વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશને સંબોધન કર્યું. 32 મિનિટના આ સંબોધનમાં તેમણે બે મોટી જાહેરાત કરી છે. પ્રથમ તમામ રાજ્યોને હવે કેન્દ્ર તરફથી ફ્રી વેક્સિન આપવામાં આવશે. રાજ્યોએ હવે આ માટે કોઈ જ ખર્ચ કરવો પડશે નહિ. બીજી મહત્વની જાહેરાત એ કરાઈ કે દેશના 80 કરોડ ગરીબ લોકોને નવેમ્બર સુધી એટલે કે દિવાળી સુધી ફ્રીમાં રેશન આપવામાં આવશે.
PM મોદીના સંબોધનની મહત્વની વાત.....
18 વર્ષથી ઉપરના લોકોને કેન્દ્ર તરફથી ફ્રી વેક્સિન લાગશે
એક સારી વાત એ રહી કે સમય રહેતા રાજ્ય પુનર્વિચારની માંગ સાથે ફરી આગળ આવ્યા. રાજ્યોની આ માંગ પર અમે પણ વિચાર્યું કે દેશવાસીઓને તકલીફ ન હોય. સારી રીતે તેમનુ વેક્સિનેશન થાય. આ કારણે 16 જાન્યુઆરીથી એપ્રિલના અંત વાળી વ્યવસ્થાને ફરીથી લાગુ કરવામાં આવે. આજે એ નિર્ણય કરવામાં આવ્યો કે રાજ્યોની પાસે વેક્સિનેશન સાથે જોડાયેલુ 25 ટકા કામ હતુ, તેની જવાબદારી ભારત સરકાર ઉઠાવશે. આ વ્યવસ્થા બે સપ્તાહમાં લાગુ કરવામાં આવશે.
પ્રાઈવેટ હોસ્પિટલ 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઈ શકશે
દેશના કરોડો લોકોને ફ્રી વેક્સિન મળી છે. હવે 18 વર્ષની વધુ ઉંમરના લોકો પણ તેમાં જોડાઈ જશે. ભારત સરકાર તમામ નાગરિકો માટે ફ્રી વેક્સિન ઉપલબ્ધ કરાવશે. ગરીબ, મધ્યવર્ગ, ઉચ્ચ મધ્યવર્ગ. ભારત સરકારના અભિયાનમાં વેક્સિન ફ્રીમાં મળશે. જે વ્યક્તિને ફ્રી વેક્સિન લેવી નહિ હોય તે પ્રાઈવેટ હોસ્પિટલ જઈને વેક્સિન લઈ શકશે. પ્રાઈવેટ હોસ્પિટલ દેશમાં બની રહેલી વેક્સિનમાંથી 25 ટકા વેક્સિન લઈ શકશે. પ્રાઈવેટ હોસ્પિટલ એક ડોઝ પર વધુમાં વધુ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે. જોકે આ અંગેની દેખરેખ રાખવાનું કામ રાજ્ય સરકાર પાસે રહેશે.
આ લડાઈમાં સૌથી પ્રભાવી હથિયાર એટલે 'કોવિડ પ્રોટોકોલ'
એપ્રિલ અને મે મહિનામાં ઓક્સિજનની માગમાં અકલ્પનીય વધારો નોંધાયો હતો. ભારતમાં એકસાથે આટલા ઓક્સિજનના જથ્થાની આ પ્રકારની અછત સર્જાઈ નહોતી. જેના પરિણામે ઓક્સિજનની અછતને સંતોષવા માટે યુદ્ધ સ્તર પર કામ હાથ ધરી દેવામાં આવ્યું હતું. સરકારના તમામ તંત્ર પણ કામગીરીમાં લાગી ગયા હતા. ઓક્સિજન રેલવે, એરફોર્સ, નેવીને પણ કામગીરીમાં લગાડવામાં આવ્યા હતા. ગણતરીના સમયગાળામાં લિક્વિડ ઓક્સિજનના ઉત્પાદનમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો હતો.
