કોંગ્રેસની ભારત જોડો યાત્રા UPના ગાઝિયાબાદ પહોંચી છે. અહીં લોની બોર્ડર પર બનેલા સ્ટેજ પર રાહુલ અને પ્રિયંકા સાથે નજર આવ્યાં. સ્ટેજ પર પ્રિયંકાએ પોતાના ભાઈ રાહુલ ગાંધીને યોદ્ધા ગણાવ્યો.
તેમણે કહ્યું-'મારા મોટા ભાઈ...આ બાજુ જુઓ, સૌથી વધુ ગર્વ તમારા પર છે. સત્તાનું પૂરું જોર લગાવવામાં આવ્યું. સરકારે હજારો કરોડ રૂપિયા ખર્ચ કર્યા, તેમની છબિ ખરાબ કરવા, પરંતુ તમે ડર્યા નહીં. તેમની પાછળ એજન્સીઓ લગાવવામાં આવી. યોદ્ધા છે...અંબાણી-અદાણીએ મોટા-મોટા નેતાને ખરીદ્યા. દેશના તમામ PSU ખરીદ્યા. દેશનું મીડિયા ખરીદ્યું, પરંતુ મારા ભાઈને ખરીદી ન શક્યા અને ખરીદી પણ શકશે નહીં.'
'રાહુલ સત્યનું કવચ પહેરી ચાલે છે, આથી તેમને ઠંડી નથી લાગતી'
પ્રિયંકાએ આગળ કહ્યું, 'કોઈએ મને પૂછ્યું હતું કે તમારા ભાઈને ઠંડી કેમ નથી લાગતી. તમને ડર નથી લાગતો તેમની સુરક્ષા માટે. મારો જવાબ છે કે તેઓ સત્યનું કવચ પહેરીને ચાલે છે. ભગવાન તેમને સુરક્ષિત રાખશે. બધા સાથે ચાલો. એકતા, સંભાવના અને પ્રેમનો સંદેશ લઈને ચાલો. ત્યાર પછી બંનેએ તમામ લોકોનું અભિવાદન કર્યું. જોકે સ્ટેજ પર રાહુલે કોઈ સ્પીચ આપી નહોતી.'
UPમાં 3 દિવસમાં 130 કિમી ચાલશે રાહુલ
UPમાં રાહુલ ગાંધીએ આજે યાત્રા શરૂ કરતાં પહેલાં દિલ્હીમાં મરઘટ હનુમાનજીનાં દર્શન કર્યા. આ દરમિયાન પૂજારીએ તેમને ગદા પણ આપી. રાહુલે ગદા ઉપાડી હોય તેવો એક ફોટો પણ સામે આવ્યો છે. ભારત જોડો યાત્રા 9 દિવસના બ્રેક પછી મંગળવારે શરૂ થઈ. કોંગ્રેસનેતા રાહુલ ગાંધી UPમાં 3 દિવસમાં લગભગ 130 કિમી ચાલશે.
રાશિદ અલ્વીએ કહ્યું- ભાજપ સરકાર નફરતનું તોફાન
પૂર્વ મંત્રી રાશિદ અલ્વીએ કહ્યું હતું કે કઈ-કઈ સમસ્યાઓનો ઉલ્લેખ કરવો. છેલ્લાં 8 વર્ષમાં દેશની કિસ્મત બદલાઈ ગઈ. ભાજપ સરકાર નફરતનું તોફાન છે. સાધ્વી પ્રજ્ઞા ઘરોમાં છરીઓ તીક્ષ્ણ કરવાનું કહે છે. ક્યારેક તેઓ બુલડોઝર ફિક્સ કરાવવાની વાત કરે છે તો ક્યારેક પાકિસ્તાન મોકલવાની વાત કરે છે. શું આ દેશના પ્રશ્નો છે? તમે રોજગાર, યુવાનો, ખેડૂતોની વાત નથી કરતા.
UPમાં પ્રવેશતાંની સાથે જ સ્વાગત અને પછી સભા
યાત્રા યુપીમાં પ્રવેશતાંની સાથે જ લોનીમાં દિલ્હી-સહારનપુર હાઈવે પર શિવ વિહાર મેટ્રો સ્ટેશનની સામે કાર્યકરો રાહુલનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન રાહુલ એક સભાને પણ સંબોધિત કરી શકે છે. ત્યાર બાદ યાત્રા બાગપત તરફ આગળ વધશે. સાંજે 5થી 6 દરમિયાન બાગપતમાં પ્રવેશ કરી માવીકલા ખાતે રાત્રિ રોકાણ કરશે.
આગલા દિવસે 4 જાન્યુઆરીના રોજ સવારે 6 વાગ્યે યાત્રા ફરી શરૂ થશે. એ બાગપત, સિસાના, સરુરપુર, બારૌત થઈને સાંજે 6 વાગ્યે શામલીના શહેર આલમ પહોંચી રાત્રિ રોકાણ કરશે. 5 જાન્યુઆરીએ સવારે આલમથી યાત્રા શરૂ થશે અને કાંધલા, ઉંચાગાંવ, કૈરાના થઈને પાણીપત બોર્ડર થઈને હરિયાણામાં પ્રવેશ કરશે. 5મી જાન્યુઆરીનું રાત્રિ રોકાણ હરિયાણામાં થશે.
રિસોર્ટમાં 60 કન્ટેનર, આમાં જ રાત્રિ રોકાણ કરશે રાહુલ
યાત્રાને લઈને કોંગ્રેસીઓમાં જબરદસ્ત ઉત્સાહ છે. ઘણા જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તા યાત્રામાં સામેલ થશે. યુપીમાં 3 જાન્યુઆરીએ એટલે કે આજે રાહુલ, પ્રિયંકા સહિત 'ભારત જોડો યાત્રીઓ'ના લગભગ 150 કન્ટેનર બાગપતના 'ધ હરી કેસલ રિસોર્ટ' પર રોકાશે. આ રિસોર્ટની અંદર લગભગ 60 કન્ટેનર જશે. રાહુલ આ કન્ટેનરમાં રાત્રિ રોકાણ કરશે.
રાહુલને રામજન્મભૂમિના પૂજારીના આશીર્વાદ મળ્યા
યાત્રામાં સામેલ થવા સપા-પ્રમુખ અખિલેશ યાદવ, રાલોદ અધ્યક્ષ જયંત ચૌધરી, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતને આમંત્રણ આપવામાં આવ્યું છે. જયંત ચૌધરી છેલ્લા ઘણા દિવસથી બહાર છે. આથી તેઓ યાત્રામાં ભાગ લઈ નહીં શકે. અખિલેશે સોમવારે રાહુલ ગાંધીને પત્ર લખી યાત્રા માટે શુભકામના પાઠવી છે, આથી માનવામાં આવી રહ્યું છે કે તેઓ પણ યાત્રામાં ભાગ લેશે નહીં.
રાકેશ ટિકૈત પર થોડી શંકા છે. આ ઉપરાંત પશ્ચિમ યુપીનાં અનેક રાજકીય, સામાજિક સંગઠનોએ યાત્રામાં સામેલ થવા કોંગ્રેસની ટીમનો સંપર્ક કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ યાત્રામાં કેટલાક ખાપ ચૌધરી પણ જોડાઈ શકે છે.
બીજી તરફ, અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરના પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ શાસ્ત્રીએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમર્થન કર્યું છે. તેમણે રાહુલને એક પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રા સૌના કલ્યાણ માટે છે, સાથે જ તેમણે રાહુલ ગાંધીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરતા લક્ષ્ય સિદ્ધિના આશીર્વાદ આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.