હંગામાને કારણે દિલ્હીમાં MCDના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા ત્રણ કલાક પછી પણ શરૂ થઈ નથી. કાઉન્સિલરોની શપથવિધિ સવારે 11 વાગ્યે શરૂ થવાની હતી. પ્રિસાઇડિંગ ઓફિસરે સૌપ્રથમ નામાંકિત સભ્યોને શપથ લેવડાવ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP)ના સભ્યોએ વિરોધ કરવાનું શરૂ કર્યું. AAPના વિરોધનો ભાજપના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. AAPના કોર્પોરેટરો પ્રિસાઇડિંગ ઓફિસરની સીટ પર ચઢી ગયા હતા. આ દરમિયાન કેટલાક કાઉન્સિલરો ખુરસી ઉપાડીને અપશબ્દો બોલતા જોવા મળ્યા હતા. કેટલાક નીચે પડી ગયા. કેટલાકને ઈજા થઈ.
પહેલા જાણો… ક્યાંથી શરૂ થયો વિવાદ
LGએ ભાજપના કોર્પોરેટર સત્ય શર્માને મેયરની ચૂંટણી માટે પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા. AAPએ મુકેશ ગોયલનો પ્રસ્તાવ મૂક્યો હતો. AAPએ તેનો પણ વિરોધ કર્યો હતો. આ પછી, પ્રોટેમ સ્પીકરે એલજીના નામાંકિત સભ્યોને શપથ લેવડાવવાની શરૂઆત કરતા જ, આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે નામાંકિત સભ્યોને પહેલા શપથ લેવાતા નથી, પરંતુ ભાજપ પરંપરા બદલી રહી છે. બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે AAP નેતાઓ નિયમોથી વાકેફ નથી. એટલા માટે તેઓ હંગામો મચાવી રહ્યા છે. જ્યારે તેઓ બહુમતીમાં હોય ત્યારે તેઓ શા માટે ડરે છે?
બીજી તરફ કોંગ્રેસે મેયરની ચૂંટણીમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. AAP ધારાસભ્ય આતિશીએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યા પછી કોંગ્રેસ પર ભાજપની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો છે. મેયરની ચૂંટણીમાં 273 સભ્યો મતદાન કરશે. બહુમત માટે 133નો આંકડો જરૂરી છે. AAPને 150 વોટ છે જ્યારે બીજેપીને 113 વોટ છે.
મેયરની ચૂંટણીને લઈને અપડેટ્સ...
BJP-AAPએ એકબીજા પર મારપીટનો આરોપ લગાવ્યો
સંજય સિંહે કહ્યું- ભાજપે આપ કાઉન્સિલરો પર હુમલો કર્યો
આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, નામાંકીત સભ્યોની પહેલા શપથ નથી થતી, ભાજપ પરંપરા બદલી રહી છે. તેમના લોકો અમારા કાઉન્સિલરોને ગૃહની અંદર મારી રહ્યા છે. સંજયે સવાલ કરતાં કહ્યું કે દિલ્હીની જનતાએ ચૂંટણીમાં ભાજપના નેતાઓને હરાવ્યા તો શું હવે તેમના નેતાઓ અમારા લોકોના જીવ લેશે.
મનોજ તિવારીએ કહ્યું-AAPએ ગૃહને ગુંડાગીરીનો અખાડો બનાવ્યો
ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, અમારી પાર્ટી સત્તામાં છે અને MCDમાં અમારી ઓછા નંબર છે. આ સિવાય અમારી સાથે ગુંડાગીરી થઈ રહી છે. AAPએ ગૃહને ગુંડાગીરીનો અખાડો બનાવ્યો, કારણકે તેમને ડર છે કે મેયરની ચૂંટણીમાં તેમના કાઉન્સિલરો જ તેમનો સાથ નહીં આપે.
AAP ઉમેદવાર શૈલી અને BJPની રેખા વચ્ચે મુકાબલો
મેયર માટે આમ આદમી પાર્ટીએ શૈલી ઓબેરોયને મેદાને ઉતાર્યા છે, જ્યારે BJP તરફથી રેખા ગુપ્તા મેદાને છે. બીજી તરફ, ડેપ્યુટી મેયર માટે AAPએ મોહમ્મદ ઈકબાલ અને કમલ બાગડીને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.
ચૂંટણીમાં ત્રણ રંગના બેલેટ પેપરનો ઉપયોગ થશે
આજે યોજાનારી ચૂંટણી માટે કલર કોડ નક્કી કરવામાં આવ્યો છે. સફેદ, ગ્રીન અને ગુલાબી રંગના બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં મેયર માટે સફેદ બેલેટ પેપરથી વોટ આપવામાં આવશે. ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે ગ્રીન બેલેટ પેપર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માટે ગુલાબી બેલેટ પેપરનો ઉપયોગ થશે.
કોંગ્રેસે કહ્યું- AAPને બહુમત મળ્યો છે, તો કેજરીવાલ પોતાનો મેયર બનાવે
દિલ્હી કોંગ્રેસ-અધ્યક્ષ અનિલ ચૌધરીએ કહ્યું હતું કે દિલ્હીના લોકોએ આપને સમર્થન આપ્યું છે. જનતાનું સન્માન કરતા અમે લોકો મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિની ચૂંટણી નહીં લડીએ. AAPને બહુમત મળ્યો તો કેજરીવાલ પોતાનો મેયર બનાવે અને દિલ્હીની જનતાની સેવા કરે.
AAP પાસે બહુમતી છે
મેયરની ચૂંટણીમાં 273 સદસ્યના વોટ લેવાશે. બહુમત માટે 138નો આંકડો જરૂરી છે. કોંગ્રેસની ગેરહાજરીમાં 133નો આંકડો જરૂરી છે. AAP પાસે 134 કાઉન્સિલર છે. આ સિવાય રાજ્યસભાના 3 સાંસદ અને 13 ધારાસભ્ય છે. ભાજપ પાસે 7 સાંસદો અને 1 ધારાસભ્ય સહિત કુલ 113 મત છે. ત્યાં કોંગ્રેસના 9 અને અપક્ષના બે કાઉન્સિલર છે. આ ચૂંટણીમાં 10 સાંસદ (7 લોકસભા સાંસદ અને 3 રાજ્યસભા સાંસદો), 13 વિધાનસભા સભ્ય સાથે 250 કાઉન્સિલરો મતદાન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.