• Gujarati News
  • National
  • Punjab Congress Crisis Prashant Kishor Survey Report Also Played Role Against Amarinder Singh

પંજાબમાં PKનો હાથ:કેપ્ટન પાસેથી પંજાબની કેપ્ટનશિપ છીનવવામાં પીકેના સર્વે રિપોર્ટે નિભાવી મહત્ત્વની ભૂમિકા, જાણો શું છે ઇન્સાઇડ સ્ટોરી

એક વર્ષ પહેલા

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની ઘેરાબંધી વચ્ચે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પાસેથી કેપ્ટનશિપ છીનવવામાં સૌથી નિર્ણાયક ભૂમિકા પ્રશાંત કિશોરના એક સર્વેને માનવામાં આવે છે. નોંધનીય છે કે થોડા સમય પહેલાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પંજાબના રાજકારણમાં સલાહકાર તરીકે ભૂમિકા ભજવતા હતા. માનવામાં આવે છે કે પંજાબના રાજકીય વાતાવરણનું આકલન કરીને પીકેની ટીમે ત્રણ દલિત-શીખ વિશેના વિવિધ ત્રણ સર્વે કરીને કોંગ્રેસ હાઇકમાન્ડને સોંપ્યા હતા અને એ રિપોર્ટના આધારે જ કેપ્ટન પાસેથી કેપ્ટનશિપ છીનવવામાં આવી છે.

સિદ્ધુના ખભે બંદૂક ફોડાઈ
પ્રશાંત કિશોર દ્વારા રજૂ કરવામાં આવેલા ફિડબેક રિપોર્ટમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કેપ્ટન મુખ્યમંત્રીનો ચહેરો રહેશે તો પાર્ટીને અમુક પડકારોનો સામનો કરવો પડશે એ દર્શાવવામાં આવ્યું હતું. ફિડબેક રિપોર્ટના આધારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સિદ્ધુ દ્વારા કેપ્ટનનો વિરોધ એ સ્તર સુધી પહોંચાડી દીધો કે અંતે અમરિંદર સિંહે રાજીનામું આપવું પડ્યું હતું.

કેપ્ટન વિરુદ્ધ નારાજગી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ હાઈકમાન્ડે થોડા મહિના પહેલાં સમયાંતરે કેપ્ટન સરકારના પ્રદર્શન વિશે પાર્ટીની ચૂંટણી શક્યતાઓનો સર્વે કરાવ્યો હતો. પંજાબ કોંગ્રેસમાં ખેંચતાણ ચાલતી હતી એ દરમિયાન સિદ્ધુના રાજ્ય અધ્યક્ષ બન્યા પછી પણ એક સર્વે કરવામાં આવ્યો અને એમાં પણ પ્રશાંત કિશોરની ટીમે એક એવો રિપોર્ટ આપ્યો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે એક મોટો વર્ગ કેપ્ટનથી નારાજ છે.
સર્વે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેપ્ટનના રાજશી અંદાજને કારણે પણ તેમની અને સામાન્ય જનતા વચ્ચે અંતર આવ્યું છે. એ ઉપરાંત સર્વેમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે જો કોંગ્રેસ અમરિંદરને હટાવીને કોઈ નવી વ્યક્તિને મુખ્યમંત્રી બનાવશે તો તેઓ આગામી ચૂંટણીમાં જનતાની નારાજગીને અટકાવી શકે છે.

પ્રશાંત કિશોર સાથે ચર્ચા
માનવામાં આવે છે કે આ રિપોર્ટ પછી રાહુલ ગાંધીએ પ્રશાંત કિશોર સાથે બેઠક કરીને તેમની સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હતાં. આ બેઠક પછી જ રાહુલ અને પ્રિયંકાએ કેપ્ટનની વિદાયનો ઈરાદો નક્કી કરી લીધો અને પ્રશાંત કિશોરના રિપોર્ટના આધારે જ કેપ્ટનની મુખ્યમંત્રી તરીકેની ઈનિંગ સમાપ્ત કરવાનું નક્કી કર્યું હતું.
કેપ્ટનવિરોધી રાજકારણને આગળ વધારતાં સિદ્ધુએ પણ નેતૃત્વ તરફથી મળતા ઈશારાને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોને કેપ્ટન વિરુદ્ધ તૈયાર કર્યા અને હસ્તાક્ષર અભિયાન ચલાવવાનો મોરચો સંભાળ્યો. સિદ્ધુએ એવો ગેમ પ્લાન બનાવ્યો કે કેપ્ટને જાતે જ રાજીનામું આપી દીધું.

PKએ જ કેપ્ટનને જીત અપાવી હતી
રસપ્રદ વાત એ છે કે ગઈ વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરે જ કેપ્ટનની ચૂંટણી રણનીતિનું સંચાલન કર્યું હતું અને કોંગ્રેસમાં તેમની જીતમાં મોટી ભૂમિકા નિભાવી હતી. ત્યાર પછીથી જ કેપ્ટન પીકેને તેમના મિત્ર જેવો માનવા લાગ્યા હતા. બંને વચ્ચેના સંબંધો પણ ઘણા સારા હતા. પ્રશાંત કિશોરને કેબિનેટ રેન્ક આપીને કેપ્ટને તેમને પોતાના સલાહકાર પણ બનાવ્યા હતા. જોકે કોંગ્રેસમાં સામેલ થવાની ચર્ચાઓ શરૂ થતાં અને કેપ્ટન વિરુદ્ધ સિદ્ધુના રાજકીય અભિયાન દરમિયાન ગયા મહિને જ પીકેએ કેપ્ટનના સલાહકારપદ પરથી રાજીનામું આપ્યું હતું.

પાર્ટીલાઈનથી અલગ ચાલવાનું કેપ્ટનને ભારે પડ્યું
પ્રશાંત કિશોર દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં લોકોની કોંગ્રેસ તરફ નારાજગી સામે આવી હતી. એ ઉપરાંત સર્વેમાં આમ આદમી પાર્ટી કરતાં કોંગ્રેસ પાછળ પડતી જોવા મળી છે. એ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે ગાંધી પરિવાર કેપ્ટનને નિર્ણયમાં સામેલ નહોતા કરતા અને ગાંધી પરિવારથી અલગ ચાલવાનું પણ કેપ્ટનને ભારે પડ્યું છે. તાજેતરમાં જ જલિયાંવાલા બાગના મેકઓવર વિશે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને એને શહીદોનું અપમાન ગણાવ્યું હતું. જ્યારે કેપ્ટને આ પરિવર્તનને સારું ગણાવ્યું હતું. પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેપ્ટનને તેમની વિદાયના સંકેત 18 જુલાઈએ જ મળી ગયા હતા. જ્યારે તેમની નારાજગી છતાં નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...