વિદેશોમાંથી પણ દવાઓની આયાત કરાઈ દેશની માગ પુરી કરાઈ
દુનિયાના ખુણે-ખુણેથી ઉપલબ્ધ કરાવવા માટે કોશિશો હાથ ધરાઈ હતી. આવશ્યક દવાઓના ઉત્પાદનમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો હતો. વિદેશોમાંથી પણ દવાઓની આયાત કરીને દેશની માગ પૂરવામાં આવી હતી. કોરોના મહામારી જેવા અદૃશ્ય અને રૂપ બદલતા શત્રુને નાથવા માટે કોવિડ પ્રોટોકોલ જ સૌથી મોટું હથિયાર છે. માસ્ક, સામાજિક અંતર અને અન્ય ગાઈડલાઈનને અનુસરીને સતર્ક રહેવું જોઈએ.
વેક્સિન સુરક્ષા કવચની માફક
લડાઈમાં વેક્સિન સુરક્ષા કવચની માફક છે. સમગ્ર વિશ્વમાં વેક્સિન તૈયાર કરનારી કંપનીઓ મર્યાદિત છે. અત્યારે આપણી પાસે ભારતમાં બનેલી વેક્સિન ન હોત તો શું સ્થિતિ સર્જાઈ હોત. છેલ્લા 50-60 વર્ષનો ઈતિહાસ જોવામાં આવે તો જાણવા મળે છે કે ભારતે વિદેશોમાંથી વેક્સિન પ્રાપ્ત કરવામાં દાયકાઓનો સમય લાગ્યો હતો. વેક્સિનનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં આપણા દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ શકતું ન હતું. પોલિયો, સ્મોલ પોક્સ, હિપેટાઈટીસ બીની વેક્સિન માટે દેશવાસીઓએ દાયકાઓ સુધી રાહ જોવી પડી હતી.
વેક્સિનેશન માટે મિશન મોડથી કામ
2014માં દેશવાસીઓએ અમને સેવાની તક આપી ત્યારે ભારતમાં વેક્સિનેશનનું કવરેજ ફક્ત 60 ટકા આસપાસ હતુ. અમારી નજરમાં આ ચિંતાની બાબત હતી. જે ઝડપથી ભારતમાં વેક્સિનેશન કાર્યક્રમ ચાલતો હતો તેને જોતા 40 વર્ષનો સમય લાગ્યો હોત. અમે આ સમસ્યાના સમાધાન માટે મિશન ઈન્દ્રધનુષ લોંચ કર્યું હતું. અમે નક્કી કર્યું છે કે આ મિશનના માધ્યમથી યુદ્ધસ્તર પર વેક્સિનેશન કરવામાં આવશે અને દેશમાં જેમને પણ વેક્સિનેશનની જરૂર છે તેને વેક્સિન આપવાનો પ્રયત્ન થશે. અમે મિશન મોડ પર કામ કર્યું છે.
આગળ વધી રહ્યા હતા ને કોરોનાએ ઘેરી લીધા
આપણે 5-7 વર્ષમાં જ વેક્સિનેશનને 60% થી વધારીને 90% સુધી પહોંચાડી દીધું. આપણે વેક્સિનેશની સ્પીડ અને તેના વ્યાપને વધારી દીધો. બાળકોને ઘણી જીવલેણ બીમારીથી બચાવવા માટે નવી રસિને અભિયાનનો ભાગ બનાવાયો. અમને દેશના બાળકોની ચિંતા હતી, ગરીબોની ચિંતા હતી, ગરીબ બાળકોની ચિંતા હતી, જેઓને ક્યારેય રસિ અપાઈ જ ન હતી. અમે યોગ્ય રીતે આગળ વધી રહ્યા હતા ત્યારે જ કોરોના વાઈરસે આપણને ઘેરી લીધું.
દેશ જ નહીં વિશ્વ સામે પણ જૂની આશંકાઓ હતી કે ભારત તેના લોકોને કેવી રીતે બચાવી શકશે. જ્યારે તમારી નીયત સાફ અને સ્પષ્ટ હોય, નિરંતર પરિશ્રમ હોય ત્યારે પરિણામ મળે છે. દરેક આશંકાને બાજુમાં રાખીને ભારતે એક વર્ષમાં જ બે મેડ ઈન વેક્સિન લોન્ચ કરી દીધી છે.
