દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે. ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરજન્સી મીટિંગ કરી. વીડિયો કોન્ફરન્સિંગથી કરવામાં આવેલી આ મીટિંગમાં PM મોદીએ મિશન મોડ પર બાળકોના વેક્સિન ડ્રાઈવને વધુ ઝડપી બનાવવાનું કહ્યું છે. મોદીએ નિર્દેશ આપ્યો કે જે રાજ્યોમાં કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યાં છે તે રાજ્યોમાં ટેક્નિકલ સપોર્ટ આપવામાં આવે.
PM મોદીએ જિલ્લા સ્તરે પર્યાપ્ત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુનિશ્ચિત કરવાની વાત પર પણ ભાર આપ્યો. તેઓએ અધિકારીઓને આ અંગે રાજ્યોની સાથે સમન્વય જાળવી રાખવાનું કહ્યું. મોદીએ રાજ્યોને સ્થિતિ પર ચર્ચા કરવા માટે CMની સાથે બેઠક બોલાવવાનું પણ કહ્યું. તેઓએ કોરોનાના મામલાના મેનેજમેન્ટની સાથે નોન કોવિડ હેલ્થ સર્વિસની નિરંતરતા સુનિશ્ચિત કરવાની વાત પર જોર આપ્યું.
PM મોદીએ આ બેઠક પછી એક ટ્વીટ કર્યું જેમાં તેઓએ લખ્યું કે, "કોવિડ-19ની હાલની સ્થિતિ પર ચર્ચા થઈ. 15થી 18 વર્ષના યંગસ્ટર્સ સહિત હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેક્સિનેશન ડ્રાઈવની તૈયારીઓની સમીક્ષા કરી. આ ઉપરાંત નોન કોવિડ હેલ્થ સર્વિસને યથાવત રાખવાનું સુનિશ્ચિત કર્યું."
આ વર્ચ્યુઅલ મીટિંગમાં દેશમાં કોરોનાની સ્થિતિ સમીક્ષા કરવામાં આવી. સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ સચિવ રાજીવ ગાબા, ગૃહસચિવ અજય ભલ્લા, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, ICMRના DG સહિત અનેક અધિકારીઓ સામેલ થયા.
દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં પોઝિટિવિટીના આંકડા પહેલી વખત દોઢ લાખને પાર થઈ ગયા છે. 24 કલાકમાં સંક્રમણના 1 લાખ 59 હજાર 424 કેસ સામે આવ્યા છે અને 327 લોકોના મોત નિપજ્યા છે. આજે 40,000થી વધુ લોકો રિકવર થયા છે.
આ પહેલાં વડાપ્રધાન મોદીએ 22 ડિસેમ્બર અને 26 નવેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બંને જ મીટિંગમાં PMએ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર જોર આપ્યું હતું. તેઓએ દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈને પણ નિર્દેશ આપ્યા હતા.
22 ડિસેમ્બરઃ દવા અને ઓક્સિજનના સ્ટોકને મેન્ટેન કરવા કહ્યું
PM મોદીએ 22 ડિસેમ્બરે દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈને અધિકારીઓ સાથે હાઈ લેવલ રિવ્યૂ મીટિંગ કરી હતી. લગભગ એક કલાક ચાલેલી આ બેઠકમાં હેલ્થ મિનિસ્ટ્રી સહિત ઘણા વિભાગોના અધિકારીઓ સામેલ થયા હતા. વડાપ્રધાને સ્થિતિની માહિતી લેવાની સાથે સરકારની તૈયારીઓ પણ જાણી હતી. PMએ અધિકારીઓને દવાઓ અને ઓક્સિજનનો સ્ટોક વધારવાના નિર્દેશ આપ્યા હતા. સાથે જ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારીને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારુ કરવા પર ભાર આપ્યો હતો.
26 નવેમ્બર: ઈન્ટરનેશનલ ટ્રાવેલ પર સખ્તીના નિર્દેશ આપ્યા હતા
વિશ્વમાં ઓમિક્રોન વેરિયન્ટની શરૂઆતમાં 26 નવેમ્બરે વડાપ્રધાને અધિકારીઓની બેઠક બોલાવીને ઈન્ટરનેશનલ ટ્રાવેલમાં છૂટ આપવાના પ્લાનિંગ પર બીજી વખત વિચારણા કરવાનું કહ્યું હતું.
શનિવારે આવ્યા 1.59 લાખ કેસ
દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં સંક્રમણનો આંકડો પહેલી વખત દોઢ લાખને વટાવી ગયો છે. 24 કલાકમાં સંક્રમણના 1 લાખ 59 હજાર 424 કેસ પ્રકાશમાં આવ્ય છે અને 327 લોકોના મૃત્યુ થયા છે. આજે 40,000થી વધુ લોકો સાજા થયા છે.
ઓમિક્રોન પણ ઝડપથી વધી રહ્યો છે
દેશમાં ઓમિક્રોનના કેસ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 52 નવા દર્દી નોંધાયા છે. તેની સાથે જ દેશમાં ઓમિક્રોનના કુલ દર્દીઓની સંખ્યા 3623 થઈ છે. આ વેરિયન્ટથી સંક્રમિત થયેલા 1409 દર્દી સાજા થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.