વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75માં સ્વતંત્રતા દિવસ પર આઠમી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મોદીએ સ્વતંત્રતા સેનાનીઓને નમન સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે પંડિત જવાહર લાલ નહેરુને પણ યાદ કર્યા હતા. મોદીએ પોતાના 90 મિનિટના સંબોધનમાં બે મોટી જાહેરાત કરી હતી. તેમાં 100 લાખ કરોડ રૂપિયાની ગતિ શક્તિ યોજના અને દીકરીઓ માટે દેશની તમામ સૈનિક શાળા ખોલવાની જાહેરાત સામેલ છે.
મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, ‘75મા સ્વતંત્રતા દિવસ પર તમને અને વિશ્વમાં ભારતને પ્રેમ કરનારા લોકોને અને લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ અભિનંદન. આજે આઝાદીના અમૃત મહોત્સવના પાવન પર્વ પર દેશ તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને રાષ્ટ્ર રક્ષામાં ખુદની આહૂતિ આપનારા અને જીવ હોમી દેનારા વીર-વીરાંગનાઓને દેશ નમન કરી રહ્યો છે.
મોદીના ભાષણની ખાસ વાતો
1. સ્વાતંત્રતા સેનાનીઓ અને નેહરુને યાદ કર્યા
વડાપ્રધાને કહ્યું, 'આઝાદીને જન આંદોલન બનાવનાર બાપુ હોય કે નેતાજી જેમણે સર્વસ્વનું બલિદાન આપ્યું હોય, ભગતસિંહ, આઝાદ, બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાન, ઝાંસીની લક્ષ્મીબાઈ અથવા ચિત્તૂરની રાણી કનમ્મા, દેશના પ્રધાનમંત્રી નહેરુ હોય, સરદાર પટેલ હોય, જેમણે દિશા આપી હતી તે આંબેડકર હોય.. દેશ દરેક વ્યક્તિ અને વ્યક્તિત્વને યાદ કરી રહ્યો છે. દેશ દરેકનો ઋણી છે.
2. ઓલિમ્પિક ખેલાડીઓના સન્માનમાં વગાડી તાળીઓ
મોદીએ કહ્યું, આ આયોજનમાં ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારી યુવા પેઢી એથલેટ્સ અને આપણા ખેલાડીઓ હાજર છે. હું દેશવાસીઓને અને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે રહેલા લોકોને કહેવા માગું છું કે આપણા ખેલાડીઓના સન્માનમાં થોડીવાર તાળીઓ વગાડીને તેમનું સન્માન કરો.
ભારતીય રમતોનું સન્માન, ભારતની યુવા પેઢીનું સન્માન, ભારતને ગૌરવ અપાવનારા યુવાનોનું સન્માન, કરોડો દેશવાસીઓ આજે તાળીઓના ગડગડાટ સાથે દેશના જવાનોનું, યુવા પેઢીનું સન્માન કરી રહ્યા છે. એથલેટ્સ પર ખાસ કરીને આપણે એ ગર્વ કરી શકીએ છીએ કે તેમણે દિલ જ જીત્યા નથી, તેમણે આવનારી પેઢીઓને ભારતની યુવા પેઢીને પ્રેરિત કરવાનું ખૂબ મોટું કામ કર્યુ છે.’
3. દર વર્ષે 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવીશું
વડાપ્રધાને કહ્યું, ‘આપણે આઝાદીનો જશ્ન મનાવીએ છીએ, પરંતુ ભાગલા પડવાની પીડા આજે પણ હિન્દુસ્તાનની છાતીને ચીરે છે. આ ગત શતાબ્દિની સૌથી મોટી દુઃખદ ઘટનાઓમાંની એક છે. આઝાદી પછી આ લોકોને ખૂબ જલદીથી ભુલાવી દેવાયા. કાલે જ ભારતે એક ભાવુક નિર્ણય લીધો છે. હવેથી દર વર્ષે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે યાદ કરવામાં આવશે.