વૈજ્ઞાનિકોએ દેખાડી દીધુ કે ભારત કોઈથી પાછળ નથી
આપણાં દેશોના વૈજ્ઞાનિકોએ દેખાડી દીધું છે કે, ભારત મોટા-મોટા દેશોથી પાછળ નથી. આજે જ્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે 23 કરોડથી વધારે વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. આપણાં ત્યાં કહેવામાં આવ્યું છેકે, 'વિશ્વાસેન સિદ્ધિ' એટલે કે આપણાં પ્રયત્નોથી સફળતા ત્યારે મળે છે જ્યારે આપણને આપણાં પર વિશ્વાસ હોય. અમને વિશ્વાસ હતો કે આપણાં વૈજ્ઞાનિકો બહુ જઓછા સમયમાં વેક્સિન બનાવવામાં સફળતા મેળવી લેશે. આ વિશ્વાસના કારણે, જ્યારે આપણાં વૈજ્ઞાનિકો તેમનું રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે જ અમે પણ અમારી તૈયારી કરી લીધી હતી.
આગામી દિવસોમાં વેક્સિનનો સપ્લાય વધશે
ગયા વર્ષે એપ્રિલમાં જ્યારે કોરોનાના અમુક કેસ હતા ત્યારે જઅમે વેક્સિન ટાસ્ક ફોર્સ બનાવી દીધી હતી. ભારત વેક્સિન બનાવનાર દરેક કંપનીઓને સપોર્ટ કરે છે. વેક્સિન નિર્માતાઓને ક્લીનિકલ ટ્રાયલમાં મદદ કરવામાં આવી છે. રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે જરૂરી ફંડ પણ આપ્યું છે. દરેકસ્તર પર સરકાર તેમના ખભાથી ખભો મેળવીને ચાલી રહ્યા છે. આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મિશન કોવિડ સુરક્ષા દ્વારા હજારો કરોડની ફાળવણી કરવામાં આવી છે. છેલ્લાં કેટલાક સમયથી દેશ સતત જે પ્રયત્નો કરી રહ્યા છે તેના કારણે આવનાર સમયમાં વેક્સિન સપ્લાય વધવાનો છે.
નવેમ્બર સુધી ગરીબોને મળશે મફતમાં રેશન
સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ગરીબો માટે પણ એક મહત્વની જાહેરાત કરી છે. વડાપ્રધાને કહ્યું છે કે, કોરોના સંકટમાં પણ ગરીબોને મફત રેશન આપવામાં આવ્યું હતું. સરકારે હવે ફરી નિર્ણય કર્યો છે કે, આ વર્ષે દિવાળી સુધી એટલે કે નવેમ્બર સુધી ગરોબીને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફતમાં રેશન આપવામાં આવશે.
વેક્સિન આવી તો શંકાઓ વધી
જ્યારથી ભારતમાં વેક્સિન પર કામ શરૂ થયુ, ત્યારથી કેટલાક લોકોએ એવી વાત કહી કે તેનાથી સામન્ય માણસોના મનમાં શંકા પેદા થઈ. એવી પણ કોશિશ કરાઈ વેક્સિન નિર્માતાઓનો જુસ્સો ઘટે, અડચણો પણ આવી. ભારતની વેક્સિન આવી તો અનેક માધ્યમોથી શંકાઓને વધારવામાં આવી. અલગ-અલગ પ્રકારના તર્ક પર વિચાર કરવામાં આવ્યો. તેને પણ દેશ જોઈ રહ્યો છે. જે લોકો વેક્સિનને લઈને શકા અને અફવા ફેલાવી રહ્યાં છે, તેઓ ભોળા ભાઈઓ અને બહેનોના જીવનની સાથે રમત રમી રહ્યાં છે. આવી અફવાઓથી સતર્ક રહેવાની જરૂરિયાત છે.
અંતમાં અપીલ-નિયમોનું પાલન કરો
હું તમને બધાને વિનંતી કરુ છું કે વેક્સિનને લઈને જાગ્રૃતતા વધારવામાં સહયોગ કરો. ઘણી જગ્યાઓએ કર્ફ્યુમાં ઢીલ અપાઈ રહી છે, જોકે તેનો અર્થ એ નથી કે કોરોના જતો રહ્યો છે. આપણે સાવધાન રહેવાનુ છે અને બચવા માટેના નિયમોનું સખ્તાઈથી પાલન કરવાનું છે. આપણે લડાઈ જીતીશું. ભારત કોરોના સામે જીતશે.
અગાઉના સંદેશમાં મોદીએ કહી હતી આ 5 વાત
કોરોના દરમિયાન અત્યારસુધીમાં 8 વખત કર્યું છે દેશને સંબોધન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.