કોંગ્રેસના નેતા રાણાએ કહ્યું- CM કેબિનેટની બેઠક બોલાવે, ભાજપે રાજ્યપાલને કહ્યું- DGPને બરતરફ કરવામાં આવે

ચંદીગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચંદીગઢમાં પંજાબના રાજ્યપાલ બીએલ પુરોહિત સાથે પંજાબ ભાજપના નેતાઓએ મુલાકાત કરી હતી. - Divya Bhaskar
ચંદીગઢમાં પંજાબના રાજ્યપાલ બીએલ પુરોહિત સાથે પંજાબ ભાજપના નેતાઓએ મુલાકાત કરી હતી.
  • CM ચરણજિત ચન્નીએ વડાપ્રધાન​​​​​ની સુરક્ષામાં કોઈ ખામી હોવાનો ઇનકાર કર્યો

પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલામાં પંજાબના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પ્રચાર સમિતિના અધ્યક્ષ સુનીલ જાખડે આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. ત્યાર બાદ પંજાબ સરકારના મંત્રી રાણા ગુરજિતે CM ચરણજિત ચન્નીને કેબિનેટની બેઠક બોલાવવાની માગ કરી છે. ફિરોઝપુરના ધારાસભ્ય પરમિન્દર પિંકીએ આ માટે DGPને જવાબદાર ઠેરવ્યા હતા.

બીજી તરફ, પ્રદેશ અધ્યક્ષ અશ્વિની શર્માના નેતૃત્વમાં ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળવા રાજભવન પહોંચ્યું છે. આ પછી શર્માએ કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક એ કોંગ્રેસનું આયોજિત કાવતરું હતું. તેઓ રાજ્યપાલને મળ્યા હતા અને તેમણે ગૃહરાજ્યમંત્રી તથા ડીજીપીને બરતરફ કરવાની માગ કરી હતી.

મંત્રી અને અધિકારી સાથે કેમ ન ગયા, PMના રૂટની સૂચના કોણે લીક કરી
વડાપ્રધાનના સ્વાગત માટે CM અને 2 ડેપ્યુટી CM ગયા નહોતા. નાણામંત્રી મનપ્રીત બાદલ આવ્યા, પણ PMના કાફલામાં સાથે ગયા નહીં. આ ઉપરાંત સુખ્ય સચિવ અને DGP પણ PMના કાફલામાં ન હતા, જેથી સ્પષ્ટ થાય છે કે બધું જ અગાઉથી જ આયાજિત હતું. PMનો કાફલો ત્યાંથી પસાર થશે, આ બાબતે કોઈએ માહિતી લીક કરી હતી.

મુખ્ય સચિવ અને DGPની સૂચના બાદ જ કાફલો ત્યાંથી નીકળ્યો હતો
પંજાબ ભાજપના નેતા અશ્વિની શર્માએ કહ્યું હતું કે જ્યારે મુખ્ય સચિવ અને DGPએ સૂચના આપી હતી કે રોડ માર્ગે જઈ શકાય છે, માટે કાફલો ત્યાંથી નીકળ્યો હતો. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનના આવવાના એક દિવસ પહેલાં જ મોક ડ્રિલ કરવામાં આવી હતી. જે રીતે વડાપ્રધાનનો કોફલો 20 મિનિટ સુધી રોકાયો અને ત્યાર બાદ પરત ફર્યો, એનાથી જ સ્પષ્ટ થાય છે કે પંજાબ સરકાર વડાપ્રધાનની સુરક્ષા માટે ગંભીર નહોતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે ગૃહમંત્રી અને DGPને તાકીદે બરતરફ કરવાની માગ કરી છે.

પંજાબ સરકારની છબિ ખરાબ થઈ : રાણા ગુરજિત
પંજાબ સરકારમાં ટેક્નિકલ શિક્ષણમંત્રી રાણા ગુરજિતે જણાવ્યું હતું કે દેશના PM કોઈપણ પાર્ટીના હોય, પણ તેમનું અપમાન ન કરવું જોઈએ. લોકો એકઠા થાય કે ના થાય, એ તેમની પાર્ટીનો મુદ્દો છે, પરંતુ વડાપ્રધાનનો રસ્તો રોકવો એ ખોટું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે DGP અને ગૃહમંત્રીએ આ વ્યવસ્થા કરવી જોઈતી હતી. PMનો સુરક્ષિત અને વૈકલ્પિક રૂટ પણ રાખવો જોઈતો હતો. આ બાબતે સુરક્ષામાં ચૂકની જવાબદારી નક્કી હોવી જોઈએ, આથી પંજાબ સરકારની છબિ ખરાબ થઈ છે. આ અંગે CMએ કેબિનેટની બેઠક બોલાવીને આ મુદ્દે વાત કરવી જોઈએ.

ગૃહ મંત્રાલયે માગ્યો રિપોર્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ફિરોઝપુરમાં ચૂંટણી રેલીમાં સંબોધન કરવાના હતા. પીએમના કાફલાને રેલીના સ્થળથી લગભગ 8 કિલોમીટર દૂર ફ્લાય ઓવર પર રોકવો પડ્યો હતો, જ્યાં લગભગ20 મિનિટ સુધી ઊભા રહ્યા હતા. જ્યાં વડાપ્રધાન રોકાયા હતા એ જગ્યા પાકિસ્તાન બોર્ડરથી માત્ર થોડા કિ.મી. જ દૂર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે આ અંગે રિપોર્ટ માગવામાં આવ્યો છે. આવી બેદરકારી સહન કરી શકાય નહીં અને એમાં જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે.

CM ચન્નીએ સુરક્ષામાં ખામી હોવાનો ઇનકાર કર્યો
CM ચરણજિત ચન્નીએ સુરક્ષામાં કોઈ ખામી હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે PMને હવાઈ માર્ગે જવું જોઈતું હતું. તેમણે અચાનક કાર્યક્રમમાં ફેરફાર કરીને રોડ માર્ગે જવાનું નક્કી કર્યું હતું. PM પર કોઈ હુમલો થયો નહોતો. CM ચન્નીએ ઊલટું કટાક્ષ કરતાં કહ્યું હતું કે 70 હજાર ખુરશીઓ લગાવવામાં આવી હતી, પરંતુ માત્ર 700 લોકો જ આવ્યા હતા, જે કારણે રેલી રદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...