4. કોરોના વેક્સિનમાં આત્મનિર્ભર રહ્યા
મોદીએ કહ્યું, ‘પ્રગતિની તરફ આગળ વધી રહેલા દેશની સામે કોરોના કાળ પડકાર તરીકે આવ્યો છે. ધૈર્યની સાથે આ લડાઈને લડવામાં પણ આવી છે. આપણી સામે અનેક પડકારો હતા. દરેક ક્ષેત્રમાં આપણે દેશવાસીઓએ અસાધારણ ગતિથી કામ કર્યુ છે. આપણા ઉદ્યમીઓની મહેનતનું પરિણામ છે કે ભારતને વેક્સિન માટે કોઈ અન્ય દેશ પર નિર્ભર રહેવું પડ્યું નથી.
ક્ષણભર માટે વિચારો કે જો ભારત પાસે પોતાની વેક્સિન ન હોત તો શું થયું હોત. પોલિયોની વેક્સિન મેળવવામાં આપણા કેટલા વર્ષ વીતી ગયા. આટલા મોટા સંકટમાં જ્યારે સમગ્ર દુનિયામાં મહામારી હોય તો વેક્સિન કેવી રીતે મળી હોત. ભારતને મળી હોત કે નહીં, કે ક્યારે મળી હોત. પરંતુ આજે ગર્વથી કહી શકીએ છીએ કે દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ આપણા દેશમાં ચાલી રહ્યો છે. 54 કરોડથી વધુ લોકો વેક્સિન ડોઝ લગાવી ચૂક્યા છે. કોવિન જેવી ડિજિટલ વ્યવસ્થા દુનિયાને આકર્ષિત કરી રહી છે. મહામારીના સમયે ભારતે જે રીતે 80 કરોડ દેશવાસીઓને મહિનાઓ સુધી સતત મફત અનાજ આપીને તેમના ચૂલા સળગતા રાખ્યા છે. આ દુનિયા માટે અચરજ અને ચર્ચાનો વિષય છે. અન્ય દેશોની તુલનામાં ઓછા લોકો સંક્રમિત થયા. દુનિયાના દેશોની જનસંખ્યાની તુલનામાં આપણે આપણા નાગરિકોને બચાવી શક્યા. આ પીઠ થાબડવાનો વિષય નથી. એમ કહેવું કે પડકાર નહોતો, આ આપણા વિકાસના માર્ગોને બંધ કરનારી વિચારધારા બની ગઈ હોત.’
5. નવા સંકલ્પો સાથે આગળ વધવું પડશે
વડાપ્રધાને કહ્યું, 'આ તે સમય છે જ્યારે દેશ પોતાની જાતને ફરીથી વ્યાખ્યાયિત કરે છે, નવા સંકલ્પો સાથે આગળ વધે છે. ભારતની વિકાસયાત્રામાં તે સમય આવી ગયો છે. આપણે 75 વર્ષના અવસરને માત્ર એક સમારોહ સુધી મર્યાદિત કરવાનો નથી. નવા સંકલ્પનો આધાર હોવો જોઈએ. નવા સંકલ્પો સાથે આગળ વધવું પડશે. અહીંથી શરૂ કરીને, આગામી 25 વર્ષની યાત્રા, જ્યારે આપણે આઝાદીની શતાબ્દી ઉજવીશું. નવા ભારતના નિર્માણ માટે આ અમૃત કાળ છે. અમારા સંકલ્પોની સિદ્ધિ આઝાદીના 100 વર્ષ સુધી લઈ જશે.
6. નવો મંત્ર- સૌનો સાથ- સૌનો વિકાસ અને હવે સૌનો પ્રયાસ
મોદીએ કહ્યું, 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. આ વિશ્વાસ સાથે આપણે બધા ભેગા થયા છીએ. આજે હું લાલ કિલ્લાની પ્રાચીર પરથી આહ્વાન કરું છું. સૌનો સાથ- સૌનો વિકાસ- સૌનો વિશ્વાસ અને હવે દરેકના પ્રયત્નો આપણા લક્ષ્યોની સિદ્ધિ માટે ખૂબ મહત્વના છે. 7 વર્ષમાં શરૂ થયેલી ઘણી યોજનાઓના લાભો કરોડો ગરીબોના ઘર સુધી પહોંચ્યા છે. દેશ ઉજ્જવલા યોજના આયુષ્માન ભારતની શક્તિને જાણે છે.
