• Gujarati News
  • National
  • Priyanka Cried Hugging The Wife Of The Deceased Arun, Said Such Barbarity Happened Which I Cannot Even Imagine, Justice Is Not Being Given To The Poor In UP

જ્યારે રડી પડ્યાં પ્રિયંકા ગાંધી:આગ્રામાં મૃતક સફાઈકર્મીની પત્નીનાં આંસુ લૂછ્યાં, ગળે મળીને રડી; પોલીસ કસ્ટડીમાં થયું હતું સફાઈકર્મીનું મોત

એક મહિનો પહેલા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બુધવારે રાતે 11 વાગે આગ્રામાં મૃતક સફાઈકર્મી અરુણ વાલ્મીકિના ઘરે જઈને તેમની પત્ની અને માતા સાથે મુલાકાત કરી હતી. અરુણનું આગ્રાની પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. પ્રિયંકા તેમના ઘરે અંદાજે 50 મિનિટ રોકાઈ હતી. અરુણની પત્ની સોનમ અને મા કમલાએ રડતાં રડતાં પોલીસે કરેલી ક્રૂરતા જણાવી તો પ્રિયંકાના આંખમાં આંસુ આવી ગયાં હતાં. પ્રિયંકાએ સોનમને ગળે લગાવીને તેને આશ્વાસન આપ્યું હતું.

પ્રિયંકાએ પીડિત પરિવારને આર્થિક મદદ અને કાયદાકીય લડાઈમાં સહયોગનું આશ્વાસન આપ્યું છે. એ સાથે જ પરિવારની બંને દીકરીઓનાં લગ્નનો ખર્ચ ઉપાડવાનું પણ આશ્વાસન આપ્યું હતું. પ્રિયંકા લખનઉથી આગરા બુધવાર રાતે 10.45 વાગે પહોંચ્યાં હતાં. તેઓ 10.50 વાગે અરુણના ઘરે પહોંચ્યાં હતાં.

પ્રિયંકાએ પરિવારની 50 મિનિટ સુધી વાતો સાંભળી.
પ્રિયંકાએ પરિવારની 50 મિનિટ સુધી વાતો સાંભળી.

પ્રિયંકાએ કહ્યું- આ દેશમાં માત્ર મંત્રીઓને ન્યાય મળશે
અરુણના પરિવાર સાથે મુલાકાત પછી પ્રિયંકાએ કહ્યું હતું કે પરિવારના લોકોએ મને જે વાત જણાવી છે એ સાંભળીને વિશ્વાસ નથી થતો કે આવા આધુનિક સમયમાં પણ કોઈની સાથે આવી ઘટના બની શકે છે. વાલ્મીકિ સમાજના 17-18 લોકોને અલગ-અલગ જગ્યાએથી ઉપાડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સાથે ખૂબ મારઝૂડ કરવામાં આવી હતી. સોનમે જણાવ્યું હતું કે તેની સામે જ તેના પતિના હાથ-પગ બાંધીને તેને ઢોરમાર મારવામાં આવ્યો અને તેને કરંટ પણ લગાવવામાં આવ્યો. એ સિવાય સોનમને પણ મહિલાની સાથે પુરુષ પોલીસકર્મીઓએ પણ ઢોરમાર માર્યો હતો. તેમણે જે વાત જણાવી એ વિચારી શકાય એવી પણ નથી.

તેમણે રાજ્ય સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે યુપીમાં કાયદો-વ્યવસ્થા દમ તોડી રહી છે. અહીં દલિત, ખેડૂતો અને ગરીબોના સપોર્ટમાં કોઈ નથી. ઈશારામાં તેમણે લખીમપુર હિંસા વિશે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અહીં માત્ર મંત્રીઓને ન્યાય મળે છે. ગરીબો પર આટલો અત્યાચાર થાય છે તેમ છતાં કેમ સરકાર ચૂપ છે?

ગેહલોત સરકાર પાસેથી પણ આર્થિક મદદ અપાવીશ?
પ્રિયંકાએ કહ્યું હતું કે તે પીડિત પરિવારને વળતર અપાવશે. મૃતકની પત્ની સોનમ રાજસ્થાનમાં આવેલા ભરતપુરની છે. તેથી પ્રિયંકા સોનમને આર્થિક મદદ મળે એ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ વાત કરશે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી સામે આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે એરપોર્ટના ઉદઘાટનનો શું ફાયદો જ્યારે તમે તમારા ઘરમાં જ સુરક્ષિત નથી તો.

પ્રિયંકા સાથે યુપી પોલીસની મહિલાઓએ સેલ્ફી લીધી હતી.
પ્રિયંકા સાથે યુપી પોલીસની મહિલાઓએ સેલ્ફી લીધી હતી.

સેલ્ફી લેનારા લોકોનું કરિયર કેમ ખરાબ કરો છો?
પ્રિયંકાએ તેમની સાથે સેલ્ફી લેનાર મહિલા પોલીસકર્મચારીઓ પર કાર્યવાહી વિશે વાત કરતાં કહ્યું કે તેમનું કરિયર કેમ ખરાબ કરવામાં આવી રહ્યું છે. મેં ખુશીથી તેમની સાથે ફોટો પડાવ્યો હતો. તેઓ રોજ સંઘર્ષ કરે છે, તેમના પરિવાર માટે કમાય છે, તેમના પર કાર્યવાહી કરીને શું મળશે?

પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે ઊભા થયા સવાલ
મૃતક અરુણના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટ-એટેકનું કારણ ગણાવવામાં આવ્યું છે. SSP મુનિરાજે જણાવ્યું છે કે ડોક્ટરની પેનલ પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. જ્યારે પ્રિયંકા ગાંધીએ પોસ્ટમોર્ટમ સામે સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું છે કે પોસ્ટમોર્ટમ દરમિયાન પરિવારનું કોઈ સભ્ય હાજર નહોતું. તેમણે કહ્યું હતું કે પોલીસે પહેલેથી જ લખેલા રિપોર્ટ પર મૃતકના ભાઈની સહી કરાવી લેવામાં આવી છે.

25 લાખની ચોરીના આરોપમાં સફાઈકર્મીની ધરપકડ કરાઈ
17 ઓક્ટોબરે જગદીશપુર પોલીસ સ્ટેશનમાં 25 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ રકમ એક રેલવે પોલીસ કોન્સ્ટેબલના ઘરે થયેલી ચોરીના ખુલાસામાં મળી આવી. આ કેસમાં CO લોહામંડી સૌરભ સિંહની અરજી પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ADGએ બેદરકારીના આરોપમાં પોલીસ ઈન્સ્પેક્ટર અનુપ કુમાર તિવારી, દીવાન પ્રતાપ ભાન સિંહ અને એક કોન્સ્ટેબલ સહિત છ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા હતા.

પોલીસે 20થી વધારે લોકોની પૂછપરછ કર્યા પછી સફાઈકર્મી અરુણ પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા તો તેના ઘરમાંથી 15 લાખ રૂપિયા મળ્યા હતા. પરિવારને પૈસા વિશે કોઈ માહિતી નહોતી. પોલીસે તેના બે ભાઈઓની અટકાયત કરી લીધી. આરોપી સફાઈકર્મીનું મંગળવાર રાતે પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું. સફાઈકર્મચારીની મંગળવારે બપોરે ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...