લાલુ યાદવની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના પટનાના 10 સર્ક્યુલર રોડ ખાતેના નિવાસસ્થાને સીબીઆઈની ટીમ પહોંચી છે. સીબીઆઈની ટીમ 2-3 વાહન સાથે પહોંચી છે. CBIની ટીમ રેલવેમાં લેન્ડ ફોર જોબ કૌભાંડ મામલે રાબડી દેવીની પૂછપરછ કરી રહી છે.
લેન્ડ ફોર જોબ કૌભાંડમાં સીબીઆઈની ચાર્જશીટ પર કોર્ટે સમન્સ જારી કર્યું છે. સીબીઆઈએ ચાર્જશીટમાં લાલુ પ્રસાદ ઉપરાંત રાબડી દેવી અને અન્ય 14 લોકોને આરોપી બનાવ્યા છે. રાબડી, લાલુ અને મીસાને 15 માર્ચે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગયા વર્ષે મે અને ઓગસ્ટમાં સીબીઆઈએ દરોડા પાડ્યા હતા
CBIએ મે 2022માં લાલુ ઉપરાંત તેમનાં પત્ની રાબડી દેવી, બે પુત્રી મીસા ભારતી અને હેમા યાદવ સહિત લાલુના નજીકના અને પરિવારજનોનાં 17 ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા.
CBIએ આ વર્ષે મે મહિનામાં લાલુ યાદવ, તેમનાં પત્ની અને પૂર્વ સીએમ રાબડી દેવી, તેમની પુત્રીઓ મિસા યાદવ અને હેમા યાદવ ઉપરાંત નોકરીના બદલામાં ઓછી કિંમતે જમીન આપી હતી તેવા કેટલાક અયોગ્ય ઉમેદવારો સહિત 16 લોકોને આરોપી બનાવતાં તેમની સામે FIR નોંધવામાં આવી હતી. CBIએ 24 ઓગસ્ટ 2022ના રોજ ફરી એક વખત RJD નેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા.
લેન્ડ ફોર જોબ કૌભાંડ સાથે સંકળાયેલો છે મામલો
લાલુએ રેલવેમંત્રી (2004થી 2009) પદે હતા ત્યારે લેન્ડ ફોર જોબ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. નોકરીના બદલામાં જમીન લેવાના કૌભાંડમાં લાલુ અને તેમના પરિવારજનો પર આરોપ છે. આ મામલે CBIએ મે 2022માં લાલુ અને તેમના પરિવારના સભ્યો સામે ભ્રષ્ટાચારનો નવો કેસ નોંધ્યો હતો.
CBIના જણાવ્યા અનુસાર, આ રીતે લાલુ યાદવના પરિવારે બિહારમાં માત્ર 26 લાખ રૂપિયામાં 1 લાખ સ્કવેર ફૂટથી વધુ જમીન મેળવી હતી, જ્યારે એ સમયના સર્કલ રેટ પ્રમાણે જમીનની કિંમત લગભગ 4.39 કરોડ રૂપિયા હતી. ખાસ વાત એ છે કે જમીન ટ્રાન્સફરના મોટા ભાગના કેસોમાં જમીનમાલિકને રોકડમાં ચુકવણી કરવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.