7. ગરીબોને પૌષ્ટિક ચોખા મળશે
ગરીબ બાળકોમાં કુપોષણ અંગે ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાને કહ્યું કે દેશના દરેક ગરીબોને પોષણ આપવું એ પણ સરકારની પ્રાથમિકતા છે. ગરીબ બાળકોમાં કુપોષણ અને પોષક તત્વોનો અભાવ વિકાસને અવરોધે છે. તે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર તેની વિવિધ યોજનાઓ હેઠળ ગરીબોને જે ચોખા આપે છે, તે તેને પૌષ્ટિક બનાવશે. રાશન દુકાન, મધ્યાહન ભોજન, 2024 સુધીમાં દરેક યોજના હેઠળ મળનારા ચોખા પોષણ યુક્ત બનાવવામાં આવશે.
8. ઓક્સિજન પ્લાન્ટ વધારવામાં આવશે
મોદીએ કહ્યું કે સરકારે તબીબી શિક્ષણમાં જરૂરી સુધારા કર્યા, પ્રિવેંટિવહેલ્થ કેરમાં સુધારા કર્યા છે. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના દરેક ગામમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગને સસ્તી દવા આપવામાં આવી રહી છે. 75,000 થી વધુ આરોગ્ય અને વેલનેસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. સારી હોસ્પિટલો અને આધુનિક લેબ્સના નેટવર્ક પર કામ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં દેશની હજારો હોસ્પિટલો પાસે પોતાના ઓક્સિજન પ્લાન્ટ પણ હશે.
9. જે વર્ગ પછાત છે, તેનો હાથ પકડવો પડશે
21 મી સદીમાં ભારતને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે, ભારતન્બા સામર્થયનો યોગ્ય અને સંપૂર્ણ ઉપયોગ સમયની માંગ છે અને જરૂરી છે. આ માટે, જે વર્ગ પાછળ છે, જે વિસ્તાર પાછળ છે, તેમનો હાથ પકડવો પડશે. મૂળભૂત જરૂરિયાતોની ચિંતા સાથે, દલિત, પછાત, આદિવાસી અને સામાન્ય વર્ગના ગરીબો માટે અનામત નક્કી કરવામાં આવી રહી છે. મેડિકલમાં ઓબીસી માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યોને ઓબીસીની યાદી બનાવવાની સત્તા આપવામાં આવી છે.
10. સો લાખ કરોડથી વધુની યોજનામાંથી મળશે રોજગાર
વડાપ્રધાને કહ્યું છે કે જે રીતે દેશમાં નવા એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે, ઉડાન યોજના સ્થળોને જોડી રહી છે, તે અભૂતપૂર્વ છે. વધુ સારી કનેક્ટિવિટી લોકોના સપનાઓને નવી ઉડાન આપી રહી છે. ગતિ શક્તિના રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે અમે તમારી સામે આવીશું. સો લાખ કરોડથી વધુની યોજના લાખો યુવાનોને રોજગારી આપશે. ગતિ શક્તિ દેશ માટે આવા રાષ્ટ્રીય માળખાકીય સુવિધાનો માસ્ટર પ્લાન હશે. અર્થતંત્ર માટે ઇન્ટિગ્રેટેડ માર્ગ દેશે. ઝડપ શક્તિ તમામ અવરોધો અને મુશ્કેલીઓ દૂર કરશે. સામાન્ય માણસના મુસાફરીના સમયમાં ઘટાડો થશે, ઉત્પાદકોને મદદ કરવામાં આવશે. અમૃત કાળના આ દાયકામાં, ગતિની શક્તિ ભારતના પરિવર્તનનો આધાર બનશે.
11. મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ વધારવું પડશે
મોદીએ કહ્યું કે ભારતે મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ વધારવું પડશે. થોડા દિવસો પહેલા જ ભારતે તેનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને ટ્રાયલ માટે લોન્ચ કર્યું છે. આજે ભારત પોતાનું લડાકુ વિમાન, સબમરીન બનાવી રહ્યું છે. ગગનયાન પણ અવકાશમાં ભારતનો ધ્વજ ફરકાવવા માટે તૈયાર થઈ રહ્યું છે. તે સ્વદેશી ઉત્પાદનમાં અમારી સંભાવનાને પ્રકાશિત કરે છે. કોરોના પછી ઉદ્ધભવેલી નવી આર્થિક પરિસ્થિતિમાં મેક ઇન ઇન્ડિયા સ્થાપિત કરવા માટે એક યોજના બનાવવામાં આવી છે. 7 વર્ષ પહેલા અમે લગભગ 8 બિલિયન ડોલરની કિંમતના મોબાઈલ આયાત કરતા હતા. હવે આયાત ઘટી છે, આજે આપણે 3 બિલિયન ડોલરના મોબાઇલ એક્સપોર્ટ પણ કરી રહ્યા છીએ.
12. દીકરીઓ માટે ખોલવામાં આવશે તમામ સૈનિક શાળાઓ
મોદીએ કહ્યું કે રમતગમતથી લઈને દરેક જગ્યાએ દીકરીઓ કમાલ કરી રહી છે. આજે ભારતની દીકરીઓ તેમનું સ્થાન મેળવવા માટે તૈયાર છે. રસ્તાથી લઈને કાર્યસ્થળ સુધી મહિલાઓમાં સલામતી, સન્માનનો ભાવ હોય, આ માટે સરકાર તંત્ર, પોલીસ, નાગરિકોએ પોતાની જવાબદારી નિભાવવી પડશે. આ સંકલ્પને આઝાદીના 75 વર્ષનો સંકલ્પ બનાવવાનો છે. મને લાખો દીકરીઓના સંદેશા મળતા હતા જે સૈનિક શાળામાં ભણવા માંગે છે.અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક શાળામાં દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે નક્કી કરવામાં આવ્યું છે કે દેશની તમામ સૈનિક શાળાઓ પણ દેશની દીકરીઓ માટે ખોલવામાં આવશે.
મોદી લાલ કિલ્લા પર દર વખતે એક અલગ પાઘડી પહેરીને આવ્યા
લાલ કિલ્લા પર તિરંગો ફરકાવતી વખતે મોદીનો ડ્રેસ પણ ખાસ હોય છે. દરેક વખતે તે અલગ પ્રકારની પાઘડી પહેરેલા જોવા મળે છે. આ વખતે તેણે કેસરી પાઘડી પહેરી છે. એ જ રીતે, દરેક વખતે ભાષણની લંબાઈ પણ અલગ-અલગ રહી છે. વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટ 2020ના રોજ સાતમી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો. આ દિવસે તેમણે 86 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ તે તેમનું ત્રીજું સૌથી મોટું ભાષણ હતું. અગાઉ 2019માં તેમણે 93 મિનિટ સંબોધન કર્યું હતું. જ્યારે 2016માં તેમણે 96 મિનિટ માટે દેશને સંબોધન કર્યું. આ તેમનું અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ હતું. મોદી 2014 થી 2020 સુધી, 7 વર્ષમાં લાલ કિલ્લા પરથી 9 કલાક 24 મિનિટ સંબોધન કરી ચૂક્યા છે.
મોદીએ 2015માં જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો હતો
2015માં વડાપ્રધાન મોદીએ 86 મિનિટ સુધી દેશની જનતાને સંબોધન કર્યું હતું અને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો હતો. નેહરુએ 1947માં લાલ કિલ્લા પરથી 72 મિનિટનું ભાષણ આપ્યું હતું.
પૂર્વ PM મનમોહન સિંહે લાલ કિલ્લા પરથી 10 વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું
બીજી બાજુ, મનમોહન સિંહે લાલ કિલ્લા પરથી 10 વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમનું ભાષણ માત્ર બે વાર 50 મિનિટનું હતું. બાકીના આઠ વખત ભાષણનો સમય 32 થી 45 મિનિટ વચ્ચે રહ્યો હતો.
અટલ બિહારી વાજપેયીએ 6 વખત રાષ્ટ્રને સંબોધન કર્યું
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, જેઓ તેમના ભાષણો માટે પ્રખ્યાત હતા, તેમણે સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાંબા ભાષણો આપ્યા ન હતા. તેમણે લાલ કિલ્લા પરથી 6 વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે 1998માં 17 મિનિટ, 1999માં 27 મિનિટ, 2000માં 28 મિનિટ, 2001માં 31 મિનિટ, 2002માં 25 મિનિટ અને 2003 30 મિનિટ સુધી સંબોધન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.